While Warner Ball was showing the tapping trick, Smith knew all along: Cook
  • Home
  • Sports
  • Cricket
  • બોલ ટેમ્પરિંગ મુદ્દે કૂકનો ધડાકો, કહ્યું- ‘આ ખેલાડી બોલ ટેમ્પરિંગની ટ્રિક બતાવતો, સ્મિથને બધી ખબર’

બોલ ટેમ્પરિંગ મુદ્દે કૂકનો ધડાકો, કહ્યું- ‘આ ખેલાડી બોલ ટેમ્પરિંગની ટ્રિક બતાવતો, સ્મિથને બધી ખબર’

 | 7:55 am IST

ક્રિકેટમાં બોલ ટેમ્પરિંગનો વિવાદ રમતની પ્રતિષ્ઠાને ઘણી વખત ખરડી ચૂક્યો છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વર્તમાન એશિઝ શ્રેણી દરમિયાન વધુ એક વખત બોલ ટેમ્પરિંગનો મુદ્દો સપાટી ઉપર આવ્યો છે. આ વખતે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની એલિસ્ટર કૂકે પોતાની આત્મકથામાં આ અંગે ઘટસ્ફોટ કરીને બોલ ટેમ્પરિંગ અંગે ઓસ્ટ્રેલિયન ડાબોડી ઓપનર ડેવિડ વોર્નર સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને કોઈ પણ ભોગે વિજય હાંસલ કરવા અંગેની માનસિકતા અંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને પણ સકંજામાં લીધું છે.

મેદાન ઉપર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની વિવિધ વર્તણૂકથી વધારે માહિતગાર હોય તો તે ઇંગ્લેન્ડના ક્રિકેટરો છે. બંને વચ્ચે વર્ષોથી તીવ્ર હરીફાઈ થઈ રહી છે. આ કારણથી સાત એશિઝ શ્રેણી રમી ચૂકેલા કૂકે ઓસ્ટ્રેલિયન ખેલાડી તથા ટીમ અંગે ઘણા ચોંકાવનાર ઘટસ્ફોટ કર્યા છે. કૂકે જણાવ્યું હતું કે, વોર્નરે એક ફર્સ્ટ ક્લાસ મેચમાં બોલ સાથે ટેમ્પરિંગ કેવી રીતે કરી શકાય તે અંગે મને બતાવ્યું હતું.

કૂકે જણાવ્યું હતું કે એક ફર્સ્ટ ક્લાસ મેચમાં તેને હાથમાં બાંધેલી પટ્ટીમાં લાગેલા હાર્ડ મટીરિયલ દ્વારા બોલ સાથે ચેડાં કેવી રીતે કરી શકાય તે બતાવ્યું હતું. આ સમયે જો સ્મિથે હસ્તક્ષેપ ના કરી હોત તો વોર્નરે ટેમ્પરિંગ સાથે જોડાયેલા ઘણા રહસ્યોને ખોલી નાખ્યા હોત.

કૂકે જણાવ્યું હતું કે આ બનાવ ૨૦૧૭-૧૮ની એશિઝ શ્રેણી બાદ યોજાયેલી એક પાર્ટી દરમિયાનનો છે. વોર્નરે જેવો આ બાબતનો ખુલાસો કર્યો કે મેં તરત જ સ્મિથ બાજુ જોયું હતું અને તેના ચહેરાના ભાવથી એવું લાગી રહ્યું હતું કે તે વોર્નરને આ પ્રકારના ખુલાસો ના કરે તેવું કહેવા માગતો હતો.

ઓસ્ટ્રેલિયન કોઈ પણ ભોગે જીતવા માગે છે 

ઇંગ્લેન્ડના ડાબોડી ઓપનર કૂકે એમ પણ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ કોઈ પણ ભોગે વિજય મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરે છે. આ માટે તેઓ કશું પણ કરવા માટે તૈયાર રહે છે. જોકે કૂકે સીધી રીતે ચીટિંગ શબ્દનો ઉપયોગ કર્યો નથી પરંતુ સંકેતો ઉપરથી સ્પષ્ટતા કરી દીધી છે કે, કાંગારુઓ વિજય મેળવવા માટે કશું પણ કરી શકે છે.

હવે સમર્થકોનાંદિલ જીતવાના પ્રયાસ કરે છે 

કૂકના અનુસાર ઓસ્ટ્રેલિયાના લોકો પણ પોતાની ટીમની કોઈ પણ ભોગે વિજય હાંસલ કરવાની સ્ટાઇલથી સંતુષ્ટ નથી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ આ મામલામાં ઘણી આગળ નીકળી ગઈ છે. ગયા વર્ષે બોલ ટેમ્પરિંગના વિવાદ બાદ હવે ખેલાડીઓ પોતાના સમર્થકોનાં દિલ જીતવાના પ્રયાસ કરે છે. ટીમના કોચ જસ્ટિન લેંગરે ડ્રેસિંગ રૂમનું કલ્ચર બદલ્યું છે જેના કારણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હવે ગ્રાઉન્ડ ઉપર વધારે શાંત તથા વિનમ્ર નજરે પડે છે. નોંધનીય છે કે ગયા વર્ષે બોલ ટેમ્પરિંગના વિવાદમાં સ્મિથ તથા વોર્નર બંને એક-એક વર્ષ માટે પ્રતિબંધિત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન