Who Is The Owner Of Takshshila Complex Of Surat
  • Home
  • Featured
  • 20 વિદ્યાર્થીઓનાં મોત માટે જવાબદાર કૉમ્પલેક્સનો માલિક કોણ?

20 વિદ્યાર્થીઓનાં મોત માટે જવાબદાર કૉમ્પલેક્સનો માલિક કોણ?

 | 9:26 pm IST

દુનિયાનાં સૌથી ઝડપી વિકસિત પામી રહેલા શહેરોમાંનું એક સુરત આજે એક ખખડધજ્જ કૉમ્પલેક્સમાં લાગેલી આગમાં 20 વિદ્યાર્થીઓનાં મોતથી સમસમી ઉઠ્યું છે. એક સાથે 20 માસૂમ વિદ્યાર્થીઓનાં મોતથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ ગઇ છે. સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ કૉમ્પલેક્સમાં લાગેલી આ ભંયકર આગને ભલે વિદ્યાર્થીઓનાં મોતનું કારણ માનવામાં આવે, પરંતુ મોતનું જવાબદાર તંત્ર અને પોતાના ખખડધજ્જ કૉમ્પલેક્સને નજરઅંદાજ કરનાર કૉમ્પલેક્સનો માલિક પણ છે.

એક તરફ મૃતકોનાં પરિવારો પર આભ ફાટી પડ્યું છે તો બીજી તરફ તંત્ર આ ઘટનામાં પોતાની ફરજ ચુકી જવાની વાત પરથી હાથ અધ્ધર કરી રહ્યું છે. જો કે ગમે તે હોય, પરંતુ 20 જિંદગીઓ લૂંટાઈ જવા પાછળ તંત્રની અને કૉમ્પલેક્સનાં માલિકની બેદરકારી અને પોતાની ફરજોમાંથી ચુકી જવું એ મુખ્ય છે.

આગ લાગવાની આ ઘટના બાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને તંત્રની બેદકારી સામે આવી છે. આ કૉમ્પલેક્સને થોડાક મહિના પહેલા જ નોટિસ ફટકારવામાં આવી હતી. કૉમ્પલેક્સમાં ફાયર સેફ્ટીનાં નિયમોનાં ધજીયા ઉડાવી દેવામાં આવ્યા હશે તેવું સ્પષ્ટપણે આ દુર્ઘટનાથી લાગી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ છે કે ઊંઘી રહેલા તંત્રએ કૉમ્પલેક્સને નોટિસ ફટકાર્યા બાદ આગળ કેમ કોઇ જ પગલા લીધા નહીં?

આ આખી ઘટનામાં એક પ્રશ્ન જે સૌથી મહત્વનો છે તે એ છે કે આ કૉમ્પલેક્સનું માલિક કોણ છે? 20 લોકોનાં મોત ભલે પ્રત્યક્ષ રીતે આગથી થયા હોય, પરંતુ તેની પાછળ બેદરકારી અને લાપરવાહી જ છે. કૉમ્પલેક્સમાં યોગ્ય રીતે ફાયર સેફ્ટીનાં નિયમોનું પાલન થાય તે જરૂરી છે અને તેનું પાલન કરાવવાની નૈતિક જવાબદારી કૉમ્પલેક્સનાં માલિકની છે અને આ નિયમોનું પાલન થઇ રહ્યું છે કે નહીં તેની ખરાઈ કરવી એ તંત્રની છે. જો કે અત્યાર સુધી તો ખુદ તંત્રને પણ નથી ખબર કે આ કૉમ્પલેક્સનો માલિક કોણ છે!

ચોંકાવનારી વાત એ છે કે આ કૉમ્પલેક્સનાં માલિકને લઇને અત્યાર સુધી કોઈ જ માહિતી સામે આવી નથી. એક સાથે 20થી વધારે ઘરોમાં માતમ લાવવાર આ કૉમ્પલેક્સનાં માલિક પાછળ કાર્યવાહી થવી જોઇએ. જો આવું કડક પગલા ભરવામાં આવશે તો જ આવી નિર્દયી ઘટનાઓને અટકાવી શકાશે અને સંવેદનાઓ વિહીન, રેઢીયાળ માલિકોમાં એક ડર આવશે. તો જ નિયમો બનાવવાનો મતલબ સાર્થક થશે અને તો જ આવા લોકોમાં કાયદાનો ડર આવશે.

આ વિડીયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન