Why Farming In Green House?
  • Home
  • Agro Sandesh
  • ફૂલોની ખેતી ગ્રીનહાઉસમાં કરવી શા માટે જરૂરી?

ફૂલોની ખેતી ગ્રીનહાઉસમાં કરવી શા માટે જરૂરી?

 | 4:00 pm IST

ગ્રીનહાઉસ એટલે કે પ્લાસ્ટિક, પોલીથીલીન કે કાચના પારદર્શક કે અર્ધપારદર્શક આવરણથી ઢાકેલું ફ્રેમ સાથેનું ચોક્કસ પ્રકારનું માળખું છે જેમાં જે-તે પાકની જરૂરિયાત મુજબ અંદરના વાતાવરણમાં ફેરફાર કરી ઓછા વિસ્તારમાં બારેમાસ વધુ પ્રમાણમાં ફૂલોનું કે સુશોભિત છોડનું ઉત્પાદન ઉપરાંત સારી ગુણવત્તા ધરાવતા ફૂલછોડ ઉછેરી શકાય છે.

હાલના તબક્કે ગુજરાતમાં ફૂલોની ખેતી માટે ગ્રીનહાઉસને ખૂબ જ મહત્ત્વનું અંગ ગણવામાં આવે છે આપણા રાજ્યમાં ઉનાળામાં ઉચુ તાપમાન, અચોક્કસ વરસાદ, વધુ પડતો તીવ્ર સૂર્યપ્રકાશ તેમજ હવામાનના ભેજના ટકામાં વધઘટ વગેરે પરિબળોથી ફૂલોના પાકના ઉત્પાદન પર માઠી અસરો જોવા મળે છે. આવી વિષમ પરિસ્થિતિમાં ગ્રીનહાઉસ દ્વારા અંદરના વાતાવરણના પરિબળોને નિયંત્રણમાં રાખી સારી ગુણવત્તાવાળા રોગ જીવાતમુક્ત ફૂલો મેળવી શકાય છે. પરંતુ ગ્રીનહાઉસમાં આ ફૂલોની નિકાસ અર્થે ચોક્કસ પ્રકારના વધુ આવક અપાવતા ફૂલોના પાકો વાવવા જોઈએ જેથી ખેડૂતોને વધુ આવક મળે. ગ્રીનહાઉસમાં તૈયાર થયેલા ફૂલોની ગુણવત્તા ખુલ્લા ખેતરોની સરખામણીમાં કેટલી સારી છે તે ફૂલોના બજારભાવ પરથી નક્કી થઈ શકે છે. શિયાળાની ઋતુમાં થતા ફૂલોના ભાવ ઉનાળાની ઋતુ કરતા ખૂબ જ ઓછો મળે છે. જેથી ઉનાળુ ઋતુમાં ગ્રીનહાઉસ દ્વારા કટફ્લાવર્સના ફૂલોની ખેતી કરીને વધુ બજારભાવ મેળવીને પરદેશ નિકાસ કરીને વધુ હૂંડિયામણ મેળવી શકાય છે.

ગ્રીનહાઉસમાં ફૂલોની ખેતીમાં ખાસ કરીને ઉંચી આવક આપતા કટફ્લાવર્સ જેવા કે ઇંગ્લીશ ગુલાબ, કાર્નેશન, જર્બેરા, ગ્લેડીઓલસ, સેવંતી, ટયૂબરોઝ વગેરેની વિવિધ જાતો ઉગાડી શકાય છ મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ ફૂલો પૂરા પાડીને સારી આવક મેળવી શકાય છે. આ ઉપરાંત પરદેશમાં પણ વિમાનો દ્વારા મોટા જથ્થામાં સારી ગુણવત્તાવાળા કટફ્લાવર્સ નિકાસ કરીને સારું હૂંડિયામણ કમાવી શકાય છે.

ગ્રીનહાઉસનું માળખું તૈયાર કરવાના માપદંડ

ભારતમાં ગ્રીનહાઉસની વિવિધ ડિઝાઈનો પૈકી સાદું ગ્રીનહાઉસ, મધ્યકક્ષાનું ગ્રીનહાઉસ અને ઉચ્ચ કક્ષાનું ગ્રીનહાઉસ વધુ ખ્યાતિ ધરાવે છે.

જમીનનો પ્રકાર, પાણીની વ્યવસ્થા તેમજ અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને ગ્રીનહાઉસનું કદ નક્કી થઈ શકે છે ગ્રીનહાઉસ બનાવવાનું મુખ્ય ખર્ચ માળખું તૈયાર કરવાનું, ઈલેક્ટ્રીસિટીનું ખર્ચ અને પાણી નિયંત્રણની વ્યવસ્થા ઉપર આધારિત છે. માળખામાં ખાસ કરીને પોલીથીલીન શીટસ, એક્રેલિક ચાદર, પોલિકોર્બોનેટ ચાદરો ઉપરાંત માળખામાં વપરાયેલું લાકડું,સ્ટીલ, એલ્યુમિનિયમ પાઈપો વગેરે ચીજવસ્તુઓ વપરાય છે. ઈલેક્ટ્રીક ખર્ચમાં ખાસ કરીને હવા બહાર ફેંકવાના પાંખાઓ, પાણી માટે ઈલેક્ટ્રીક પંપ, વિજળી અને તેના નિયંત્રણ યુનિટ ,પાણીની વ્યવસ્થામાં ટપક પદ્ધતિ, સ્પ્રિંકલર્સ કે કુલિંડ પેડ વગેરેનો ઉપયોગ થાય છે.

નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને પોસાય તેવા સાદા ગ્રીનહાઉસ  

આ પ્રકારના ગ્રીનહાઉસ ઓછી કિંમતે જે સ્થાનિક બજારમાંથી મળતી ચીજવસ્તુઓ દ્વારા બનાવી શકાય છે. મધ્યમ વર્ગના અને નાના ખેડૂતો માટે આવા ગ્રીનહાઉસ ખૂબ જ ઉપયોગી છે. ૫૦૦ ચો.મી. વિસ્તારનું સાદું ગ્રીનહાઉસ બનાવવાનું અંદાજિત ખર્ચ રૂ.૫૦,૦૦૦ થાય છે જેમાં સરકારશ્રી તરફથી ૫૦% જેટલી સબસિડી આપવામાં આવે છે. આ પ્રકારના ગ્રીનહાઉસમાં ફૂલછોડનું સીઝનલ ધરું,રોપાઓ વગેરે ઉછેરી શકાય છે. ઉપરાંત કટફ્લાવર્સના ફૂલો જેવા કે ગુલાબની વિવિધ રંગની લાંબી દાંડીવાળી, મોટા કદ ધરાવતી ફૂલોની જાતો, કાર્નેશન, જર્બેરા વગેરે ઓછા ખર્ચે ઉછેરી સારા એવા બજારભાવ મેળવી શકાય છે. આ પ્રકારના ગ્રીનહાઉસમાં હવાની અવરજવર માટે બારીઓ, છાપરા પર લીલી કે સફેદ પ્લાસ્ટિક નેટ અથવા અંદર ઠંડક માટે ભીના કંતાનના ટૂકડાઓ લટકાવવામાં આવે છે. સાદા ગ્રીનહાઉસ ખાસ કરીને જ્યાં ઓછી ગરમી હોય ત્યાં અનુકૂળ આવે છે.

ઔદ્યોગિક ધોરણો માટે અનુકૂળ ઉચ્ચ કક્ષાના ગ્રીનહાઉસ

આવા ગ્રીનહાઉસ ખાસ કરીને મોટાપાયા પર ઔધોગિક ધોરણે ચલાવવામાં આવે છે. આવા ગ્રીનહાઉસમાં સંપૂર્ણ નિયંત્રણ કોમ્પ્યુટર નિયંત્રકો અને સેન્સર્સ દ્વારા કરવામાં આવ્યું હોવાથી ઉંચી ગુણવત્તાવાળા કટફલાવર્સ મેળવી શકાય છે. જેનો ઉપયોગ પરદેશમાં નિકાસ અર્થે કરવામાં આવે છે અને સારું એવું હૂડિયામણ મેળવી શકાય છે. જેમાં ફૂલછોડમાં ખાસ કરીને ઇંગ્લીશ ગુલાબની વિવિધ જાતો, ક્રિસેન્થીમની જુદી-જુદી જાતો જર્બેરા, કાર્નેશન, ગ્લેડીયોલસ ઉપરાંત ઈન્ડરો પ્લાઉન્ટમાં ડાઈફનબેકીયા, એગ્લોનીમા, મેરેન્ટા, વિવિધ પામની જાતો, એરૂકેરિયા જેવા મોંઘા છોડ ઉછેરી શકાય છે. ઉચ્ચ કક્ષાનું ૧૦૦૦ ચો.મી. વિસ્તારના ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ રૂ.૫થી ૬ લાખ જેટલો થાય છે જેમાં સરકારશ્રી તરફથી ૪૦% જેટલી સબસિડી મળે છે.

આપણા દેશનું વાતાવરણ જોતાં નેટહાઉસ ખૂબ જ અનુકૂળ અને સસ્તુ પડે છે. નેટહાઉસમાં વિવિધ પ્રકારના ફૂલછોડ ખાસ કરીને છાયામાં થતા કીમતી, સંવેદનશીલ સુશોભિત છોડ સહેલાઈથી ઉછેરી શકાય છે. સંશોધન મુજબ ઉનાળાની સખત ગરમીમાં ડાયફનબેકીયા, કોલીયમ, ક્રોટોન, એગ્લોનેમા, મેરાન્ટા વગેરે છોડ નેટહાઉસમાં ઉછેરવામાં આવે તો છોડનો વિકાસ અને વૃદ્ધિ સારી જોવા મળે છે તેમજ બજાર કિંમત પણ વધુ મળે. નેટહાઉસના ઉપયોગથી ૫૦થી ૭૫% છાંયડો અને સારી ગુણવત્તાવાળા ઈન્ડોર પ્લાન્ટ ઉછેરી શકાય છે. આણંદ ખાતે થયેલ સંશોધન મુજબ હાઈબ્રિડ ગુલાબના છોડને માર્ચ માસથી મે માસ સુધી ખુલ્લા ખેતર કરતા નેટહાઉસમાં ઉછેરવામાં આવે તો તેનો વિકાસ સારો , ફૂલોની સંખ્યા વધુ અને સારી ગુણવત્તાવાળા કદમાં મોટા ફૂલો મળે છે.શોભાના ફૂલછોડનું સંવર્ધન સરળતાથી કરી શકાય છે. ગુજરાતના વાતાવરણ મુજબ મધ્યમ અને નાના વર્ગના ખેડૂતો માટે સાદા ગ્રીનહાઉસ ફૂલોની ખેતી માટે આશીર્વાદરૂપ થઈ પડે તેમ છે.

ફૂલોની ખેતી માટે ઉત્તમ મધ્યમકક્ષાના ગ્રીનહાઉસ

મધ્યમ કક્ષાના ગ્રીનહાઉસમાં અંદરના વાતાવરણીય પરિબળો અને વધુ તાપમાનને નિયંત્રણ કરવા એક્ઝોસ્ટ ફેન, કુલિંગ પેડ, મિસ્ટ ઈરીગેશન સિસ્ટમ વગેરેનો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક (પોલીહાઉસ)થી તૈયાર કરેલા ગ્રીનહાઉસ ફૂલોની ખેતી માટે ઉત્તમ ગણાય છે જેમાં ટનલ , ગાબલે તેમજ કુનસેટ પ્રકારના ગ્રીનહાઉસ સ્થળ અને વાતાવરણ અનુરૂપ બનાવવામાં આવે છે. આ દરેક ગ્રીનહાઉસના માળખામાં ગેલ્વેનાઈઝ પાઈપો, એમ.એસ.એંગલ, એમ.એસ.પાઈપો ફીટ કરવામાં આવે છે. લાકડાનું માળખુ બનાવવું હોય તો નિલગીરી, વાંસ કે શરૂ વગેરેના થાંભલાઓનો ઉપયોગ થાયય છે. માળખા માટે એલ્યુમિનિયમ વાપરવાથી ખર્ચમાં સસ્તુ પડે છે. ભોંયતળિયું તથા બાજુઓ રેતી અને સિમેન્ટથી ચણતર કરીને મુખ્ય થાંભલા ગોઠવવાનો હોય ત્યાં આર.સી.સી. કરવું જોઈએ. મધ્યમ કક્ષાનું ૫૦૦ ચો.મી. વિસ્તારના ગ્રીનહાઉસ બનાવવાનું ખર્ચ આશરે ૨.૫થી ૩.૦ લાખ થાય છે જેમાં સરકારશ્રી તરફથી ૪૦% સબસિડી આપવામાં આવે છે.

– ડો.કે.ડી.પટેલ અને ડો.ડી.કે.વરુ

– બાગાયતશાસ્ત્ર વિભાગ, જૂ.કૃ.યુ. જૂનાગઢ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન