કેમ થાય છે બોસ નારાજ..?! - Sandesh

કેમ થાય છે બોસ નારાજ..?!

 | 12:32 am IST

મંથન । અર્જુનસિંહ કે. રાઉલજી

ઘણીવાર તમારા વર્કપ્લેસ ઉપર તમે ઘણાં એવાં કામ કરો છો જે તમારી દૃષ્ટિએ તમને ખોટાં નથી લાગતાં, પણ તેની અસર તમારા વ્યક્તિત્વ અને તમારી છાપ ઉપર ખરાબ પડે છે. જીવનમાં આગળ વધવા માટે તમારી છાપ તે સંસ્થા, કંપની અથવા ફર્મના બોસ સમક્ષ શાનદાર હોવી જરૂરી છે. જ્યાં તમે કામ કરો છો! આથી જો આવી કોઇક કુટેવો હોય તો સમય સાથે તેને સુધારવી ખૂબ જ જરૂરી છે.

સામાનની ચોરી

અનુપમને તેની કંપનીએ પોતાના કસ્ટમર સર્વિસ ડેસ્કના ઇન્ચાર્જના પદ ઉપરથી દૂર કર્યો. વાસ્તવમાં અનુપમ કસ્ટમર્સને ગિફ્ટ આપવા માટે બનાવેલા નાના નાના આઇટ્મ્સના પેકેટોને ડેસ્ક ઉપર મૂકી અને કસ્ટમર્સને આપી તેમને ખુશ કરવાના બદલે તેને પોતાની ઘેર લઇ જતો હતો, તેની આ ટેવ લાંબા સમય સુધી છુપાવી શકાઇ નહીં. અને એ કારણે જ તેને નોકરી ગુમાવવી પડી. જો તમે ઓફિસની વસ્તુઓનો ખોટો ઉપયોગ કરતા હો અથવા પોતાના અંગત કામ માટે ઉપયોગ કરતા હો તે તેનાથી તમારી છાપ ખરેખર બગડી શકે છે અને એક ચોર તરીકે જ તમારી છાપ પડશે! ઓફિસની દરેક વસ્તુનો સદુપયોગ કરો, ઓફિસના સામાનનો ઉપયોગ તમને જે રીતે કહેવામાં આવ્યું હોય તે રીતે જ કરો.

કામની ગંભીરતા ના સમજવી..!

નિખિલ ઘડિયાળ જોઇને જ ઓફિસમાં આવતો અને ઘડિયાળ જોઇને જ એટલે કે ટાઇમ પૂરો થાય કે તરત જ બધાં કામ છોડીને પછી ભલેને કામ અધૂરું હોય- ઘેર નાસી જતો. કેટલીકવાર તેનું અધૂરું કામ જોઇને બોસ તેને ફોન કરતા તો તે તેમનું મોઢું જ તોડી લેતો કે હું ઓફિસ ટાઇમ પૂરો થયા પછી જ નીકળ્યો છું. તેની આ વાત ઉપર બોસ ચીઢાઇને કહેતા કે તારી બધી વાત સાચી પણ તારે તારું કામ તો પૂરું કરીને જવું જોઇતું હતુંને ? પણ બોસની આ વાતની તેના ઉપર કોઇ અસર થતી નહીં, છેવટે બોસે તેને કાઢી જ મૂક્યો.

ઘણા બધાં કામ એક સાથે એક નિશ્ચિત સમય ઉપર પૂરાં કરવાં જરૂરી હોય અથવા કેટલીક વાર બોસ ઓફિસ સમયના અંતે આખા દિવસના કામ વિશે તમારી સાથે ચર્ચા કરવા માગતા હોય છે અને એવા સંજોગોમાં તમે નજરે જ આવતા નથી, તો સ્વાભાવિક છે કે બોસ તમારાથી નારાજ થાય જ…! જો તમે સમયના ચુસ્ત બનવા માગતા હોવ તો તમારે કામમાં પણ ચુસ્ત બનવું જરૂરી છે. ટાઇમ પૂરો થાય કે તરત જ જો તમે ઓફિસમાંથી નીકળવા માગતા હો તો તમારું કામ પણ તે ટાઇમે પૂરું થઇ જાય એ પણ એટલું જ જરૂરી છે! આ સિવાય પણ ઓફિસ છોડતી વખતે તમારે બોસને જાણ કરવી પણ જરૂરી છે.

બોસની વાત ન સાંભળવી

મીનાક્ષીને કંપનીની એક બોર્ડ મિટિંગમાં બોલાવી હતી. પરંતુ તે મિટિંગની ચર્ચા અને બોસની વાતો ઉપર ધ્યાન આપવાના બદલે પોતાના મોબાઇલમાં જ મસ્ત અને વ્યસ્ત હતી. બોસની નજર મીનાક્ષી ઉપર પડી તો તે તેનાથી નારાજ થઇ ગયા.

બોસની વાતોને ઇગ્નોર કરશો તો તમને જ નુકસાન થશે. તેમને એવું લાગશે કે તમને તમારા કામમાં કોઇ રસ કે રુચિ નથી, માત્ર મિકેનિકલી જ તમે તમારું કામ કર્યા કરો છો. બોસ કોઇ પણ વાત કરે તો તમારે તમારા બધાં કામ પડતાં મૂકીને તેમની વાત સાંભળવી જોઇએ. જો તમે બોસની વાતો ઉપર ધ્યાન આપશો તો બોસ તમારાથી ખુશ થશે અને તમને તેનો ફાયદો જરૂર મળશે. શક્ય છે કે બોસ તમને પ્રમોશન આપી દે અથવા તમારો પગાર પણ વધારી દે!

જુનિયર એન્જિનિયર મોનાને એક કામની સાથે બીજું કામ કરવાની પણ આદત હતી. એક વખત તેને મોબાઇલ ઉપર વાતો કરતાં કરતાં બોસને એક એવો ઇમેલ કરી દીધો. જેમાં તેણે યારદોસ્તો સાથે જેવી ભાષાનો ઉપયોગ થાય તે જ ભાષાનો પ્રયોગ કરી દીધો! બોસ તેનાથી નારાજ થઇ ગયા અને બધાંની વચ્ચે તેને ખખડાવી તો નાખી, પણ સાથે સાથે સાત દિવસ માટે સસ્પેન્ડ પણ કરી દીધી.

લાપરવાહીથી કોઇપણ કામ કરવામાં આવે તો નુકસાન અવશ્ય થાય જ છે. એક સાથે બે કામ કરવાથી તમારા એક પણ કામમાં ભલી વાર આવતો નથી, એક પણ કામ વ્યવસ્થિત થતું નથી અને બંને કામ બગડી જાય છે. આથી હંમેશાં એક સમયે એક જ કામ કરો, સારી રીતે મન મૂકીને કામ કરો. આના કારણે ભલે કદાચ સમય વધારે લાગે પણ જે કામ થશે તે અતિચોક્કસ અને વ્યવસ્થિત થશે. તેમાં ભૂલ થવાની કોઇ શક્યતા રહેશે નહીં.

નારાજગીના કારણો દર વખતે પ્રોબ્લેમ બતાવે

જો તમે દરેક વખતે બોસને પ્રોબ્લેમ જ બતાવતા રહેશો, કયો કલિંગ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે, સંશોધનોની અછત છે, ચુનોતિયો વધારે છે, તો બોસ પોતે તમારા દ્વારા પરેશાન થઇ જશે. બોસ ઉપર તમારી નિર્ભરતા શક્ય તેટલી ઓછી કરો. બીજા પાસેથી શીખો કે કઇ રીતે સમસ્યાઓનો હલ મેળવી શકાય છે.

બહાનાં બનાવે

જો કોઇ મહત્ત્વપૂર્ણ ડેડલાઇન અથવા ક્રિટિકલ પ્રોજેક્ટ પહેલાં તમે બોસને કહો છો કે તમે બીમાર છો, તો બોસ ઘણા નારાજ થઇ જાય છે, જો તમારા મેડિકલ ઇશ્યૂઓ પૂરી ટીમ કરતાં પણ વધારે હોય તો તે તમારા માટે ખતરનાક ગણાય છે. બીમારીનાં બહાનાં ના બનાવો. ક્રિટિકલ પ્રોજેક્ટને કોઇ પણ રીતે પૂર્ણ કરો.

ડિસ્ટર્બ કરે

શું તમે તમારા બોસનો જરૂર કરતાં પણ વધારે સમય લો છો? ડિસ્કશન અને સલાહ માટે તમે બોસને વારંવાર હેરાન કરો છો? જો તમારો જવાબ હા હોય તો તમારે તમારી ટેવ બદલવાની જરૂર છે. રુટિન અપડેટ માટે લેખિત કોમ્યુનિકેશન કરો. એ ના ભૂલશો કે બોસ પણ બિઝી માણસ છે એવા સંજોગોમાં તેમને વારંવાર ટોકવા એ સારું ના કહેવાય… તેમને પણ ખરાબ લાગે !

વિશ્વાસ કરવા અયોગ્ય

જો તમારો ડેટ ખોટો છે, હોમવર્ક બરાબર નથી કર્યું અથવા ડેડલાઇન મિસ કરો છો,તો અવશ્ય જ બોસ તમારા આઉટપુટ ઉપર શંકા કરવા માંડશે. આવા સંજોગોમાં તેઓ તમને કોઇ મહત્ત્વપૂર્ણ ટાસ્ક સોંપશે નહીં. બોસનો વિશ્વાસ જીતવા માટે તમારે તમારા કામનું સ્ટાન્ડર્ડ વધારવાની જરૂર છે. બોસ તમને જરૂરી કાગળ આપે તો તેને સંભાળીને રાખો. એવું ના બને કે જ્યારે જરૂર પડે ત્યારે તમે કાગળ શોધતા રહો અને બોસ તમારી રાહ જોતા રહે, જો આવું બનશે તો બોસનો તમારા ઉપરથી વિશ્વાસ ઊઠી જશે. તમને બોસે સોંપેલી જવાબદારીને શક્ય તેટલી પ્રાથમિક્તા આપો. તેમની વાતને સાંભળી ના સાંભળી ના કરો. તમે જેટલા વ્યવસ્થિત રહેશો તેટલી જ તમારી ઇમેજ સુધરશે.

સોશિયલ નેટવર્કિંગમાં જ વ્યસ્ત

જો તમે ઓફિસમાં સતત ફોન, ફેસબુક અથવા વોટસએપનો ઉપયોગ કરતા હોય તો બોસની નજરમાં તમારી ઇમેજ ખરાબ થઇ શકે છે. બોસને હંમેશા આવી ટેવો સમય અને સંસાધનો બગાડનાર જ લાગે છે. કામ દરમિયાન તમારી ટીમ સાથે જોડાયેલા રહો. કામ પૂરું થયા પછી જ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરો.

આ વાતોથી રહેશે બોસ પણ ખુશ

ટાઇમ મેનેજમેન્ટનો ફન

ઓફિસમાં બોસની નજરમાં તમારી ઇમેજ જાળવી રાખવા માટે તમારે તમારું દરેક કાર્ય સમયસર પૂરું કરવું જોઇએ. આ માટે તમારે ટાઇમ મેનેજમેન્ટ માટે ટુ ડુ લિસ્ટ બનાવવું જોઇએ. આના કારણે તમે તમારા કાર્ય ઉપર તો નજર રાખી શકશો. પણ સાથે સાથે તમારો તણાવ પણ ઘટાડી શકશો.

અંદાજ પર્સનલ નહીં પ્રોફેશનલ

વર્ક પ્લેસ ઉપર તમે તમારા પ્રોફેશન માટે જેટલા વધારે અપડેટ રહેશો. કામમાં એટલી જ વધારે સફળતા તમને મળશે. અપડેટ રહેવાનું તાત્પર્ય એ છે કે તમારા ફીલ્ડમાં થતા બદલાવ વિશે તમે કેટલા જાગૃત છો, તમારા કલિગ્સ સાથે ગપ્પા મારવાથી બચવું જોઇએ. જો તમે પ્રોફેશનલ વ્યવહાર રાખશો, તો તમારી છબી ખાસી સુધરી જશે.

ઇમાનદારી

જો તમે નોકરીમાં પ્રમોશન ઇચ્છતા હો તો પોતાના બોસને પોતાના વિષયમાં જણાવતી વખતે ઇમાનદાર અને પ્રમાણિક રહેવું જરૂરી છે. જો બોસે તમારી પાસેથી કોઇ વિષયમાં સલાહ માગી હોય તો પૂરી ઇમાનદારી સાથે તેમને સલાહ આપવી જોઇએ.

સંવાદશૈલી

બોસ સાથે એ શૈલીમાં વાત કરવી જોઇએ જેનાથી તેમને પ્રભાવિત કરી શકાય. એક વસ્તુનું પણ વધારે ધ્યાન રાખવું જોઇએ કે તેઓ ઇમેલ વધારે પસંદ કરે છે કે પછી સામસામે બેસીને વાત કરવાનું વધારે ગમે છે. તેમને જે રીતે પસંદ હોય તે રીતે જ તેમની સાથે સંવાદ ગોઠવવો જોઇએ.

સૌમ્ય અને મૃદુભાષી

પોતાના વર્કપ્લેસ ઉપર હંમેશાં સૌમ્ય અને મૃદુભાષી બનવું જોઇએ. કોઇની પણ ફરિયાદ ના કરો. કોઇકની મજાકનું સાધન બનવાથી પણ બચો. જો તમે તમારી આસપાસના લોકોનું સન્માન કરશો તો તમારી છાપ અવશ્ય સુધરશે. પોતાના વિચારો બીજા ઉપર લાદવાનો પ્રયાસ ના કરો. બોસને વારંવાર પરેશાન પણ ના કરો. બોસને મળતાં પહેલાં તેમની એપોઇન્ટ્મેન્ટ લો. બોસનું દિલ જીતવા માટે સખત પરિશ્રમની સાથે સારો વ્યવહાર પણ એટલો જ જરૂરી છે.

વસ્ત્રોનું ધ્યાન

ઓફિસ જાવ તો નાઇટ કલબવાળાં કપડાંથી દૂર રહો. એ વાતનું ધ્યાન રાખો કે બોસ અથવા તમારા કલિગ્સને તમારા કપડાંમાં કોઇ વિચિત્રતા કે અસામાન્યતા ના જણાય. તમારો ડ્રેસ ફોરમલ અને વ્યવસ્થિત સાફ સુથરો હોવો જોઇએ. જાતને પણ વ્યવસ્થિત રાખો. ઓફિસ એ કામ કરવાની જગ્યા છે. ત્યાં જાતને ફેશન આઇકોન બનાવવાનો પ્રયાસ ના કરો. તમને ખબર હોવી જોઇએ કે કપડાં બાબતમાં તમારી ઓફિસની પોલિસી કેવી છે!

ખોટી હામાં હા

જો તમે બોસની દરેક વાતમાં હા કહો છો અને ઘણું ઓછું કામ કરો છો તો તેનાથી તમને જ નુકસાન થઇ શકે છે. તમને પોતાને તમારી ખુદની મર્યાદાઓ ખબર હોવી જોઇએ. એવું ના બને કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં બોસ પાસેથી ઢગલો કામ માગી લો અને પછી તે પૂરું કરતાં કરતાં નાકે દમ આવી જાય. કેટલીક વાર બોસ તમારા ઉપર જરૂર કરતાં વધારે વિશ્વાસ મૂકી દે છે અને તમે તેમની અપેક્ષાઓ પૂરી કરી શકતા નથી.