Why Gandhi Family Demand Only SPC Security Cover : Amit Shah
  • Home
  • Featured
  • એસપીજી સુરક્ષા મામલે અમિત શાહ રાજ્યસભામાં ગાંધી પરિવાર પર બરાબરના વરસ્યા

એસપીજી સુરક્ષા મામલે અમિત શાહ રાજ્યસભામાં ગાંધી પરિવાર પર બરાબરના વરસ્યા

 | 4:59 pm IST

રાજ્યસભામાં શિયાળુસત્ર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે એસપીજી સુરક્ષાને લઈને ફરી એકવાર સ્પષ્ટતા કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતુ કે, સ્પેશિયલ પ્રોટેક્શન ગૃપ એક્ટ માત્ર વડાપ્રધાનની વ્યક્તિગત સુરક્ષા જ નથી કરતો પણ અન્ય પાસાઓની પણ સુરક્ષા કરે છે. જેમ કે પત્રાચાર વગેરેનો સમાવેશ થાય છે.

શાહે કહ્યું હતું કે જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે તો માત્ર ગાંધી પરિવાર જ નથી દેશમાં 130 કરોડ લોકો પણ છે જેની સુરક્ષાની જવાબદારી સરકારની છે. માત્ર એસપીજીને લઈને જ હઠ કેમ કરવામાં આવી રહી છે? ગાંધી પરિવાર માત્ર એસપીજી સુરક્ષા જ કેમ ઈચ્છે છે?

આજે ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં એસપીજી સુરક્ષા બિલ રજુ કર્યું હતું. આ મામલે કોંગ્રેસના હોબાળો મચાવ્યો હતો. જેનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, એસપીજી સીઆરપીએફ, બીએસએફ અને અન્ય અર્ધસૈનિક દળોના જવાનોની બનેલી છે, આ ત્રણેય ફોર્સના જવાનોમાં ગાંધી પરિવારના સભ્યોની સુરક્ષા કરી રહેલા સીઆરપીએફના જવાનો પણ હોય છે જે એસપીજીમાં કામ કરી કરતા હોય છે.

શાહે કહ્યું હતું કે, એસેસમેંટના આધારે આ પરિવારની સુરક્ષા માત્ર બદલવામાં આવી છે, નવા બિલમાં માત્ર વડાપ્રધાન મોદીને માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે અમે કંઈ ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને બિલ નથી લાવ્યા. અહીં એક બે સભ્યો એમ કહેતા હતાં કે, આ  બિલ એક-બે પરિવારોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. પરંતુ જે જુના કાયદા હતા તેને અંતર્ગત જ ગાંધી પરિવારની સુરક્ષા સામીક્ષા કરવામાં આવી અને ત્યાર બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હ્તું કે, આ પાંચમી વાર છે જેમાં એસપીજીના નિયમમાં ફેરફાર કરીને ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એમ્બુલન્સ પણ શામેલ કરવામાં આવી છે. જ્યારે આ અગાઉ ચાર વાર જે ફેરફાર કરવામાં આવ્યા હતાં તે એક જ પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતાં.

અમે પરિવાર વિરોધી નથી પણ પરિવારવાદ વિરોધી છીએ ; શાહ

શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે આ મામલે હાયતોબા મચાવી છે. પરંતુ અમે પરિવારના વિરોધી નથી પણ પરિવારવાદના વિરોધી છીએ. જેટલા જ જવાન ગાંધી પરિવારની સુરક્ષામાં પહેલા હતાં તેટલા યથાવત જ રહેશે. માત્ર ગાંધી પરિવાર જ નહીં ગૃહમંત્રી, રક્ષા મંત્રી ઉપરાષ્ટ્રપતિ પાસે પણ આ જ સુરક્ષા વ્યવસ્થા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પદ પરથી હટ્યા બાદ માત્ર પાંચ વર્ષ સુધી જ એસપીજી સુરક્ષા કવર મળશે. ત્યાર બાદ અમિત શાહે જેવો રાજકીય કાર્યકર્તાઓની હત્યાનો ઉલ્લેખ કર્યો રાજ્યસભામાં હોબાળો મચી જવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન