કયું વાહન કેટલી સ્પીડ માટે હોય છે, જાણો છો?! - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • કયું વાહન કેટલી સ્પીડ માટે હોય છે, જાણો છો?!

કયું વાહન કેટલી સ્પીડ માટે હોય છે, જાણો છો?!

 | 12:39 am IST

વાત વિશેષ : પરવેઝ મલિક

આપણા દેશમાં રોજ સરેરાશ દર એક કલાકે ૧૧૪૦ નાગરિકો મૃત્યુ પામે છે. એમાં ૧૭ નાગરિકો અકસ્માતના કારણે મૃત્યુ પામે છે. એટલે કે દર વર્ષે ૧,૬૨,૦૦૦થી વધુ નાગરિકો અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામે છે. આ આંકડો વિશ્વમાં સૌથી વધુ કાર ઉત્પાદન કરનાર અમેરિકા કરતાં ચાર ગણો વધારે છે. અમેરિકામાં રોડ અકસ્માતમાં દર વર્ષે માત્ર આશરે ૪૦,૦૦૦ નાગરિકો મૃત્યુ પામે છે. જ્યારે આપણે કાર ઉત્પાદનમાં વિશ્વમાં ચોથા ક્રમે આવીએ છીએ, પરંતુ અકસ્માતમાં મૃત્યુમાં અમેરિકા કરતાં ચાર ગણા વધુ લોકોનો ભોગ લેવાઈ જાય છે.

સરકારી આંકડા કહે છે કે આપણા દેશમાં દર વર્ષે ૨,૯૦,૦૦,૦૦૦ મોટર વ્હીકલનું ઉત્પાદન થાય છે. એટલે કે એન્જિનથી ચાલતા આશરે ત્રણ કરોડ વાહનો આપણા દેશમાં દર વર્ષે બનતા રહે છે. સ્વાભાવિક છે કે એ વાહનો વેચાતા પણ રહે છે. એટલે કે દેશના રોડ્ઝ ઉપર દર વર્ષે ત્રણ કરોડ વાહનો ઉમેરાતા જાય છે. શું આટલા વધારાના વાહનોને સમાવી શકે એટલા નવા રોડ વિકસે છે? ના. અકસ્માત વધારે થવાનું આ પાયાનું કારણ છે. બીજું કારણ છે આપણા દેશના વાહનચાલકોનું બેફામ ડ્રાયવિંગ. એમને ખબર પણ નથી હોતી કે કઈ લેનમાં કયા વાહનને ચાલવાનો અધિકાર છે. ટ્રાફિકના નિયમો અને રોડ ઉપર લગાવવામાં આવતા સિમ્બોલ્સની ખબર જ નથી હોતી. કાયદા પ્રમાણે લાયસન્સ લેતાં પહેલાં વાહન ચલાવવાની તાલીમ આપનાર સંસ્થાએ નિયમો શીખવવા જોઈએ અને દરેક સિમ્બોલની સમજ આપવી જોઈએ. એની પરીક્ષા પણ લેવી જોઈએ. પરંતુ પ્રેક્ટિસમાં આવું થતું નથી. એટલે વાહનચાલક ઘેર બેઠાં લાયસન્સ મેળવી લે છે અને ટ્રાફિકના નિયમ તથા સિમ્બોલ બાબતે અભણ રહી જાય છે. આવા અભણ ડ્રાઇવરોને ખબર નથી હોતી કે ઓવરટેક જમણી બાજુથી થાય કે ડાબી બાજુથી? ચાર રસ્તા પર રસ્તો ક્રોસ કરવાનો હક જમણી બાજુના વાહનને હોય કે ડાબી બાજુના વાહનને હોય? રસ્તા પર કઈ લેન ટુ વ્હીલ માટે છે અને કઈ ફોર વ્હીલર માટે એની પણ ખબર હોતી નથી. રાત્રે વાહનની ડીપર લાઈટ ક્યારે કરી શકાય અને એનો શો અર્થ થાય છે એની પણ ખર હોતી નથી! આ બધી વાતે અભણ ડ્રાઇવરો બેફામ વાહન હંકારતા હોવાથી રસ્તાઓ ઉપર કોઈ દેશમાં નહોય એવા મોટા અને ઊંચા બમ્પ મૂકવા પડે છે. નેશનલ હાઈ-વે ઉપર પણ!

વાહન વેચનારાઓએ પણ કયું વાહન કેવા રસ્તા માટે છે, કઈ કેપેસિટીના વાહનની કેટલી સ્પીડની કેપેસિટી છે એ શીખવવું જોઈએ. શહેરના ટ્રાફિકમાં ૮૦૦થી ૯૦૦ સીસીથી વધુ પાવરફુલ એન્જિન નકામું છે. એ જ રીતે હાઈ-વે ઉપર ૮૦૦થી ૯૦૦ સીસીના એન્જિન નકામા છે. આવા વાહન રસ્તાની છેક ડાબી બાજુની લેનમાં જ ચલાવવા જોઈએ. આ વાહનો ૮૦-૯૦ કિલોમીટરથી વધુ સ્પીડ પર લઈ જવા જરાય સલામત નથી. ૧૨૦૦ સીસી એન્જિનના વાહનો ૧૦૦થી ૧૨૦ કિલોમીટરની સ્પીડ માટે યોગ્ય છે. પરંતુ એ ૧૫૦ કિલોમીટરની સ્પીડ પર ન ચલાવાય. એ માટે એસયુવી વાહન જોઈએ જેનું એન્જિન ૧૫૦૦ સીસીનું હોય છે અને વાહનને અચાનક બ્રેક કરતાં જે આંચકા આવે એને ખમી લેવાની વ્યવસ્થા એમાં હોય.

આવી તાલીમ આપ્યા વગરના વાહન માલિકો અને વાહન ચાલકો હાઈ-વે ઉપર ફરતા હોય અને સતત વધતા વાહનોને સમાવી લેવા રસ્તાઓની કેપેસિટી વધતી ન રહેતી હોય તો અકસ્માતો વધવાના જ છે અને અકસ્માતમાં મૃત્યુના આંક પણ વધવાના જ છે.

[email protected]