કયો પક્ષ બિહારમાં ખાનગી ક્ષેત્રોમાં રોકાણ લાવશે? - Sandesh
  • Home
  • Columnist
  • કયો પક્ષ બિહારમાં ખાનગી ક્ષેત્રોમાં રોકાણ લાવશે?

કયો પક્ષ બિહારમાં ખાનગી ક્ષેત્રોમાં રોકાણ લાવશે?

 | 12:21 am IST

કરન્ટ અફેર :- આર. કે. સિંહા

બિહાર વધુ એક વખત ચૂંટણી સંગ્રામ માટે તૈયાર છે. રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. નેતાઓનું જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. હવે ટૂંક સમયમાં ત્યાં ચૂંટણીસભાઓ પણ શરૂ થઈ જશે. તમામ પક્ષોના નેતાઓ જનતાને તમામ પ્રકારનાં વચનો પણ આપશે. ફરી આ પક્ષો પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ લઈને જનતાને આકર્ષવાની કોશિશ કરશે. જેમાં પણ જનતા અને રાજ્યના વિકાસ માટે તમામ પ્રકારનાં વચનો આપવામાં આવશે. આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી જાતિના સવાલના બદલે વિકાસના મુદ્દા પર જ લડાય તો કેટલું સારું રહે. આ મુદ્દે તમામ ક્ષેત્રોમાં ગંભીર ચર્ચા થાય. તમામ પક્ષો વિકાસ લાવવા માટેનો પોતાનો રોડમેપ જનતા સમક્ષ રજૂ કરે. કમનસીબે બિહારમાં વિકાસના સવાલ બિનજરૂરી થઈ રહ્યા છે. આપણે રાજ્યમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું હતું. એ સમયે કેમ્પેનમાં મહાગઠબંધનના નેતાઓ વિકાસના મુદ્દા પર ફોકસ જ નહોતા કરી શકતા. હવે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસને તમામ કેમ્પેનના કેન્દ્રમાં લાવી દીધું છે. ગઈ ચૂંટણીમાં તો એનડીએની વિરુદ્ધ મેદાને ઊતરનાર તમામ તાકાતો રાજ્યના વિકાસના મુદ્દે વાત કરતા ખચકાતી હતી. આવી માનસિકતાના કારણે બિહાર વિકાસની રેસમાં અન્ય રાજ્યોથી ઘણું પાછળ રહી ગયું છે. આ ખરેખર ખૂબ જ ગંભીર મામલો છે. બિહારમાં જાતિનું રાજકારણ રમનારાઓના લીધે જ રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ નહિવત્ થયો છે.

બિહારના યુવાનો મુશ્કેલીમાં

તમે જણાવો કે, છેલ્લા ૩૦ વર્ષોમાં બિહારમાં કયા અગ્રણી ઔદ્યોગિક જૂથોએ પોતાનાં એકમો સ્થાપ્યાં? તાતા, રિલાયન્સ, મહિન્દ્રા, ગોયેન્કા, મારુતિ, ઇન્ફોસિસ જેવી કોઈ પણ વિશાળ કંપનીએ બિહારમાં રોકાણ કરવાનું યોગ્ય સમજ્યું નથી. જેના પરિણામે બિહારના યુવાનોને પોતાના ઘરની આસપાસ કોઈ ફાયદાકારક નોકરી મળતી નથી. તેમણે પોતાના ઘરથી દૂર જવું જ પડે છે. તમે દિલ્હી, મુંબઈ, પૂણે, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર, લુધિયાણા સહિત દેશના કોઈ પણ ઔદ્યોગિક શહેરમાં જાવ, ત્યાં તમને બિહારી યુવાન દરેક પ્રકારની નોકરી કરતા જોવા મળશે. શું બિહારમાં જાતિનું રાજકારણ રમનારાઓ આ સવાલનો જવાબ આપી શકશે કે, તેમની અયોગ્ય નીતિઓના કારણે જ રાજ્યમાં ખાનગી ક્ષેત્રમાંથી કોઈ રોકાણ કરવાની હિંમત સુદ્ધાં કરતું નથી?   યાદ રાખો કે, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ જેવાં રાજ્યોનો શાનદાર વિકાસ એટલા માટે થઈ રહ્યો છે કે, એમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દર વર્ષે રેન્કિંગ જારી કરીને જણાવે છે કે, દેશના કયાં રાજ્યોમાં વેપાર કરવો સરળ અને ક્યાં સૌથી મુશ્કેલ છે. સરકારે તાજેતરમાં જ ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’નું રેન્કિંગ જારી કર્યું હતું. જેમાં પહેલાં સ્થાને આંધ્રપ્રદેશ છે. જેનો અર્થ એ છે કે, દેશમાં આંધ્રપ્રદેશમાં વેપાર કરવો આજના દિવસે સૌથી સરળ છે.

તેલંગણા બીજા સ્થાને છે. હરિયાણા ત્રીજા નંબરે છે. વેપાર કરવામાં સરળતાના મામલે મધ્યપ્રદેશ ચોથા તો ઝારખંડ પાંચમા સ્થાને છે. છત્તીસગઢ છઠ્ઠા, હિમાચલપ્રદેશ સાતમા અને રાજસ્થાન આઠમા સ્થાને છે. એ સિવાય પ.બંગાળ આ વખતે ટોપ ૧૦મા સામેલ થઈને ૯મા સ્થાને પહોંચી ગયું છે. ગુજરાત ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના મામલે ૧૦મા સ્થાને છે. જોકે, બિહાર તો એમાં ૧૫મા સ્થાન સુધી ક્યાંય નથી.

બિહારનો વિકાસ કેવી રીતે થશે?

વાસ્તવમાં આ રેન્કિંગનો ઉદ્દેશ ઘરેલુ અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષિત કરવા માટે વ્યાપાર માટેના માહોલમાં સુધારો લાવવા માટે રાજ્યોની વચ્ચે હરીફાઈની શરૂઆત કરવાનો છે. સરકાર રાજ્યોના રેન્કિંગને કન્સ્ટ્રક્શન પરમિટ, કામદાર કાયદા, પર્યાવરણ નોંધણી, ઇન્ફોર્મેશન સુધીની પહોંચ, જમીનની ઉપલબ્ધતા તેમજ સિંગલ વિન્ડો સિસ્ટમના આધારે માપે છે.

બિહારના નેતાઓની આંખો ક્યારે ખૂલશે?

હવે આ રેન્કિંગથી બિહારના તમામ નેતાઓ અને પક્ષોએ પાઠ તો ભણવો જ જોઈએ. તેમને જાણ થઈ ગઈ હશે કે, તેમના રાજ્યની સ્થિતિ વેપાર કરવાની દૃષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. એ સચ્ચાઈ છે કે, છેલ્લા ઘણા સમયથી બિહારમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ જાણે થંભી ગયો છે. હવે બિહારમાં જે પણ નવી સરકાર રચાય, એણે ફિક્કી, સીઆઈઆઈ કે એસોચેમ જેેવા દેશના મુખ્ય ઔદ્યોગિક અને વેપાર સંગઠનોની સાથે તાલમેલ કરીને રાજ્યમાં રોકાણ આવે એ દિશામાં પ્રયાસ કરવા પડશે. એ કોઈને પણ જણાવવાની જરૂર નથી કે, બિહાર ઔદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ પાછળ છે તો એનાં અનેક કારણો છે. જેમકે, રાજ્યમાં નવા ઉદ્યોગો અને પહેલાંથી ચાલી રહેલા ઉદ્યોગોના મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે કોઈ સિંગલ વિન્ડો સિસ્ટમ તૈયાર કરવામાં આવી નથી. બિહારમાં પોતાનો બિઝનેસ સ્થાપિત કરનારા ઉદ્યોગો માટે જમીન ફાળવણીની કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ રાજ્યમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરવાની જરૂરિયાત સુદ્ધાં સમજવામાં આવી નથી. એટલે કે વીજળી અને પાણીનો પુરવઠો પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ નક્કર નથી. માર્ગોની સ્થિતિ ખરાબ છે.  આરોગ્ય સેવાઓ પણ રામ ભરોસે છે. જોકે, નીતીશજીના શાસનમાં વિકાસ માટે ઓછા પ્રયાસો થયા છે, એમ પણ નથી. જોકે, લાલુના શાસનમાં રાજ્યની જે છબિ બની ગઈ છે એને રોકાણકારોના મનમાંથી દૂર કરવી સરળ પણ નથી. આવી સ્થિતિમાં બિહારમાં કયો રોકાણકાર આવીને રોકાણ કરશે? બિહારમાં ફૂડ પ્રોસેસિંગ, કૃષિ આધારિત અનેક ઉદ્યોગો, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઇલેક્ટ્રોનિક હાર્ડવેર ઉદ્યોગ, કપડાં, કાગળ અને આઇટી ઉદ્યોગ વગેરેનો ખૂબ જ વિકાસ થાય એ શક્ય છે. આ પ્રત્યે ધ્યાન તો આપવું જ રહ્યું.

શા માટે બિહાર ઔદ્યોગિક હબ ના બન્યું?

છેલ્લા ૨૦થી ૨૫ વર્ષમાં દેશનાં અનેક શહેરો મેન્યુફેક્ચરિંગ અને સેવાઓના ‘હબ’ બનતાં ગયાં. એ દૃષ્ટિએ બિહાર પાછળ ધકેલાતું ગયું. બિહારનું કોઈ પણ શહેર નોઇડા, માનેસર, બદ્દી કે શ્રીપેરુમ્બુદુર ન બની શક્યું. નોઇડા અને ગ્રેટર નોઇડાનાં જ ઉદાહરણ લો. જેમાં ઇલેક્ટ્રોનિક સામાન અને ઓટોમોબાઇલ સેક્ટરને સંબંધિત સેંકડો પ્રોડક્ટ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. એ સિવાય અહીં સેંકડો આઇટી કંપનીઓમાં લાખો યુવાનોને રોજગારી મળી રહી છે. જેમાં એક ટકા હિસ્સો બિહારી યુવાનોનો પણ છે. બીજી તરફ દક્ષિણ કોરિયાની એલજી ઇલેક્ટ્રોનિક્સ, મોજર બેયર, યામાહા, ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર્સ, વીડિયોકોન ઇન્ટરનેશનલ, શ્રીરામ હોન્ડા પાવર ઇક્વિપમેન્ટ તથા હોન્ડા સિએલે નોઇડા-ગ્રેટર નોઇડામાં ખૂબ જ રોકાણ કર્યું છે.

એ જ રીતે હરિયાણાનું શહેર માનેસર એક મુખ્ય ઔદ્યોગિક શહેર તરીકે સ્થાપિત થઈ ગયું છે. માનેસર ગુડગાંવ જિલ્લાનું ઝડપથી ઊભરતું ઔદ્યોગિક શહેર છે. સાથે જ એ દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એનસીઆરનો એક ભાગ પણ છે. જેમાં મારુતિ, સુઝુકી, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા લિમિટેડ સામેલ છે. જેમાં પણ લાખો લોકો કામ કરે છે અને જેમાં મોટી સંખ્યામાં બિહારીઓ પણ સામેલ છે. માનેસરને તમે ઉત્તર ભારતનું શ્રીપેરુમ્બુદુર ગણી શકો છો. તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં પણ ઓટો સેક્ટરની ઓછામાં ઓછી ૧૨ મોટી કંપનીઓ ઉત્પાદન કરી રહી છે, આ મોટી કંપનીઓને સ્પેરપાર્ટ્સ સપ્લાય કરવા માટે સેંકડો સહયોગી ઉદ્યોગો પણ ચાલી રહ્યા છે.

હવે મહારાષ્ટ્રના ચાકણની વાત કરીએ. ચાકણ પૂણેથી ૫૦ કિ.મી. તથા મુંબઈથી ૧૬૦ કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં બજાજ ઓટો અને તાતા મોટર્સનાં એકમો છે. આ બંને મોટી કંપનીઓનાં એકમો આવી ગયા બાદ ચાકણ એક ખાસ મેન્યુફેક્ચરિંગ હબ તરીકેનું સ્વરૂપ લઈ રહ્યું છે. અહીં હજારો પ્રોફેશનલ્સ અને શ્રમિકો કામ કરી રહ્યા છે. હવે મહિન્દ્રા ગ્રૂપે પણ ચાકણમાં દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે પોતાનું એક નવું એકમ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વાલ્ક્સવેગન પણ અહીં આવી ગઈ છે. એ સિવાય પણ દેશના અનેક શહેરો આ રીતે મેન્યુફેક્ચરિંગ કે સેવા ક્ષેત્રોનાં કેન્દ્રો બન્યાં. બીજી તરફ જે બિહારે આઝાદી પહેલાં જ તાતાનગર, દાલમિયાનગર જેવા ખાનગી ઔદ્યોગિક શહેર વસાવ્યાં હતાં, એ જ બિહારનું કોઈ શહેર શા માટે મેન્યુફેક્ચરિંગ કે સેવાક્ષેત્રનું હબ ના બની શક્યું? બિહારની વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દાઓ પર પણ વાત થાય અને જનતા એને જ વોટ આપે કે જે બિહારમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ લાવે. તો જ સ્થિતિ સુધરશે.

(લેખક પૂર્વ સાંસદ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન