જેએનયુમાં કેમ થયો સ્વામી વિવેકાનંદનો અનાદર ? - Sandesh
  • Home
  • Columnist
  • જેએનયુમાં કેમ થયો સ્વામી વિવેકાનંદનો અનાદર ?

જેએનયુમાં કેમ થયો સ્વામી વિવેકાનંદનો અનાદર ?

 | 2:43 am IST

કરન્ટ અફેર :- આર. કે. સિંહા

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ફીમાં થયેલા વિરોધની આડમાં ટુકડે ટુકડે ગેંગ ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. જેએનયુમાં ફી વધારાને પાછો ખેંચી લેવાયા બાદ સ્વામી વિવિકાનંદની પ્રતિમાની સાથે છેડછાડ કરવું નિંદનીય હોવા સાથે ઘૃણિત પણ છે. જેએનયુથી સંસદ સુધી કૂચ અને રાષ્ટ્રવિરોધી વિચારોને સ્થાપિત કરવાના પ્રયાસને કોઇ પણ રીતે યોગ્ય નહીં માની શકાય. દેશની ટોચની યુનિવર્સિટીમાંથી નીકળેલો આ સંદેશ આખા વિશ્વમાં દેશની છબીને નુકસાન પહોંચાડનારો છે.

જેએનયુમાં બૌદ્ધિકતાને નામે કેન્દ્ર સરકાર વિરોધી વલણની સાથે રાષ્ટ્રીય મીડિયાની વિરુદ્ધ નારેબાજી દરમિયાન વિદ્યાર્થીઓની ભીડમાં આપત્તિજનક ભાષાનો ઉપયોગ ગેરબંધારણીય પણ છે. ફી વધારો પાછા ખેંચાયા બાદ પણ સતત વિરોધ પ્રદર્શન કરવું એ બાબત દર્શાવે છે કે વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરનારાના નામે કેટલાક લોકો શિક્ષણ મંદિરના માહોલને બગાડવા ઇચ્છે છે. તેઓની સ્પષ્ટ ઇચ્છા છે કે જેએનયુમાં શિક્ષણનો માહોલ કોઇ પણ પ્રકારે ન રહે. તેમના નાપાક ઇરાદાને સમજવાની સાથે એવા લોકોના ચહેરા પાછળ છુપાયેલા ચહેરા પણ બેનકાબ કરવા પડશે કે એ લોકો કોના ઇશારે યુનિવર્સિટી અને કુલપતિ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે.

જ્યારે જેએનયુના કુલપતિ જગદીશકુમારે રવિવાર ૧૭ નવેમ્બરે વિશ્વ વિદ્યાલયની વેબસાઇટ પર વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના અભ્યાસમાં ધ્યાન આપે કેમકે પરીક્ષા નજીકમાં જ છે. તેમણે કહ્યું કે તમે લોકો વર્ગમાં પાછા ફરો, હડતાલ ચાલુ રાખવાથી તેમના ભવિષ્ય ઉપર અસર પડશે. પરંતુ હડતાલ કરનારા વિદ્યાર્થીઓના એજન્ડામાં કુલપતિને હટાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવો છે, નહીં કે તેમની વાત માનવાનો.  સંસદના શિયાળુ સત્ર દરમિયાન જેએનયુથી સંસદ સુધીની કૂચ કરવાની નીતિ કયા મુદ્દે સમાધાનને બદલે ફક્ત લાઇમલાઇટમાં આવવાનું કાવતરું લાગે છે. યુનિવર્સિટીમાં શિક્ષણનો માહોલ ખરાબ કર્યા બાદ હવે સામાન્ય લોકોના જનજીવનને પણ પ્રભાવિત કરવાનું આ કાવતરું હોય એમ લાગે છે.

એ દરમિયાન રાજ્યસભામાં જેએનયુના વિદ્યાર્થીઓ ઉપર ૧૮ નવેમ્બરે દિલ્હીમાં પોલીસના કથિત પગલાં અંગે હોબાળો થયો. કેટલાક સભ્યોએ પોલીસ કાર્યવાહીની ટીકા કરી. તેમાં કોઇ શંકા નથી કે પોલીસ વિદ્યાર્થીઓ સામે કઠોર કાર્યવાહી કરવાથી દૂર રહી શકતી હતી. પરંતુ એક સવાલ એ પણ છે કે શું જેએનયુના વિદ્યાર્થીઓને નિયંત્રણો તોડવાનો અધિકાર કોણે આપ્યો. દિલ્હી પોલીસ વિદ્યાર્થીઓને વારંવાર સમજાવી રહી હતી કે તેમને સંસદ ભણી કૂચ કરવાની મંજૂરી નથી. એમ છતાં વિદ્યાર્થી પોલીસની ઘેરાબંધી તોડતા રહ્યા. શું વિદ્યાર્થીઓના વ્યવહારને યોગ્ય ઠેરવી શકાય ? નિશ્ચિત રીતે જે કંઇક થયું, તેની ટીકા થવી જોઇએ અને દોષિતો પર કાર્યવાહી પણ થશે, પરંતુ ભારતની આટલી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ સમજવું પડશે કે તેઓ કાયદાથી પર નથી. ૧૮ નવેમ્બરે જ કેન્દ્રીય માનવસંસાધન મંત્રાલયે જેએનયુના વિદ્યાર્થીઓની માગણીઓ પર વિચાર કરવા માટે એક કમિટીની રચના કરી દીધી હતી, પરંતુ વિદ્યાર્થીઓ તો કૂચ કાઢવા માટે કૃતનિૃયી હતા. તેઓ એક તરફ આરોપ લગાવી રહ્યા હતા કે જેએનયુ વી.સી. તેમને મળતા નથી. જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓની માગણી પર વિચાર કરાઇ રહ્યો છે, તો તેઓ તેનાથી સંતુષ્ટ થતા નથી. વિદ્યાર્થીઓનું આ પ્રકારનું વર્તન અશોભનીય છે.

જેએનયુ કેમ્પસમાં ગયેલા માનવસંસાધન વિકાસમંત્રી રમેશ પોખરિયાલને કેટલાય કલાકો સુધી જે રીતે હડતાલ કરનારાઓએ ઘેર્યા હતા, તેનાથી એ જણાઇ આવે છે કે અહીં શિક્ષણના નામે કેટલાંય વર્ષોથી જામી પડેલા વિદ્યાર્થીઓ રિસર્ચના નામે સત્તા અને શક્તિનું કેન્દ્ર સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

આજે દેશના કોઇ પણ ખૂણામાં જેએનયુનું નામ લેવા માત્રથી જ નકારાત્મક પ્રતિક્રિયા આવવા લાગે છે. જાણે એમ લાગે છે કે એ યુનિવર્સિટી નહીં પણ દેશ વિરોધી અને ખોટા કામોનું કેન્દ્ર બની રહ્યું છે. પહેલાં દેશના ભાગલા પાડનારાઓએ આઝાદ દેશમાં આઝાદીની માગણી કરતા લોકોને ગુમરાહ કરવાનું કાવતરું કર્યું હતું.   હાલમાં જ જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવાયા બાદ પણ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ટુકડે ટુકડે ગેંગ ફરીથી સક્રિય થઇ ગઇ હતી. એ વખતે યુનિવર્સિટીના પરિસરમાં રાત્રીના અંધારામાં નારેબાજી દરમિયાન આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરાયો હતો. જેને કારણે જેએનયુ પરિસર કેટલાય દિવસો સુધી એક છાવણીમાં ફેરવાઇ ગયું હતું. એક તરફ યુનિવર્સિટીમાં હોસ્ટેલના નિયમોનો વિરોધ તો બીજી તરફ સુરક્ષા માટે પહેલી વખત સીઆરપીએફ તહેનાત છે.

જેએનયુમાં ફ્રી સ્પીચ, યુવા છોકરા છોકરીના જીવવાની રીતભાતે જેએનયુ કલ્ચર ઉપર જ સવાલ ઊભા કરી દીધા છે. ફ્રીડમના નામે જેએનયુમાં બધુ ઠીકઠાક નથી. છેલ્લા કેટલાંક વર્ષોથી જેએનયુ સંબંધિત કોઇ પણ સમાચાર તેની શાખને નુકસાન પહોંચાડનારી જ છે. યુનિવર્સિટી પરિસરમાંથી બહાર આવતા સમાચાર ભલે તે સમાચારનો ભોગ હોય કે સોશિયલ મીડિયામાં આવતી જાણકારી શિક્ષણના મંદિરની છબીને નુકસાન જ પહોંચાડી રહી છે. જેએનયુ કેમ્પસમાં શિક્ષણ સુચારુ રીતે ચાલુ રાખવા માટે શું આપણે બેલગામ અને દેશ વિરોધી લોકો સમક્ષ ઘૂંટણિયે પડવું પડશે ? વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સ્થાપિત કરનારા સ્વામી વિવેકાનંદની મૂર્તિની સાથે આ પ્રકારના કૃત્ય એવા લોકોની કુંઠિત માનસિકતા બહાર લાવે છે, જે જેએનયુ કેમ્પસની સાથે દેશનો માહોલ ખરાબ કરવાનું કાવતરું કરી રહ્યા છે. એવા લોકોને ઓળખવું જરૂરી છે, જે દેશની ભ્રામક તસવીર રજૂ કરી રહ્યા છે.

એવા અસામાજિક અને રાષ્ટ્રવિરોધી તત્ત્વોને વિદ્યાર્થી કહેવા પણ યોગ્ય ન ગણાય. તેમની વિરુદ્ધ સખતથી સખત કાર્યવાહી થવી જોઇએ.

( લેખક રાજ્યસભા સભ્ય છે. )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન