Who was the girl he called 32 before his death?
  • Home
  • Columnist
  • મૃત્યુ પહેલાં જે યુવતીને એણે 32 ફોન કર્યા, તે કોણ હતી?

મૃત્યુ પહેલાં જે યુવતીને એણે 32 ફોન કર્યા, તે કોણ હતી?

 | 8:25 am IST
  • Share

ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના ગાગન બિછૌલી ગામમાં રહેતો ઉમેશ કનૌજિયા 25 વર્ષની વયે જ જિલ્લા પંચાયતનો સભ્ય બની ગયો હતો. ઉમેશ તેની કાર્યશૈલીના કારણે આમ જનતામાં લોકપ્રિય હતો. પરંતુ એક દિવસ ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉ નજીક મસિહાબાદ પાસેના એક ગામની નહેર પાસેથી એક લાશ મળી આવી. મૃતદેહથી થોડેક દૂર એક મોટરસાઇકલ મળી આવી. મોટરસાઇકલની ડીકીમાંથી જે કાગળો મળ્યા તે પરથી ખ્યાલ આવ્યો કે મરનારનું નામ ઉમેશ કનૌજિયા છે અને તે જિલ્લા કક્ષાનો જાણીતો નેતા હતો. બનાવ હત્યાનો હતો એટલે લોકોએ ધરણા, પ્રદર્શન શરૂ કર્યા અને હત્યારાને પકડવા રસ્તાઓ પણ જામ કરી દેવાયા. લોકોના  ભારે દબાણ બાદ પોલીસે હત્યારાને પકડવા કાર્યવાહી શરૂ કરી.

ઉમેશ કનૌજિયાનો મોબાઈલ ફોન ગુમ હતો પરંતુ તેની કોલ ડિટેઇલ્સ કઢાવતા માલૂમ પડયું કે મૃત્યુ પહેલાં ઉમેશ કનૌજિયાએ એક જ નંબર પર 3૨ વખત ફોન કર્યા હતા. પોલીસ તપાસમાં એ પણ જાણકારી પ્રાપ્ત થઈ કે એ નંબર ઉન્નાવ જિલ્લાના તોંદા ગામમાં રહેતી આશા કનૌજિયા નામની કોઈ યુવતીનો હતો. પોલીસે છાનબીન શરૂ કરી.

વાત રસપ્રદ હતી.

આશાનું લગ્ન પલીહાબાદના રાજુ સાથે થયેલું હતું પરંતુ રાજુ દુબઈમાં લોન્ડ્રીનું કામ કરતો હતો. આશાને તે સાથે લઈ ગયો નહોતો. એ કારણથી આશા સાસરીમાં ઓછી અને પિયરમાં તેની માતા મહેશ્વરીદેવી સાથે વધુ રહેતી હતી. મહેશ્વરી દેવી પણ જિલ્લા પંચાયતની ચૂંટણી લડી હતી. ઉમેશ કનૌજિયા અને મહેશ્વરીદેવી કનૌજિયા એક જ જ્ઞાાતિના હતા. એ બંનેના મતક્ષેત્ર અલગ હતા પરંતુ મહેશ્વરી દેવીને લાગતું હતું કે ઉમેશ કનૌજિયાની મદદથી તેને તેમની જ્ઞાાતિના વધુ મત મળશે.

ચૂંટણી દરમિયાન ઉમેશ કનૌજિયા અવારનવાર મહેશ્વરીદેવીના ઘેર આવવા-જવા લાગ્યો હતો. એ દરમિયાન તેની નજર મહેશ્વરીદેવીની પરિણીત દીકરી આશા પર પડી. આશા હજુ ૨4 વર્ષની હતી. ઉમેશને આશા ગમી ગઈ અને પતિથી દૂર એવી આશાને ઉમેશમાં રસ પડયો. ચૂંટણી દરમિયાન પ્રચાર માટે બેઉ એકબીજાની સાથે બહાર જવા લાગ્યાં. એકાંત મળતાં જ એમની મિત્રતા પ્રણય સંબંધમાં પરિવર્તિત થઈ ગઈ.

સમય જતાં ઉમેશ કનૌજિયા આશાને પોતાની જાગીર સમજવા લાગ્યો. પરંતુ બીજી બાજુ આશા માટે ઉમેશ તે જ એક માત્ર મિત્ર નહોતો. ઉમેશને ખ્યાલ આવી ગયો કે, આશાને ગામમાં કેટલાક બીજા યુવકો સાથે પણ સંબંધ છે. ઉમેશે આશાને સ્પષ્ટ કહી દીધું કે, તે બીજાઓ સાથે હવે સંબંધ ના રાખે, પરંતુ આશા મુક્ત વિહાર કરવા માગતી હતી. તે પોતાની જિંદગીનો નિર્ણય કોઈ બીજો માણસ કરે તે વાત પસંદ કરતી નહોતી. ઉમેશ કનૌજિયાએ આશાને આમ તેમ રખડતી રોકવા પ્રયાસ કર્યો પરંતુ આશાએ કહી દીધુંઃ મેં તને બધું જ આપ્યું છે ને! બાકી, તું મને રોકવાવાળો કોણ *

ઉમેશ કનૌજિયા પાસે આશાના દુબઈમાં રહેતા પતિ રાજુનો ફોન નંબર હતો. ક્યારેક ક્યારેક રાજુ અને ઉમેશ કનૌજિયા વાત કરી લેતા હતા. એક દિવસ સહન ના થતાં ઉમેશ કનૌજિયાએ આશાને કહી દીધુંઃ ‘તું હવે નહીં સુધરે તો તારા પતિ રાજુને ફોન કરી બધું કહી દઈશ.’

આશા છંછેડાઈ ગઈ.

અને એક દિવસ ઉમેશ કનૌજિયાએ આશાના પતિ રાજુને દુબઈ ફોન કરી કહી દીધુંઃ ‘તું દુબઈમાં મજૂરી કરે છે પરંતુ તારી પત્ની આશા ગામમાં અનેક લોકોે સાથે પ્રણયફાગ ખેલે છે.’

રાજુએ દુબઈથી ફોન કરી આશા સાથે ખૂબ ઝઘડો કર્યો. આશાને ઉમેશ કનૌજિયાની આ હરકત પસંદ ના આવી. એણે ઉમેશને ફોન કરી કરી દીધું ઃ ‘તેં મારા અને મારા પતિ વચ્ચે ઝઘડો કરાવ્યો છે. હવેથી તું મને મળીશ નહીં. મને ફોન પણ કરીશ નહીં.’

ઉમેશ કનૌજિયાને આશા હાથમાંથી છટકી જાય તે પસંદ નહોતું. એણે આશાને મનાવવાનું શરૂ કર્યુંઃ ‘આશા, તું બેકારમાં ખોટું લગાડી રહી છે. હું તને પ્રેમ કરું છું અને હું તારા સિવાય બીજા કોઈને પણ ચાહતો નથી. હું તો એટલું જ ઈચ્છું છું કે, તું પણ મને એકલાને જ પ્રેમ કર. મારી એકલાની સાથે જ સંબંધ રાખ.’

આશા બોલીઃ ‘તેં મને મારા પતિની નજરમાંથી ગીરાવી દીધી છે. હવે તારા અને મારા સંબંધો પૂરા થઈ ગયાં. મને ફોન કરીશ નહીં.’

ઉમેશે વિનંતી કરીઃ ‘આશા, હું તને મળવા આવું છું. બધી જ વાત રૂબરૂમાં કહીશ, નિરાંતે વાતો કરીશું.’

ના, હવેથી મને ફોન કરતો નહીં’ કહેતાં આશાએ ફોન કાપી નાંખ્યો.

તેમ છતાં ઉમેશ કનૌજિયા   આશાને મળવા મક્કમ હતો.  બારાબંકી ખાતે તે એક લગ્નમાં જવાનો હતો. તેની આગલી રાત તે આશા સાથે રહેવા માગતો હતો. ઉમેશ કનૌજિયાએ આશાના ઘેર જતાં પહેલાં આશાને 3૨ વખત ફોન કર્યા. એણે આશાને મનાવવા કોશિશ જારી રાખી. છેવટે આશાએ કહ્યુંઃ ‘તું આવીને મારા પગ પકડીને માફી માંગી લે તો જ હું તને માફ કરીશ.’

ઉમેશ કનૌજિયાએ કહ્યુંઃ ‘એક વાર નહીં પરંતુ સો વાર તારા પગ પકડીને માફી માગવા હું તૈયાર છું.’

તો ઠીક છે, આવી જાઃ’ આશાએ મળવા અનુમતી આપી.

તે  રાત્રે ઉમેશ કનૌજિયા આશાના ગામ પહોંચ્યો. એ રાત્રે આશા એકલી જ ઘેર હતી. આશા હજુ થોડી નારાજ છે તેમ લાગતાં ઉમેશ કનૌજિયાએ તેને વહાલ કર્યુંઃ તેના પગ પકડયા, આશાએ સ્મિત આપ્યું.

ઉમેશ કનૌજિયાએ કાન પકડીને કહ્યુંઃ ‘હવે કદી યે તારા પતિને દુબઈ ફોન નહીં કરું અને તેનો ફોન આવશે તો કહી દઈશ કે મારી એ ગેરસમજ હતી.’

આશાએ સ્મિત આપ્યું. ઉમેશ કનૌજિયા બિયરની બે બોટલ લઈને જ આવ્યો હતો. બંનેએ બિયર પીધો. આશાએ રસોઈ બનાવી. બેઉ સાથે જ જમ્યા. પથારી કરી. આશાની આ જ ભાવભંગિમાઓ ઉમેશને ગમતી હતી. આશાનું રૂસણું અને ગુસ્સો હવે પૂરા થઈ ગયા છે તેવી અનુભૂતિ સાથે ઉમેશ સૂઈ ગયો. આશાને એણે ફ્રી જીતી લીધી છે એવી સંતૃપ્તિના કારણે તેને ઊંઘ પણ આવી ગઈ.

બહાર રાતનો અંધકાર વ્યાપી ચૂક્યો હતો. ગામમાં સન્નાટો હતો. ઉત્તરપ્રદેશમાં રાત્રે ગામોમાં અવારનવાર વીજળી હોતી નથી. એ રાત્રે પણ વીજળી નહોતી. દૂર ક્યાંક કૂતરા ભસી રહ્યા હતા. રાતની ઠંડીમાં લોકો ઠૂંઠવાઈને સૂઈ ગયા હતા. આ તરફ્ ઉમેશના ઊંઘી ગયા બાદ આશા ધીમેથી ઊભી થઈ. વસ્ત્ર્રો સરખાં કરી તે દબાતા પગલે બારણા તરફ્ ગઈ. ધીમેથી બારણું ખોલ્યું. બહાર ભયંકર ઠંડી હતી, છાતી ચીરી નાંખે તેવો સૂનકાર હતો. આશા થોડેક દૂર એક ઝાડ પાછળ ગઈ. અગાઉથી જ એણે એના પુરુષ મિત્રો રામ નરેશ, છોટુ અને શકિલને તૈયાર રાખ્યા હતા. એમની પાસે જઈને કહ્યુંઃ ‘ચલો ઊઠો. એ સૂઈ ગયો છે.’

રામનરેશ, છોટુ અને શકિલ આશાની પાછળ પાછળ એના ઘર તરફ્ ગયા. ધીમેથી એના ઘરમાં પ્રવેશ્યા. ઉમેશ કનૌજિયા ઘસઘસાટ ઊંઘતો હતો. સૌથી પહેલા શકિલે ઊંઘતા ઉમેશ કનૌજિયાનું ગળું દબાવી દીધું. છોટુએ તેના પગ પકડી રાખ્યા. રામનરેશે તેનું મોં દબાવી રાખ્યું. થોડી જ વારમાં ઉમેશ કનૌજિયા ગળું રુંધાવાના કારણે મૃત્યુ પામ્યો. થોડેક દૂૂર એક ટેમ્પો તૈયાર હતો. લાશને ટેમ્પોમાંં નાંખી ગામમાંથી દૂર એક નહેર પાસે ફેંકી દીધી. શકિલે આશાની ઘરની બહાર પડેલી ઉમેશની મોટરસાઇકલ લઈ લીધી અને એ મોટરસાઇકલ પણ લાશની નજીક ફેંકી દીધી. મરનારનું પાકીટ અને મોબાઈલ ફોન પણ ખિસ્સામાંથી કાઢી લીધાં જેથી મૃતકની ઓળખ થઈ શકે નહીં. એ કામ પતાવી એ ત્રણેય આશાના ઘેર પાછા આવ્યા. કલાક, બે કલાક રોકાઈ તેઓ ચૂપચાપ બહાર નીકળી ગયા. બીજા દિવસે પોલીસે લાશ જોઈ ત્યારે શરૂઆતમાં એમ લાગ્યું કે, આ કોઈ અકસ્માતનો કેસ છે, પરંતુ ઉમેશ કનૌજિયા જિલ્લા પંચાયતનો લોકપ્રિય સભ્ય હોઈ લોકોના દબાણથી પોલીસને કાર્યવાહી કરવી પડી. ઉમેશ કનૌજિયાએ આશાને કરેલા 3૨ જેટલા ફોન પરથી પોલીસ એ રહસ્ય જાણવા આશા સુધી પહોંચી અને પોલીસનોે ડર અને પ્રજાનો ખૌફ તે સહન કરી શકી નહીં. આશાએ બધું જ કબૂલ કરી લીધું, તે હવે તેના સાથીઓ સહિત જેલમાં છે.

મુક્ત વિહારમાં માનતી સ્ત્રીઓની આવી અવદશા જ થાય છે.

 – દેવેન્દ્ર પટેલ

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો