બાળ વાર્તા : શ્રેષ્ઠ વિદ્યાર્થી કોણ? - Sandesh
  • Home
  • Kids Corner
  • બાળ વાર્તા : શ્રેષ્ઠ વિદ્યાર્થી કોણ?

બાળ વાર્તા : શ્રેષ્ઠ વિદ્યાર્થી કોણ?

 | 3:22 pm IST

વિનોદભાઈ સાહેબ ઉત્સાહી અને વિદ્યાર્થીપ્રિય આચાર્ય હતા. તેઓ એક નાના શહેરની જાણીતી પ્રાથમિક શાળાના આચાર્ય હતા. પોતાની શાળામાં શિક્ષણ અંગેના તેઓ અવનવા પ્રયોગો કરતા રહેતા. શાળામાં ભણાવવા ઉપરાંત અન્ય અભ્યાસપૂરક પ્રવૃત્તિઓ પણ કરાવતા. વિનોદભાઈએ શાળાને નામના અપાવી હતી.

નવા સત્રમાં વિનોદભાઈને વિચાર આવ્યો કે શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીની પણ સ્પર્ધા રાખવી જોઈએ. આ અંગે તેમણે અન્ય શિક્ષકો સાથે બેસી ચર્ચા

પણ કરી.

પછી બીજે દિવસે પ્રાર્થનાસભામાં એમણે આ અંગે જાહેરાત કરતાં કહ્યું, “વિદ્યાર્થીમિત્રો, આ સત્રમાં એક નવી સ્પર્ધા રાખવામાં આવી છે. તે સ્પર્ધાનું નામ છે- શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થી. આ માટે માત્ર પરીક્ષાના ગુણ જ જોવામાં નહીં આવે, પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં તે કેવો ભાગ લે છે એ પણ જોવાશે. તેની હાજરીના ગુણ પણ મુકાશે. તે સુઘડ અને સ્વચ્છ કેવો રહે છે તેનુંય ધ્યાન અપાશે. એક બીજી વાત, તેના માનવીય ગુણો જેવા કે વિનય, વિવેક, સેવાભાવ વગેરે પણ ચકાસવામાં આવશે. આ બધું અમે શિક્ષકો તપાસતા રહીશું. એપ્રિલના પહેલા અઠવાડિયામાં એનું પરિણામ જાહેર થશે. ત્રીજી વાત, ધો-૪થી ૮નાં બાળકો માટે જ આ સ્પર્ધા છે. નાનાં બાળકોને આમાંથી બાકાત રખાયાં છે.”

આ જાહેરાત સાંભળી હોશિયાર અને પ્રવૃત્તિપ્રિય વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઊઠયા. નબળા અને કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લેનાર વિદ્યાર્થીઓને થયું કે આ સ્પર્ધા આપણા માટે નથી.

પછી દર મહિનાને અંતે શિક્ષકોની સભા મળતી. તેમાં વિદ્યાર્થીના ગુણ મુકાતા. નબળા વિદ્યાર્થીઓનાં નામ કમી કરવામાં આવતાં. દર મહિને પહેલી તારીખે વિદ્યાર્થીઓની યાદી તૈયાર થતી ને એ નામો જાહેર કરવામાં આવતાં.

માર્ચ મહિનામાં દરેક વર્ગમાંથી બે-બે નામ બાકી રહી ગયાં. હસિત અને આર્યન આઠમા ધોરણમાં ભણતા હતા. તે બંને વચ્ચે હવે સ્પર્ધા હતી. બંને ભણવામાં હોશિયાર હતા. બંને પ્રવૃત્તિમાં પણ ભાગ લેતા હતા. હસિત સુખી ઘરનો હતો, જ્યારે આર્યન ગરીબ વિદ્યાર્થી હતો.

જે વિદ્યાર્થીઓ ધો-૪થી ૮માં હવે સ્પર્ધામાં હતા તે બધામાં હસિત અને આર્યનના ગુણ વધારે હતા. હવે એ બેમાંથી જ કોઈ એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બનશે એ નક્કી હતું. માર્ચ મહિનાને અંતે વિનોદભાઈને લાગ્યું કે હસિત અને આર્યન બંનેમાંથી એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બનશે. તેઓ હવે એમની કસોટી કરી પરિણામ નક્કી કરવા ઇચ્છતા હતા. તેઓ એમનામાં રહેલા માનવીય ગુણોની કસોટી લેવા ઇચ્છતા હતા.

એક દિવસ હસિત શાળાએ જતો હતો. રસ્તામાં વૃક્ષ નીચે એક વૃદ્ધ માણસ બેઠો હતો. તે તાવથી ધ્રૂજતો હતો. તેણે ઇશારો કરી હસિતને નજીક બોલાવ્યો ને કહ્યું, “બેટા, મને તાવ છે. ચાલી શકાતું નથી. મને દવાખાને મૂકી જાને?” હસિતને થયું કે આ ડોસાને દવાખાને મૂકવા જશે તો શાળાએ જવાનું મોડું થશે. મારી નિયમિતતાના ગુણ કપાશે ને મને ઇનામ નહીં મળે. “સોરી દાદા, હમણાં બીજું કોઈ આવશે એને કહેજો.” આમ કહી હસિત સ્કૂલ તરફ રવાના થયો.

થોડીવારે એ રસ્તે થઈ આર્યન પસાર થયો. બીમાર વૃદ્ધે તેનેય વિનંતી કરી. આર્યનને થયું કે આ દાદાને મદદ કરવા જઈશ તો સ્કૂલે જવાનું મોડું થઈ જશે ને નિયમિતતામાં હું પાછો પડીશ, પરંતુ વૃદ્ધની દશા જોતાં એને દયા આવી ગઈ. તે બોલ્યો, “દાદા, ચાલો. મારો હાથ પકડી લો ને આર્યન દાદાને દોરી દવાખાને ગયો.”

આર્યનને મોડું થઈ ગયું હતું. તે દોડતો શાળાએ પહોંચ્યો ત્યારે પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. બહાર લોબીમાં જ વિનોદભાઈ ઊભા હતા. તેમણે આર્યનને નજીક બોલાવ્યો ને પૂછયું, “કેમ મોડો આવ્યો?”

આર્યને હકીકત કહી સંભળાવી. તેનો શ્વાસ હજી શમ્યો ન હતો. “આર્યન, તારી વાત સાચી, પરંતુ આજે તું મોડો આવ્યો એટલે તારા નિયમિતતાના ગુણ કપાશે” આચાર્ય સાહેબ બોલ્યા.

“સર, પણ હું એ વૃદ્ધ દાદાને એવી દશામાં કઈ રીતે છોડીને આવું?” આર્યને દલીલ કરી. વિનોદભાઈએ તેને વર્ગમાં જવા રજા આપી.

પરિણામનો દિવસ આવ્યો. સૌને હતું કે શ્રેષ્ઠ વિદ્યાર્થીનું ઇનામ તો હસિત જ લઈ જશે. સભાનું આયોજન થયું. આચાર્ય સાહેબ પરિણામ જાહેર કરવા ઊભા થયા.

“વિદ્યાર્થીમિત્રો, તમે સૌ જાણો છો કે આ સ્પર્ધામાં છેવટે આર્યન અને હસિત બે સ્પર્ધકો હતા. આ બંનેની એક કસોટી બાકી હતી તે કસોટી મેં ગોઠવી. મારા એક દૂરના સંબંધીને બીમાર બનાવ્યા ને સ્કૂલ આવવાના રસ્તે બેસાડયા. આ બંનેમાંથી કોણ એમને મદદ કરે છે તે મારે ચકાસવું હતું ને એમાં આર્યન સફળ રહ્યો. મિત્રો, શિક્ષણ દ્વારા જીવનમાં માનવીય ગુણોનો પણ વિકાસ થવો જોઈએ. જો એ વિકાસ ન પામે તો તમારો અભ્યાસ અપૂર્ણ રહી જશે, માટે આ સત્રનો શ્રેષ્ઠ વિદ્યાર્થી

છે આર્યન.”

સૌએ જોરદાર તાળીઓ પાડી. આર્યન સ્ટેજ પર ઇનામ લેવા ગયો ત્યારે એના હૈયામાં ઉત્સાહ માતો ન હતો. વિનોદભાઈએ એનો બરડો થાબડી ઇનામ સાથે શાબાશી પણ આપી.