'જેને મારી સેવા કરવી હોય તે રોગીની સેવા કરે' : ભગવાન બુદ્ધ - Sandesh
  • Home
  • Columnist
  • ‘જેને મારી સેવા કરવી હોય તે રોગીની સેવા કરે’ : ભગવાન બુદ્ધ

‘જેને મારી સેવા કરવી હોય તે રોગીની સેવા કરે’ : ભગવાન બુદ્ધ

 | 12:21 am IST

સરી જતી કલમ :- પ્રભાકર ખમાર

આર્યપ્રજાના અને કદાચ વિશ્વના સમગ્ર ઇતિહાસમાં ભગવાન બુદ્ધ જેવા પરદુઃખભંજક અને પરાક્રમી સંત ભાગ્યે જ થયો હશે એમ કહી શકાય. જગતના ભૂતકાલીન સંત પુરુષોમાં ભગવાન બુદ્ધ અને એમનું જીવનકાર્ય આજે ૨,૫૦૦ વર્ષના વહાણાં વાયા પછી પણ પ્રેરણાત્મક અને આકર્ષક છે. એમના વિચારોમાં સંતતા જેટલી અદ્ભુત છે તેટલા જ એમના કર્તૃત્ત્વ મહાન છે. એમના ઉપદેશોમાં કલ્પનાની પૂર્જા નથી પરંતુ એમની જીવનદૃષ્ટિમાં જગતના તમામ પ્રત્યક્ષ માનવીઓ અને પ્રાણીઓ પ્રત્યેની હમદર્દી છે. જીવદયા છે. અનુકંપા છે.

આરંભના વર્ષોમાં બુદ્ધ પણ સુખ અને સમૃદ્ધિને શોધનારા સામાન્ય માનવી જ હતા. પરંતુ એમનામાં બાળપણથી જ દયા, પ્રેમ, કરુણા, સત્ય, સમાનતા અને સમર્પણના ગુણો રોપાયેલા હતા. જેમ જેમ બુદ્ધ મોટા થતા ગયા તેમ તેમ એ ગુણો પણ વિકાસ પામીને વિસ્તર્યાં. એ સમયે પણ સામાન્ય માનવીની સુખની વ્યાખ્યા અને બુદ્ધની સુખની સમજમાં-વૈચારિક અંતર હતું. આમ આદમીની સુખની કલ્પના એટલે નિરોગી સશક્ત શરીર વિપુલ સમૃદ્ધિ, સુંદર પત્ની-પરિવાર વગેરેમાં સમાયેલી હોય છે. જ્યારે એ સમયે બુદ્ધની સુખની વ્યાખ્યા સમ્યક સમાજસેવા સાથે સંમિલિત હતી. તેઓ આત્મ નિરીક્ષણ દ્વારા સતત ક્ષણે ક્ષણે તપાસતા રહેતા કે જે સાધનોમાંથી મને સુખ મળે છે તે સુખ સાચું છે ખરું ? એની પાછળ બીજાને દુઃખ તો નથી પડતું ને? આ ઉમદા ઉદ્દેશને પરિણામે જ તેઓ માનવદેહી હોવા છતાં સામાન્ય માનવી કરતા નોખી માટીના નોખા માનવી હતા.

ભગવાન બુદ્ધ વિશે કેટલીક વાતો ખૂબ પ્રચલિત છે. બુદ્ધ ફરવા નીકળ્યા અને એકવાર વૃદ્ધ રોગી અને મૃત્યુ પામેલા માનવીને જોઈને એમને વૈરાગ્ય થયો. હકીકતમાં આતો ઇતિહાસકારોની કલ્પના કે સાહિત્યસર્જકોના શબ્દોના સાથિયા છે. સાચું એ છે કે બુદ્ધ અત્યંત સુક્ષ્મ નિરીક્ષક હતા. પરિણામે માનવ જીવનમાં ઘડપણ, રોગ અને મૃત્યુ એ એક પ્રક્રિયા છે. પણ આપણે એ વિશે બહુ ઓછો વિચાર કરીએ છીએ. બુદ્ધ જ્ઞાની વિચારક હતા એમને વિચાર્યું કે ઘડપણ રોગ અને મૃત્યુથી માનવને બચાવી શકાતો નથી અને એ અંગેના ચિંતન-મનનમાંથી સંસારત્યાગનો વિચાર સ્ફુર્યો. સંસાર ત્યાગની પાછળ જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્દેશ હતો. સર્વને સુખી કરવાની ઉમેદ હતી, જનસેવાની ઉત્કંઠા હતી. આ વિચારમંથનમાંથી સામાન્ય માનવી બુદ્ધ જગતમાં ભગવાન બુદ્ધ તરીકેની ઓળખ પામ્યા. બુદ્ધ ચરિત્ર્યમાં વિનય પટીકર્ર્મોમાં વર્ણવેલા ભગવાન બુદ્ધના જીવનના સુંદર પ્રસંગોનું આલેખન દરેક માનવમાત્ર માટે પ્રેરણાત્મક અને વિચારાત્મક છે. તેઓ માનતા કે રોગીની સેવા એ પ્રભુ સેવા છે. જીવનમાં આ સંકલ્પને કેવી રીતે સાકાર કર્યો એના અનેક ઉદાહરણો જોવા મળે છે.

એકવાર ભગવાન બુદ્ધ પોતાના શિષ્ય આયુષ્યમાન આનંદ સાથે વિહાર કરી રહ્યા હતા. તે સમયે એક ભિક્ષુ (સાધુ)ને પેટનો વિકાર હતો અને તે પોતાના મળમૂત્રથી ખરડાયેલો પડયો હતો. ભગવાન બુદ્ધ ફરતાં ફરતાં તે ભિક્ષુની પાસે આવ્યા અને એના દયાજનક સ્થિતિ જોઈને ભગવાન બુદ્ધે એને પૂછયું,

‘હે ભિક્ષુ, તને શું થયું છે?’

‘ભગવન મને પેટનો રોગ છે.’

‘પણ તારે પરિચારક છે કે?’

‘નથી ભગવન.’

‘તારી શુશ્રૂષા કેમ કોઈ કરતું નથી.’

એ પછી ભગવાન બુદ્ધે આયુષ્યમાનને કહ્યું : ‘જા આનંદ પાણી લાવ, આપણે આ ભિક્ષુને સ્નાન કરાવી સ્વચ્છ કરીએ. આયુષ્યમાન પાણી લાવ્યો એટલે ભગવાન બુદ્ધે અને આયુષ્યમાને ભિક્ષુનું શરીર સાફ કર્યું અને બાજુમાં પડેલા મોચા (ખાટલો) ઉપર સુવરાવ્યો. ભગવાન બુદ્ધના સ્પર્શથી ભિક્ષુના જીવનમાં નવો સંચાર થયો અને નવજીવન પ્રાપ્ત થયું. પોતાના એક શિષ્યને એ ભિક્ષુની સેવામાં મૂકી ભગવાન બુદ્ધે આગળ પ્રસ્થાન કર્યું.  આ પ્રસંગને ઉદ્દેશીને ભગવાન બુદ્ધે બીજા દિવસે ભિક્ષુસમાજ સાથે પ્રશ્નોત્તરી કરી.

‘ભિક્ષુઓ અમુક વિહારમાં માંદો ભિક્ષુ છે કે ?’

‘છે ભગવાન.’

‘ભિક્ષુઓ એ ભિક્ષુને શેની પીડા છે?’

‘ભગવાન, એ ભિક્ષુને પેટનો વ્યાધિ છે.’

પણ ભિક્ષુઓ એને સંભાળનાર કોઈ છે કે?’

‘નથી ભગવન’

‘કેમ કોઈ એની સંભાળ લેતું નથી?’

‘ભગવન, આ ભિક્ષુ બીજા ભિક્ષુઓને અકારો છે એટલે કોઈ એની સંભાળ લેતું નથી.’

આ સાંભળી ભગવાન બુદ્ધે ભિક્ષુઓને ઉપદેશ આપતાં કહ્યું, ‘ભિક્ષુઓ, તમારે માતા નથી, પિતા નથી, જે તમારી સેવા કરે. ભિક્ષુઓ તમે એકબીજાની સેવા નહીં કરો તો કોણ તમારી સેવા કરવાનું હતું?’

એ પછી ભગવાન બુદ્ધે ભિક્ષુઓને આદેશ આપતા જે શબ્દો ઉચ્ચાર્યા તે માનવ માત્ર માટે કાયમી પથદર્શક બની ગયા.

‘ભિક્ષુઓ, જેને મારી સેવા કરવી હોય તે રોગીની સેવા કરે.’

ભગવાન બુદ્ધને પોતાનો માર્ગ પોતાને સાચો લાગ્યો. એ પછી પોતાની પત્ની યશોધરા અને પુત્ર રાહુલને સર્વપ્રથમ ભિક્ષુ બનાવતાં અચકાયા નહોતા. અન્ય સંતો કરતા બુદ્ધના જીવનની આ એક અનેરી અને અનોખી વિશિષ્ટતા છે.

અને છેલ્લે… !

વિશ્વભરમાં આજે કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે આશરે ૨,૫૦૦ (૨,૫૬૫ વર્ષ) પહેલાં આપણાં પૂર્વજોને ભગવાન બુદ્ધે રોગીની સેવા કરવા માટે જે સંદેશ આપ્યો હતો તે આજે પણ દરેક માનવ માત્ર માટે પ્રેરણાત્મક, સાધનાત્મક અને સેવાત્મક બની રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન