દેશમાં કોણ ચલાવે છે સફળ ઉદ્યોગપતિઓ સામે ઝુંબેશ? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દેશમાં કોણ ચલાવે છે સફળ ઉદ્યોગપતિઓ સામે ઝુંબેશ?

દેશમાં કોણ ચલાવે છે સફળ ઉદ્યોગપતિઓ સામે ઝુંબેશ?

 | 1:39 am IST
  • Share

કરન્ટ અફેર :- આર. કે. સિંહા

મુંબઈમાં તમે પિરોજશા ગોદરેજ માર્ગ જોઈ શકો છો. તે કોઈ રાજનેતા, લેખક કે સ્વાધીનતા સેનાની અથવા કવિ ન હતા. આપણે ત્યાં સામાન્ય રીતે માર્ગો અને બગીચા, સ્ટેડિયમના નામ આ પ્રકારના લોકોના નામ પરથી રાખવામાં આવે છે. પરંતુ ગોદરેજનો સંબંધ ગોદરેજ ઉદ્યોગ પરિવાર સાથે હતો. તેઓ મૂળભૂત રીતે એક ઉદ્યોગપતિ હતા અને એક ઉદ્યોગપતિના રૂપમાં ગોદરેજે રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આમ દેશમાં ઉદ્યોગપતિઓનું સન્માન કરવામાં આવતું હતું કે તે કોઈ જૂની બાબત નથી. પરંતુ સમય બદલાયો છે અને સમાજમાં જબરદસ્ત નકારાત્મકતા આવી ગઈ છે. તેનું કારણ રાજકીય છે કે નહીં તેની ચર્ચા કરવાનો આ લેખમાં કોઈ લાભ નથી. આજે દેશમાં દેખાઇ રહ્યું છે કે બે મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ જૂથોની પાછળ કોઈ કારણ વગર કેટલાક સોશિયલ મીડિયાના નકારાત્મક તત્ત્વો પડેલા દેખાય છે. તમે સમજી જ ગયા હશો કે હું રિલાયન્સ અને અદાણી જૂથની વાત કરી રહ્યો છું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઊર્જા, પેટ્રોકેમિકલ, કાપડ, પ્રાકૃતિક સંસાધન, રિટેલ બિઝનેસ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં દેશમાં ઘણો મોટો વેપાર ચાલે છે. રિલાયન્સ દેશની સૌથી વધારે નફો કરતી કંપનીઓમાંની એક કંપની છે. આનો અર્થ એવો થયો કે રિલાયન્સના લાખો શેરધારકો પણ આ લાભના ભાગીદાર છે જેમાં મોટાભાગના મધ્યમ વર્ગના અને નીચલા મધ્યમ વર્ગના લોકો છે. તે બજારમૂલ્યના આધાર પર દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની છે અને આવકના મોરચે પણ તે દેશની ટોચની કંપની છે. તેમાં લાખો વ્યવસાયિકો કામ કરે છે. લગભગ તમામ લોકોનો પગાર એટલો મોટો હશે કે તેઓ પણ સરકારને કર ભરે છે. એ પ્રકારે તેના લાખો શેરધારકો પણ છે તેમને પણ રિલાયન્સ તરફથી દર વર્ષે મોટું ડિવિડન્ડ મળે છે. તે માર્કેટ વેલ્યૂના સંદર્ભમાં ૧૫૦ અબજ ડોલરથી વધુ મૂલ્યની પ્રથમ ભારતીય કંપની પણ છે.

હવે થોડી વાત અદાણી જૂથની પણ કરીએ. આ જૂથ મુખ્યત્વે કોલસાનો વ્યાપાર, કોલસાની ખાણો તથા વીજળી ઉત્પાદક કંપની છે. અદાણી જૂથની સ્થાપના કરનારા ઉદ્યોગ સાહસિકનું નામ ગૌતમ અદાણી છે. અદાણી જૂથ દેશની સૌથી મોટી નિકાસ કરતી કંપનીઓમાંની એક છે. એટલે કે જંગી માત્રામાં વિદેશી ચલણની કમાણી કરનારી આ કંપનીના માલિક ગૌતમ અદાણીનો જન્મ અમદાવાદના નીચલા મધ્યમ વર્ગમાં થયો હતો અને કુલ સાત ભાઈ-બહેન હતાં. અભ્યાસ કરતા પહેલાં જ રોજી-રોટીનો સવાલ આવી ગયો, પરિણામ એ આવ્યું કે ઇન્ટરના અભ્યાસ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ માટે એડમિશન મેળવી લીધું પરંતુ અભ્યાસ આગળ વધી ના શક્યો. ૧૮ વર્ષની વયે જ પૈસા કમાવા માટે મુંબઈ આવી ગયા અને એક ડાયમંડ કંપનીમાં મહિને ૩૦૦-૪૦૦ના પગારે નાનકડી નોકરી પર લાગી ગયા. બે વર્ષ કામ કર્યા બાદ અદાણીએ ઝવેરી બજારમાં પોતાનું ડાયમંડ બ્રોકરેજ આઉટફિટ ખોલ્યું અને ત્યાંથી તેમની લાઇફમાં બદલાવની શરૂઆત થઇ. ૧૯૮૧માં અદાણીના મોટાભાઇ મનસુખભાઇએ અમદાવાદમાં પ્લાસ્ટિકના એક એકમની સ્થાપના કરી અને તેમણે ગૌતમને આ કંપની ચલાવવા જણાવ્યું. તે પછી તેમણે મોટાભાઈના પીવીસી યુનિટને સંભાળ્યું અને ધીમેધીમે વ્યાપારને આગળ ધપાવ્યો. ૧૯૮૮માં તેમણે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કંપની અદાણી એન્ટરપ્રાઇસિસની સ્થાપના કરી. આજે અદાણી જૂથનો વ્યાપાર દુનિભારમાં પથરાયેલો છે.

રિલાયન્સને ધીરુભાઈએ શરૂ કર્યું હતું અને તેને ટોચ પર તેમના પુત્ર મુકેશ અંબાણીએ પહોંચાડયું છે. ગૌતમ અદાણી પ્રથમ પેઢીના ઉદ્યોગપતિ છે. દેશના નૌજવાનોએ તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ અને તેમનાથી પ્રભાવિત થવું જોઈએ. પરંતુ તેમને બળજબરીથી ખલનાયક ચીતરવામાં આવી રહ્યા છે. આ એક શરમજનક સ્થિતિ છે. ખરાબ ના લગાડશો પરંતુ આવું આપણા દેશમાં બની રહ્યું છે. આ નકારાત્મકતા વધતી રહી છે.

યુપીએ સરકારના સમયે ૨૦૧૩માં કુમારમંગલમ બિરલા જૂથના અધ્યક્ષ આદિત્ય બિરલા પર કોલગેટમાં એફઆઇઆઇ જ દાખલ થઇ હતી અને તેને પરિણામે કોર્પોરેટ ઈન્ડિયા સ્તબ્ધ થઈ ગયું હતું. ભારતના કોર્પોરેટ જગતમાં તેમનું સ્થાન તાતા જૂથના રતન તાતા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આનંદ મહિન્દ્રા, એચડીએફસી બેન્કના ચેરમેન દીપક પારેખ જેવું જ સ્થાન છે. આ અગાઉ ક્યારેય કોઈ વિવાદમાં કુમારમંગલમ બિરલાનું નામ આવ્યું ન હતું. તેથી જ તેમની સામે સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરતાં ખળભળાટ મચી ગયો હતો. જો આપણે જ આપણા દેશના ઉદ્યોગપતિઓ સામે ખોટા આરોપો લગાવીશું અથવા તો તેમની સામે એફઆઇઆર દાખલ કરાવીશું તો સમજી લેજો કે દુનિયાભરમાં ભારતીય બિઝનેસની ખોટી તસવીર બહાર જશે. તેથી આવા દુષ્પ્રચારને જો હું રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કહું તો તેને અતિશયોક્તિ ના સમજશો. સમજમાં નથી આવતું કે કોઈ કારણ વગર જાણીતા ઉદ્યોગપતિ સામે તમે પ્રચારઝુંબેશ કેવી રીતે ચલાવી શકો. કોઈ એમ તો નથી કહેતું કે કરચોરોને અથવા નિયમો તથા કાયદાનું ઉલ્લંઘન કરવાવાળા ઉદ્યોગપતિ અથવા અન્ય કોઈ વ્યક્તિને માફ કરી દો. પરંતુ કોઈના પર આરોપ મૂકતા અગાઉ તેના પુરાવાઓ તો જુઓ. આદિત્ય વિક્રમ બિરલા જૂથ લગભગ ૪૦ દેશોમાં હાજરી ધરાવે છે. સરકારને હજારો કરોડનો કર ચૂકવે છે, જે દેશના વિકાસમાં જ કામ લાગે છે. તમે પણ મહેસૂસ કર્યું હશે કે આપણા દેશની અંદર એક કામચોર સમાજ પણ છે, જેને ધનવાન, સંપન્ન અને પોતાનો વિકાસ કરનારા લોકો સામે વેર હોય છે. તે આવા લોકોની ખામીઓ જ શોધતો હોય છે. હવે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ્યારે કોઈ ઉમેદવાર પોતાની સંપત્તિનું વર્ણન કરે છે ત્યારે ઘણા તત્ત્વો તેની સંપત્તિ પર સવાલો ઊભા કરે છે. જે લોકોની સંપત્તિ સારા એવા પ્રમાણમાં હોય છે તેમની સામે શંકાની નજરે જોવામાં આવે છે. માની લેવામાં આવે છે કે જાણે વ્યક્તિએ કાળો ધંધો કરીને કમાણી કરી છે. શું આ બાબત વાજબી છે? જ્યારે હું રાજ્યસભાનું ઉમેદવારી પત્ર ભરવા ગયો હતો અને પોતાની આવક અને સંપત્તિનો સાચો હિસાબ આપ્યો ત્યારે મને સૌથી ધનવાન સાંસદ કહીને સંબોધિત કરવા લાગ્યા હતા. એક દિવસ સેન્ટ્રલ હોલમાં બેસીને અમે સાંસદો ગપ્પાં મારી રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસના એક મોટા કે જેઓ પોતાની જાતને રાજપરિવારના ગણાવે છે તેમણે વેટરને જણાવ્યું હતું કે અમારા બધાનું બિલ સામે આપી દેજે જ્યાં સંસદના સૌથી વધારે ધનવાન બેઠા છે. મેં જવાબ આપ્યો હતો કે રાજાસાહેબ તમારો આદેશ માથા પર, પરંતુ આજે તમે મને સૌથી વધારે ધનવાન સાંસદનું બિરુદ આપ્યું તે મને બહુ સારું લાગ્યું. એટલા માટે પણ સારું લાગ્યું કે મારો જન્મ રાજપરિવારમાં થયો ન હતો અને મહિને ૨૩૦ રૂપિયાની પત્રકારત્વની નોકરી સાથે શરૂઆત કરી હતી. આજ મેં જ્યારે મહેનતની કમાણી પર એકેએક પૈસો કર આપ્યો છે તેેને કારણે ભલે ચૂંટણી પંચના રેકોર્ડમાં સૌથી ધનવાન સાંસદ બની ગયો છું પરંતુ તમારામાંના કોઈના જેટલી મારી હેસિયત નથી. એ વાત પણ ના ભૂલશો કે મેં પત્રકારત્વની કેરિયરમાં ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર તરીકેની કામગીરી ઘણી સારી રીતે નિભાવી છે અને જો તમે ઇચ્છતા હોવ તો દેશના ૧૦ સૌથી વધુ ધનવાન સાંસદોની શોધ કરી શકું છું.

જેમની પાસે વધારે સંપત્તિ જોવા મળે એટલે તેને સ્યૂડો નૈતિકતાવાદીઓ ઘેરવા લાગે છે. તેઓ પેલા ઉમેદવારને એવી રીતે રજૂ કરે છે કે જાણે તેણે કોઈ ચોરી કરી હોય કે ગોટાળો કર્યો હોય. અથવા તો પછી લૂંટ કરી હોય. આ સંપત્તિ મેળવવા માટે તેણે જે મહેનત કરી છે તેને તો કોઈ જોતું જ નથી. ૧૯૯૧ બાદ દેશ આર્થિક ઉદારીકરણના પરિણામે ઝડપથી બદલાયો. દેશના મધ્યમવર્ગીય લોકો ઝડપથી આગળ વધ્યા. એવા લોકો પણ ઉદ્યોગપતિ બનવાના સપનાં જોવા લાગ્યાં જેમના પરિવારમાં કોઈ ઉદ્યોગપતિ ના હતું. આવા સંજોગોમાં કોઈની સંપત્તિ કેવી રીતે વધી તેનો વિવાદ કરવો કેટલો યોગ્ય છે? કહેવાનો મતલબ એ છે કે શું આપણે ક્યારેય સફળ ઉદ્યોગપતિઓનું સન્માન કરતાં શીખીશું ખરાં?

ઉદાહરણ લઇએ તો ઇન્ફોસીસના સંસ્થાપકોમાંના એક નંદન નીલેકણી કેમ સંસદમાં ના આવી શક્યા? ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડયા હતા પરંતુ હારી ગયા હતા. તેઓ અને તેમનાં પત્ની રોહિણી દર વર્ષે જંગી માત્રામાં ધન દેશમાં શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે દાન કરે છે. શું આ પ્રકારના નવા ભારતના સફળ લોકોએ સંસદ અને વિધાનસભામાં આવવું ના જોઈએ? જાણે એવું લાગી રહ્યું છે કે આપણા દેશમાં કોઈ ધનવાન વ્યક્તિ જાહેર જીવનમાં આવે તે સમાજને પસંદ જ નથી. તેને તરત જ શંકાની નજરે જોવામાં આવે છે. આપણે એ સત્યને નજર અંદાજ કરી દઈએ છીએ કે મહાત્મા ગાંધી કોઈ નિર્ધન પરિવારના ન હતા, પંડિત નહેરુ ધનવાન પરિવારના હતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝનો સંબંધ પણ સમૃદ્ધ પરિવાર સાથે હતો. તો શું ધનવાન પરિવારના હોવું અથવા ઈમાનદારીથી ધન મેળવવું કોઈ અપરાધ છે? શું એવું કૃત્ય રાષ્ટ્રદ્રોહની શ્રેણીમાં આવે છે?

(લેખક પૂર્વ સાંસદ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન