Why do you bother with a loved one? Find out more
  • Home
  • Featured
  • પ્રિયજન સાથે શા માટે ઝઘડો છો? જાણો વિગતે

પ્રિયજન સાથે શા માટે ઝઘડો છો? જાણો વિગતે

 | 1:57 am IST

દાંપત્ય । વર્ષા રાજ

‘પ્રેમમાં પડવું’ એ જીવનની સુંદરતમ ઘટના છે. તે આપણામાં જીવન તરફ સંપૂર્ણ સકારાત્મક્તા લાવે છે અને તેથી જીવન આપણને ખૂબ સુંદર દેખાય છે. આપણે એટલા માટે રચનાત્મક બની જઇએ છીએ કે આપણું સ્વરૂપ સર્વાંગ સંપૂર્ણ બની જાય છે. આપણે આપણાં સાથી સાથે પ્રસન્ન અને શાંતિભર્યું જીવન જીવવાના સ્વપ્નો જોવા માંડીએ છીએ. બધું એટલું સરસ લાગે છે કે બહુ મોટી ઉપલબ્ધી મળવા જેવો અનુભવ થાય છે. જીવનમાં કોઇ ઊણપ લાગતી નથી. પરંતુ જીવન એ સ્વપ્ન નથી. તે પરિવર્તનશીલ છે અને કોઇ સ્થિતિ લાંબો સમય રહેતી નથી. તેથી આપણે વાસ્તવવાદી પણ બનવું જોઇએ.

ઘણીવાર કૌટુંબિક કે સામાજિક પરિબળો યુગલના સુખમાં બાધા નાંખવામાં નિમિત્ત બને છે. સદા પ્રસન્ન રહેતી વ્યક્તિ વાંકદેખી અને નકારાત્મક વલણો ધરાવતી બની જાય છે. એક આદર્શ પ્રેમી પત્ની પર અત્યાચાર કરનારો માણસ બની જાય છે. પ્રેમિકા પણ કાયમ લડતી-ઝઘડતી પત્ની બની જાય છે. ઘર સંભાળવું, નોકરી કરવી, બાળકોનો ઉછેર કરવો વગેરે જવાબદારીઓ સ્ત્રી પર મોટો બોજ બની જાય છે. મનમાં ભરાયેલો બળાપો ઘરમાં પોતાના જીવનસાથી પર ઊતરે છે.

સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે ઘણાં યુગલો ક્ષુલ્લક બાબતો પર વાદ વિવાદ કરતા હોય છે. પોતાનો મત જ સાચો છે તે પુરવાર કરવાની પ્રક્રિયામાં આમ બનતું હોય છે. કેટલાંક લોકો આધિપત્યને ખૂબ મહત્ત્વ આપતા હોય છે. તેઓ માનતા હોય છે કે એકવાર તેઓનું આધિપત્ય સ્થપાઇ જાય તે પછી તેઓ દરેક બાબતમાં પોતાની મરજી મુજબ કરી શકશે. વાસ્તવમાં આ પ્રકારના પતિ-પત્ની વચ્ચે સાચો પ્રેમ હોય છે પરંતુ તેઓ પોતાને માટે માન અને મહત્ત્વ પણ ઇચ્છતા હોય છે. પરંતુ આમ કરવામાં જે વારંવાર નમતું જોખે છે તે ધીમે ધીમે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવતું જાય છે.

કેટલાંક સમય બાદ તે પોતાના સાથીના આકરા શબ્દો વગેરે સામે જડ બનતું જાય છે. તેની માનસિક સ્થિતિ પણ નાજુક બની જાય છે અને જો સમયસર ચેતી ના જાય તો તે ડિપ્રેશનમાં જઇ શકે છે. લડતા-ઝઘડતા યુગલોએ એ યાદ રાખવું જોઇએ કે સ્વસ્થ-તંદુરસ્ત સંબંધમાં પરસ્પર પ્રેમ અને માન હોય છે. હુકમ કે આધિપત્ય જમાવવાની ચેષ્ટા ઓફિસમાં ચાલી શકે છે. નજીકના નાજુક સંબંધમાં જો તે કરવામાં આવે તો ઘણું નુકસાન થાય છે.

કેટલાંક યુગલોમાં નાની-મોટી બધી જ બાબતોમાં મતાંતર થતા હોય છે. હંમેશાં નમતું જોખનાર વ્યક્તિ ક્યારેક પોતાના અસ્તિત્વને સાબિત કરવાના પ્રયત્નમાં દરેક બાબત પર વાદ-વિવાદ ઊભો કરવા માંડે છે. બંને પક્ષ સમાન અધિકાર ધરાવે છે એવું પ્રતિપાદિત કરવા તે પ્રયત્ન કરે છે. પરિણામે ક્યારેક મોટો વિસ્ફોટ થાય છે.

સ્ત્રીઓને ઘણી વાર એમ લાગતું હોય છે કે તેમનો પ્રેમી અથવા પતિ તેની ઉપેક્ષા કરી રહ્યો છે. પ્રેમી કે પતિનો પ્રેમ ક્યાંક અન્યત્ર વહી રહ્યો છે એવું તે સ્ત્રીઓને લાગે છે. સ્ત્રી જાણતી હોય છે કે જો આ સ્થિતિ લાંબી ચાલશે તો સંબંધનો અંત આવી જશે. આમ ના બને તે માટે સ્ત્રી પુરુષના મનની વાતને બહાર લાવવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં તે ક્યારેક આક્રમક બનીને ઝઘડો પણ કરે છે. પોતાના પ્રેમની સચ્ચાઇને જાણીને પોતાના સંબંધને મજબૂત બનાવવાની ઇચ્છા તેની પાછળ હોય છે.

ગુસ્સાના આવેશમાં માણસ પોતાના મનની વાત બોલી જતો હોય છે એ આપણે જાણીએ છીએ. ઘણીવાર સ્ત્રી પોતાના પુરુષને પ્રશ્નો પૂછીને ઉત્તેજિત કરે છે અને પુરુષ અકળાઇને પોતાના મનની વાત કહી દે છે. પતિના મનનો ભેદ કળી ગયેલી સ્ત્રી આ રીતે સાચી વાત જાણી લે છે.

પ્રેમ અને વિશ્વાસ વગરના સંબંધનો જલદી અંત આવી જાય છે. મુક્ત મનથી વાત કરીને સંબંધમાંથી નીકળી જવું એ બંનેના હિતમાં હોય છે પરંતુ પુરુષોને આ રીત ખાસ પસંદ હોતી નથી. તેઓ પોતાની પ્રેમિકા કે પત્નીને અંધારામાં રાખીને અન્ય સંબંધ બાંધે છે અને ચાલુ રાખે છે. વિસ્ફોટની સ્થિતિ ના સર્જાય ત્યાં સુધી તેઓ ઘટસ્ફોટ કરતા નથી. સ્ત્રીઓએ આ બાબતમાં સજાગ રહેવું જરૂરી છે. પુરુષ જાણતા- અજાણતા ઘણાં સંકેત આપતો હોય છે. તેમને જો ઓળખવામાં આવે તો તે ઘણું કહી જતા હોય છે.

દંપતી હોય કે નવ યુવાન યુગલ, તેઓ વચ્ચે વાદ-વિવાદ કે ઝઘડા થતા જ હોય છે. પરંતુ તેની પાછળનો છૂપો રહેતો હેતુ તો સંબંધને જાળવવાની, મજબૂત બનાવવાની ઇચ્છા જ હોય છે. તેઓ સતત તેઓના સંબંધમાં આવતી બાધાઓ કે અવરોધોને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તેઓ વચ્ચે થતી દલીલો કે ઝઘડા આ પ્રયત્નો એક ભાગ જ હોય છે. તેઓ બંને ભેગા મળીને જીવનના સંઘર્ષ, મહત્ત્વાકાંક્ષાઓ, પડકારો વગેરેનો સામનો કરવા માગતા હોય છે. તેઓ તેમના કુટુંબો વચ્ચેના વૈમનસ્યને પણ દૂર કરવા માગતા હોય છે અને તેથી દલીલો કે ઝઘડા કરવામાં તેઓને કશું અયોગ્ય લાગતું નથી. તેઓને ખાતરી હોય છે કે તેઓનો સંબંધ મજબૂત છે અને મજબૂત જ રહેવાનો છે.

ઘણાં યુગલોના સંબંધ મધુર અને શાંત દેખાતા હોય છે પરંતુ તેઓના સંબંધમાં કે જીવનમાં બધું સારું હોતું નથી. તેઓ જ્યારે પરસ્પર વાતચીત કરે ત્યારે પણ તેઓના અવાજ ઊંચા અને ગુસ્સાભર્યા હોય છે. બંને જણ શાંત રહેવા માંગતા ના હોય તે રીતે વર્તતા હોય છે. જીવનમાં આવતી બાધાઓ અને જવાબદારીઓ જ્યારે બોજ જેવી બની જાય ત્યારે માણસ તાણગ્રસ્ત બની જાય છે.

આ સ્થિતિમાં ક્યાં તો માણસ ભાંગી પડે છે, ક્યાં તો તે અકળાઇને વરસી પડે છે. બોસ સાથેના સંબંધો- ખેંચતાણ, શ્વસુર પક્ષ સાથેના મનદુઃખ, લોભી મિત્રો, કનડગત કરતા પડોશીઓ વગેરે તે માટે જવાબદાર હોઇ શકે છે. બોજ જ્યારે સહન ના થાય ત્યારે વ્યક્તિ પોતાના સાથી પર પોતાનો બળાપો કાઢે છે, તે કાઢવાના સાધનો ઘરની નાની, ક્ષુલ્લક બાબતો હોય છે. જો કે આ ચેષ્ટા મૂર્ખતાભરી છે. અન્યો પરનો ગુસ્સો પોતાની નિકટની વ્યક્તિ પર કાઢવો જરા પણ યોગ્ય નથી. યુગલે આ વાત સમજવી જોઇએ. એકબીજાં પર ગુસ્સો ઉતારવાને બદલે તકલીફના મૂળ કારણને દૂર કરવું જોઇએ. જેથી તેઓના સંબંધને કોઇ આંચ ન આવે. .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન