જેમણે ટીવી સીરિયલથી નહીં, ટીવીની એડથી શરૂઆત કરી હતી - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • જેમણે ટીવી સીરિયલથી નહીં, ટીવીની એડથી શરૂઆત કરી હતી

જેમણે ટીવી સીરિયલથી નહીં, ટીવીની એડથી શરૂઆત કરી હતી

 | 12:53 am IST

ફિલ્મી ટ્રેક :- ધારિકા જનસારી

ઐશ્વર્યા રાય 

અત્યારની બચ્ચન વહુ ઐશ્વર્યાએ હિન્દી સિનેજગતમાં ફિલ્મો કરવાની શરૂઆત કરી એ પહેલાં ૧૯૯૪માં જ્યારે એ મિસ વર્લ્ડ બની હતી અને અનેક જાહેરખબરોમાં ચમકી હતી. પરંતુ એ મિસ વર્લ્ડ બની એ પહેલાં, હજી ભણતી હતી ત્યારે પણ તેણે કેમલિન પેન્સિલની જાહેરાતમાં અભિનય કર્યો હતો. જ્યારે એણે કેમલિનની એડ કરી ત્યારે તે સાવ નાની બાળકી હતી. ત્યારબાદ તે ટીનએજર બની તો આમિર ખાન અને મહિમા ચૌધરીને ચમકાવતી પેપ્સીની જાહેરાતમાં એક અજાણી ટીનએજર તરીકે કામ કર્યું હતું. એ સમયે એને કોઈ ઓળખતું નહોતું. કોઈને અંજ નહોતો કે એ વિશ્વ સુંદરી બનશે અને સિનેજગતની ટોચની હિરોઈન બનશે.

શાહિદ કપૂર અને આયેશા ટાકિયા 

એક સમયે જ્યારે દૂરદર્શન એકમાત્ર ટીવી ચેનલ હતી ત્યારે દૂરદર્શન પર એક જાહેરાત આવતી હતી. તે જાહેરાત હતી કોમ્પ્લાનની. તેમાં ભાઈ-બહેન તરીકે એક છોકરો અને એક છોકરી બતાવવામાં આવતા હતા જે એકબીજાને ખીજવે છે. એ છોકરાં હતાં, શાહિદ કપૂર અને આયેશા ટાકિયા. એ બંને નાના હતા ત્યારે શરૂઆત આવી એડ-ફિલ્મોથી કરી હતી. લાંબો સમય એ બંને જાહેરખબર ફિલ્મોમાં જ અભિનય કરતા રહ્યા. પછીથી શાહિદે ડાન્સ શીખીને અને આયેશાએ અભિનય શીખીને સિનેજગતમાં ઝંપલાવ્યું અને ત્યાં પણ સફળતા મેળવી.

અનુષ્કા શર્મા

અનુષ્કાને આપણે શાહરૂખ ખાન સાથેની ફિલ્મ રબ ને બના દી જોડીથી ઓળખીયે છીએ. પરંતુ ટીનએજર તરીકે તેણે સ્કિન કેરની એડમાં કામ કર્યું હતું. આ લગભગ ૧૦ વર્ષ પહેલાંની વાત છે. હાલ તો અનુષ્કા બોલિવૂડનો જાણીતો ચહેરો બની ગઈ છે. આજે એ કેટલીક જાણીતી બ્રાન્ડસની જાહેરખબરોમાં જોવા મળે છે. પરંતુ હવેની સફળતા એને જાહેરાતમાં કામ અપાવે છે. એ સમયે તે સફળતા મેળવવા જાહેરાતમાં કામ કરતી હતી.

વરુણ ધવન 

અત્યારનો હીરો વરુણ જ્યારે નાનો હતો ત્યારે કંઈક અલગ જ અંદાજ હતો. વરુણે બાળપણમાં વક્તૃત્વની કોઈપણ સ્પર્ધા હોય તેમાં પ્રેરણા આપતા ભાષણોમાં કામ કર્યું છે. એમાં તેણે સૌ પ્રથમ વાર બોર્નવિટાની એડમાં કામ કર્યું છે. જે તેના કરિયરની શરૂઆત હતી. બોર્નવિટાની એ એડ ટીવી પર આવતી હતી. એ પછી અનેક જાહેરાતોમાં કામ કરતો રહ્યો. ત્યારે ગોવિંદાનો જમાનો હતો. આજે વરૂણ ધવનનો હીરો તરીકે જમાનો છે.

પ્રીતિ ઝિન્ટા

કેડબરી પર્ક ચોકલેટની એક એડમાં જે શરારતી અને ચુલબુલી યુવતી કશુંય બોલ્યા વગર જે ભાવ વ્યક્ત કરી ગઈ એના કારણે એ ચહેરો જાણીતો બની ગયો હતો. એ ચહેરો પ્રીતિ ઝિન્ટાનો હતો. તેણે ટીવી પર આવતી ચોકલેટની એડથી કરિયરની શરૂઆત કરી હતી. આ જાહેરાતની સફળતા પછી એને અનેક જાહેરાતો મળવા લાગી હતી. તેણે સાબુ અને ઠંડાપીણાની અનેક એડમાં કામ કર્યું છે. એમાંથી આગળ વધીને એ સિનેજગતમાં પ્રવેશ મેળવી શકી અને આજે તો પીઢ અભિનેત્રી બની ગઈ છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલને શરૂઆતમાં ટીનએજર હતી ત્યારે એક પાઉડરની એડમાં કામ કર્યું હતું. પછીથી તેણે કેટલીક જ્વેલરીની જાહેરાતોમાંં પણ કામ કર્યું હતું. તેની ખૂબી એ હતી કે તે દરેક વખતે કંઈક નવા જ અંદાજ સાથે કામ કરતી રહી હતી. પછી અને સિનેજગતમાં પ્રવેશ મળ્યો તો ફિલ્મોમાં પણ તે પોતાની ભૂમિકાઓ અલગ અંદાજમાં કરવા લાગી અને જોતજોતામાં એનું નામ થઈ ગયું.

દીપિકા પદુકોણ 

દીપિકાની જે સ્માઇલ છે. તે સ્માઇલ પરથી જ તેના કરિયરની શરૂઆત થઈ હતી. જ્યારે દીપિકા ટીનેઅજર હતી ત્યારે તેણે ટીવી માટે એક ટૂથપેસ્ટની જાહેરાતમાં કામ કર્યું હતું. એમાં તેની સ્માઈલ જ જાહેરખબર બનાવનારને ગમી ગઈ હતી. એ પછી તેને એની સ્માઈલના કારણે અનેક જાહેરખબર મળી. આખરે શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં તેને હિરોઈનની ભૂમિકા મળી હતી. ટોચની હિરોઈન બન્યા પછી એ પણ જાહેરખબરોમાં ચમકતી રહે છે, પરંતુ હવે તેને નામના કારણે એડ્સ મળે છે.

યામી ગૌતમ

યામી ગૌતમ હિન્દી ફિલ્મોમાં આવી તે પહેલાં તેણે કન્નડ, પંજાબી, તેલુગુ મલયાલમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. યામી વિકી ડોનર ફિલ્મથી બોલિવૂડમાં જોવા મળી છે. આ બધી ફિલ્મોમાં ચમકતાં પહેલાં યામી એક જાણીતી ફેરનેસ ક્રીમનો એકમાત્ર ચહેરો હતો. ટીવીની જાહેરાતમાં જાણે કે એ ફેરનેસ ક્રીમનો પર્યાય બની ગઈ હતી. આજે તો એ એક્શન જેક્શન, બદલાપુર, સનમ રે, કાબિલ વગેરે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પરંતુ હજીય પેલી ફેરનેસ ક્રીમની દરેક જાહેરાતમાં તો એનો જ ચહેરો જોવા મળે છે.

[email protected]