Why is Biden speaking so softly for China?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કૃષ્ણકાંત ઉનડકટની કલમે; ચીન માટે બાઇડેન કેમ ઢીલું ઢીલું બોલી રહ્યા છે?

કૃષ્ણકાંત ઉનડકટની કલમે; ચીન માટે બાઇડેન કેમ ઢીલું ઢીલું બોલી રહ્યા છે?

 | 8:00 am IST
  • Share

અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા પછી પહેલી વખત યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીને સંબોધન કરતા જો બાઇડેને કહ્યું કે, અમેરિકા હવે ચીન સાથે નવી કોલ્ડ વોર શરૃ કરવા નથી ઇચ્છતું! બાઇડેનના મનમાં આખરે ચાલી શું રહ્યું છે?

ક્વાડની બેઠકમાં હાજરી આપવા અમેરિકા ગયેલા આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રેસિડેન્ટ બાઇડેનને વન ટુ વન મળવાના છે. આપણા માટે મુખ્ય મુદ્દો તો ચીન જ છે. અમેરિકા પાણીમાં બેસી જાય તો ભારત માટે નવા સવાલો સર્જાવાના છે

 આપણા મિત્રના ભરોસે કોઇની સામે તલવારો તાણી લીધી હોય અને એ મિત્ર જ જો પાણીમાં બેસી જાય તો શું થાય? અમેરિકા પહેલેથી એવી વાત કરતું આવ્યું છે કે, ચીન સામે તમારા સંઘર્ષમાં અમે તમારી સાથે છીએ. ચીનની સામે અમારે પણ અનેક ઇશ્યૂઝ છે. આપણે બંને સાથે મળીને ચીનને પાઠ ભણાવીશું. સરહદી વિવાદના કારણે ચીન સાથે છેલ્લાં દોઢ વર્ષથી સંબંધો વણસેલા છે. અમેરિકાના કારણે એક સમયે આપણા અંગત મિત્રો રહેલા રશિયા અને ઇરાન સાથે પણ આપણા સંબંધો બગડયા છે. હવે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન ચીન સાથેના સંઘર્ષ વિશે ઢીલું ઢીલું બોલવા લાગ્યા છે. પ્રેસિડેન્ટ બન્યા પછી પહેલી વખત યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને સંબોધન કરતાં બાઇડેને કહ્યું કે, અમેરિકા હવે કોઇ નવી કોલ્ડ વોર ઇચ્છતું નથી. દુનિયા બે ભાગમાં વહેંચાઇ જાય એ યોગ્ય નથી. આપણે બધા આપણી નિષ્ફ્ળતાનાં પરિણામો ભોગવી ચૂક્યા છીએ.

અફ્ઘાનિસ્તાનમાં જે થયું એનો બચાવ કરવાનું પણ બાઇડેન ચૂક્યા નહીં. તેમણે કહ્યું કે, અમેરિકાએ વીસ વર્ષથી ચાલતો અફ્ઘાનિસ્તાન સંઘર્ષ પૂરો કરી દીધો છે અને કૂટનીતિના દરવાજાઓ ખોલ્યા છે! અમેરિકા હવે ૯/૧૧ એટલે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયો એ વખત જેવું રહ્યું નથી. અમેરિકા હવે એવા દરેક દેશો સાથે કામ કરવા તૈયાર છે જે શાંતિના માર્ગે ચાલવા માંગતા હોય. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે, બાઇડેન હિંદ પ્રશાંત ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા માટે બોલવું જોઇએ એવું કંઈ બોલ્યા નહીં! અમેરિકાએ જે વાત કરી એનાથી ચીનને શાંતિ અને રાહત થાય એ સ્વાભાવિક છે. ચીને પણ એવી વાત કરી છે કે, એ પોતાની વિસ્તારવાદી વૃત્તિને લગામ આપશે. ચીન તમાચા મારીને ગાલ લાલ રાખી રહ્યું છે, બાકી કોરોના પછી ચીનની આર્િથક હાલત પણ પતલી થઇ ગઇ છે. ચીનની સૌથી મોટી રિઅલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ નાદારીની કગાર પર ખડી છે. ચીન તો ઇચ્છે જ છે કે, અમેરિકા અને ભારત તેની તરફ્ કૂણું વલણ દાખવે. ચીન ભલે ગમે એવી વાતો કરે પણ ચીન ક્યારેય સુધરે એ વાતમાં માલ નથી. ચીન આપણી સરહદે કંઇક ને કંઇક ઉધામા કરતું જ રહેવાનું છે. હજુ ગઇકાલની જ વાત છે. ચીને લદાખ બોર્ડર નજીક શિનજિયાંગ મિલિટરી વિસ્તારમાં ૧૬૪૦૦ ફ્ૂટની ઊંચાઇએ નાઇટ ડ્રીલ યોજી હતી. ચીનની સેનાને એકદમ ઊંચા પહાડી વિસ્તારોમાં રાતના સમયે લડવાની પ્રેક્ટિસ નથી એટલે એણે નાઇટ ડ્રીલ યોજી હતી. ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર તણાવ એવો ને એવો છે ત્યારે અમેરિકાનું વર્તન રહસ્યમય બની રહ્યું છે.

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા છે. બાઇડેન પ્રેસિડેન્ટ બન્યા પછી મોદી તેમને પહેલી વખત રૃબરૃ મળવાના છે. વડાપ્રધાન મોદીનો જે એજન્ડા છે એમાં મુખ્ય તો ક્વાડની બેઠકમાં હાજરી, યુએનની જનરલ એસેમ્બલીને સંબોધન અને બાઇડેન સાથેની મુલાકાત છે. ક્વાડની બેઠક જ્યારે જ્યારે મળી છે ત્યારે એમાં વાતો તો ચીનને ઘેરવાની જ થતી રહી છે. ક્વાડ બેઠકમાં મોદી અને બાઇડેન ઉપરાંત ક્વાડના સભ્ય દેશ જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે મળીને જે વાતો કરશે તેનો મુખ્ય ટાર્ગેટ તો ચીન જ હશે? કે પછી બાઇડેનની બદલાયેલી વાતો ત્યાં પણ જોવા મળશે? ઔબાઇડેને ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા સાથે ન્યુક્લિયર સબમરિન ટેક્નોલોજીના કરારો કર્યા છે. ઓસ્ટ્રેલિયાને પણ અમેરિકાએ એવું જ કહ્યું છે કે, ચીન સાથેની લડાઈમાં અમે તમારી સાથે છીએ. અમેરિકા ચીનને મોઢામોઢ કેમ કંઈ કહેતું નથી? કોરોના ઔવાઇરસ કેવી રીતે પેદા થયો એની તપાસ કરવા માટે બાઇડેને દેશની જાસૂસી સંસ્થાઓને કામ સોંપ્યું હતું. નેવું દિવસનો સમય આપ્યો હતો. બાઇડેન હવે એ મુદ્દે પણ કંઈ બોલતા નથી. સૌથી મોટો સવાલ એ છે કે, બાઇડેનના મનમાં ચાલી શું રહ્યું છે?

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએનની મહાસભામાં શું બોલે છે અને ક્વાડની બેઠકમાં શું ચર્ચા થાય છે એ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. વડાપ્રધાન મોદી પણ કદાચ અમેરિકાની મુલાકાતની જ રાહ જોતા હતા. બાઇડેન સાથે વન ટુ વન બેઠકમાં ઘણી ચોખવટો થાય એવી શક્યતાઓ છે. આપણા દેશે શું કરવું એ આ મુલાકાત બાદ જ નક્કી થવાનું છે. અમેરિકા પર કેટલો મદાર રાખવો એ નક્કી કરવાનો સમય પાકી ગયો છે. અમેરિકા સાથે સંબંધો રાખવામાં ભારતને કેટલો ફયદો થયો અને શું નુકસાન ગયું, એ હિસાબ પણ માંડવો પડે એમ છે. ઔઇરાન અને રશિયા સાથેના સંબંધોમાં જે અંતર આવી ગયું છે એનું એકમાત્ર કારણ અમેરિકા છે. બાઇડેનની જેમ ઇરાનના નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીએ પણ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં પહેલી વખત સંબોધન કર્યું. અમેરિકા સાથેના ખરાબ સંબંધોના કારણે તેઓ અત્યારે અમેરિકાની જમીન પર પગ મૂકે એમ નથી, એટલે તેમણે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. રઇસીએ અમેરિકાને ઘણુંબધું સંભળાવી દીધું. તેમણે કહ્યું કે, અમેરિકા પ્રતિબંધોનો યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. અફ્ઘાનિસ્તાન અને ઇરાકમાંથી અમેરિકા ગયું નથી પણ એને ત્યાંથી કાઢવામાં આવ્યું છે. અમેરિકાના કેપિટલ હિલમાં થયેલાં તોફનોનો ઉલ્લેખ કરીને રઇસી એવું પણ બોલ્યા કે, કેપિટલ હિલથી કાબુલ સુધીમાં અમેરિકન માનસિકતા દેખાઈ આવી છે. તેમણે તો ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, અમેરિકાની વાતો પર અમને ભરોસો નથી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ યુએન મહાસભામાં વર્ચ્યુઅલ પ્રવચન જ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોઈ એક દેશ આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરે એ વાજબી નથી. બાઇડેને કોલ્ડ વોર શરૃ નથી કરવી એવી વાત કરતા હવે ચીનની ભાષા પણ બદલાય એવી શક્યતાઓ છે. ભારતે હવે પોતાના નિર્ણયો કોઇના પર નયા ભારનો પણ મદાર રાખ્યા વિના લેવા પડશે. ભારત એના માટે સમર્થ પણ છે. ચીન સાથેના સંબંધોમાં પણ બદલાવ આવે તો એમાં નવાઈ પામવા જેવું કશું નહીં હોય. ચીનને પણ ભારત સાથે સંબંધ સુધારવા છે. આપણો દેશ અમેરિકાના કારણે ચીન સાથે સંબંધો સુધારવા માટે બહુ આગળ વધતો નથી પણ જો અમેરિકા જ ઢીલી ઢીલી વાતો કરવા લાગે તો એવું પણ બનવાજોગ છે કે, ભારત ચીન સાથેના સંબંધો સુધારી લે. હવે પછીના થોડા સમયમાં ઘણું બધું પિક્ચર ક્લિયર થવાનું છે અને ઘણાં સમીકરણો બદલાવાનાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો