Why is so much affection for China on Masood Azhar?
  • Home
  • Featured
  • ચીનને મસૂદ અઝહર પર આટલું વહાલ કેમ ઊભરાય છે?

ચીનને મસૂદ અઝહર પર આટલું વહાલ કેમ ઊભરાય છે?

 | 7:15 am IST

કાશ્મીરના પુલવામા ખાતે થયેલાં આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કરવામાં ચીને ફરી એકવાર વિટો વાપરીને યુનોમાં આ ઠરાવ અટકાવ્યો છે. ભારત છેલ્લાં દશ વર્ષથી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કરવાની માગ કરી રહ્યું છે. યુનોમાં આ મુદ્દે ચાર-ચાર વખત ઠરાવ આવ્યા છે. દરેક વખતે ચીને પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરીને ચારેય વખત મસૂદને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર થતાં અટકાવી દીધો છે.

સૌથી પહેલાં ૨૦૦૯માં મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કરવા યુનોમાં ઠરાવ મૂકાયો હતો. ત્યારબાદ ૨૦૧૬માં ફરી એકવાર ભારતે અમેરિકા, યુકે, ફ્રાન્સ સાથે મળીને મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ યુનોમાં મૂક્યો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે ૨૦૧૬માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કરાવનાર માસ્ટર માઇન્ડ મસૂદ અઝહર જ હતો.

પરંતુ ચીને ત્યારે પણ આ ઠરાવને રોક્યો હતો. ૨૦૧૭માં ફરી એકવાર યુનોમાં આ જ દેશોએ મસૂદ વિરુદ્ધ ઠરાવ મૂક્યો ત્યારે પણ ચીને પોતાનો વિટો વાપર્યો. હવે ૨૦૧૯માં  અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત ૧૫ દેશોએ યુનો સમક્ષ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી. ત્યારે  ફરી એકવાર ચીને યુનોને કહ્યું કે, આ મુદ્દે તપાસ કરવા માટે ચીનને સમય જોઇએ છે અને ઠરાવ ફરી પાછો ઠુકરાવી દીધો.

યુનો એ એક આંતરરાષ્ટ્રિય સંસ્થા છે. જેમાં આજે દુનિયામાં ૧૯૩ દેશો તેના સભ્યો છે.  સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો તરીકે ઓળખાતી આ સંસ્થાની સુરક્ષા પરિષદમાં  અમેરિકા, ઇંગ્લેંડ, ફ્રાન્સ, રશિયા અને ચીન એમ પાંચ દેશો કાયમી સભ્યો છે. કોઇ અગત્યના મુદ્દા પર જ્યારે ફેંસલો લેવાનો હોય ત્યારે આ પાંચ સભ્યોની સહમતિ જરૂરી હોય છે. આ પાંચમાંથી એકપણ સભ્ય જો ઠરાવનો વિરોધ કરે તો એ ઠરાવ યુનોમાં પાસ થઇ શકતો નથી. ચીન પોતાને મળેલી આ સત્તાનો અત્યારે મસૂદ અઝહરના મુદ્દે ફાયદો ઊઠાવી રહ્યું છે.

સવાલ એ છે કે મસૂદ અઝહર પર યુનો પ્રતિબંધ મૂકે અને તેને આંતરરાષ્ટ્રિય આતંકવાદી તરીકે જાહેર કરે તો શું થઇ શકે ? એનો જવાબ એ છે કે યુનો જેવું મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કરે કે તરત જ મસૂદ અઝહર પર છ પ્રતિબંધ લાગી જાય છે.

(૧) દુનિયાભરના દેશોમાં મસૂદ અઝહરના પ્રવેશ પર રોક મૂકાઇ જાય(૨) મસૂદ અઝહર કોઇપણ દેશમાં આર્થિક ગતિવિધિઓ ના કરી શકે (૩) યુનોના તમામ મેમ્બર દેશોએ મસૂદ અઝહરના બેંક એકાઉન્ટ્સને સિઝ કરવા પડે (૪) મસૂદ અઝહરની સ્થાપેલી કોઇપણ સંસ્થા કે તેના નજીકના વ્યક્તિઓને સરકારી રાહે કોઇ મદદ ન કરી શકાય (૫) પાકિસ્તાને પણ મસૂદ અઝહર વિરુદ્ધ આર્થિક પ્રતિબંધ મૂકવા પડે (૬) પાકિસ્તાનને મસૂદ અઝહરના ટેરર કેમ્પ અને તેના દ્વારા ચાલતી મદરેસાઓને પણ બંધ કરવી પડે.

સવાલ એ છે કે મસૂદ અઝહર પર આ પ્રકારના છ પ્રતિબંધ લાગે તો આટલાં મોટાં ચીનને શું ફરક પડે છે ? ચીન આ મુદ્દે ભારતને શા માટે નારાજ કરે છે ? જ્યારે ચીનનો ભારત સાથે વેપાર ખૂબ મોટો છે ત્યારે એક આતંકીને બચાવવાની ચીનને શું જરૂર પડી ?

આ સવાલોનો જવાબ એ છે કે ચીન ભારતને દબાવવા માગે છે અને તેના કરતા પણ વધારે અગત્યની વાત પાકિસ્તાનને પંપાળવા માગે છે.  મસૂદ અઝહર જો ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર થાય તો તેમાં પાકિસ્તાનની આબરૂ જાય તેમ છે, જે આમતો ઓલરેડી ગયેલી છે. પરંતુ સત્તાવાર રીતે આ આબરૂ ટકાવવા પાકિસ્તાન હવાતિયા મારી રહ્યું છે.

ચીનનો જો કે ઇન્ટરેસ્ટ થોડો અલગ છે. પાકિસ્તાનની આબરૂ વધે કે ઘટે તેમાં તેને રસ નથી. ચીનને રસ એ છે કે પાકિસ્તાન પોતાના ખંડિયા દેશ તરીકે ચાલુ રહે. ચીનનું ૭ લાખ કરોડ ડોલરનું રોકાણ અત્યારે પાકિસ્તાનમાં છે. અત્યારે આખી દુનિયામાં પાકિસ્તાનની પડખે ઊભેલો કોઇ દેશ હોય તો તે ચીન છે, તેનું કારણ એ છે કે ચીનનું ખૂબ જ મોટું આર્થિક હિત પાકિસ્તાન સાથે જોડાયેલું છે.

ચીને પોતાના શહેર કાશગરથી લઇને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ ગ્વાદર બંદર સુધી રસ્તો બનાવી રહ્યું છે, જેને સીપીઇસી નામ અપાયું છે. એટલે કે ચાઇના-પાક ઇકોનોમિક કોરિડોર. આ એક એવો રોડ છે જેની બંને બાજુ ચીન પાકિસ્તાનની અંદર  રોકાણ કરવાનું છે. ચીનનું આ જબરદસ્ત આર્થિક અભિયાનરૂપે બનાવાતો રોડ પાકિસ્તાનના કબજાવાળાં કાશ્મીર, ખૈબર, પખ્તુનગ્વા અને બલુચિસ્તાન જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થાય છે. કેટલીક જગ્યાએ આ રોડનો પાકિસ્તાનમાં પણ વિરોધ થઇ રહ્યો છે. મસૂદ અઝહર અને તેનું આતંકી સંગઠન આ રોડનો વિરોધ નથી કરતાં તેની ચીનને શાંતિ છે.

આ ઉપરાંત ચીન ભારતને મુશ્કેલીમાં મૂકવાનો એક પણ મોકો છોડવા માગતું નથી. તેનું કારણ એ છે કે ચીન ભારતને પોતાનો આર્થિક હરિફ માને છે. ચીન ઇચ્છે કે ભારત  દુનિયામાં આગળ ના વધે અને તેના આંતરિક મામલાઓમાં જ અટવાયેલું રહે. જો ભારત મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કરવામાં સફળ રહે તો ભારત દુનિયામાં મજબૂત દેશ તરીકે ઊભરી આવે જે ચીનને પસંદ પડે તેવી વાત નથી.

બીજું કારણ એ છે કે ચીન પોતે જ મુસ્લિમોથી પરેશાન છે. ચીનમાં ઉઇગર મુસ્લિમો પર જાતજાતના પ્રતિબંધો લગાવવામાં આવેલાં છે. અને આ સમાજને ચીન નજરકેદ જેવી અવસ્થામાં રાખતો હોવાના આક્ષેપો થયાં છે. આ મુદ્દે ઇસ્લામિક દેશ પાકિસ્તાન ચૂપ રહે છે અને ચીનનો સાથ આપે છે. ત્રીજુ કારણ છે ભારતે ચીનના કટ્ટર વિરોધી દલાઇ લામાને આપેલો આશરો. આ મુદ્દે વર્ષોથી ચીન ભારત સાથે લડાઇ કરતું આવ્યું છે. તિબેટના ધર્મગુરુની સારસંભાળ ભારત રાખે છે તે વાતથી ચીન હંમેશા નારાજ રહ્યું છે.

આ ઉપરાંત સૌથી મોટું કારણ ચીનનું એ છે કે જો પાકિસ્તાનમાં રહેવાવાળો મસૂદ અઝહર જો ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર થઇ જાય તો પાકિસ્તાન ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સના બ્લેક લિસ્ટમાં સામેલ થઇ શકે છે. અત્યારે ઓલરેડી પાકિસ્તાન આ ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં છે. જો ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સના બ્લેક લિસ્ટમાં પાકિસ્તાનનો સમાવેશ થઇ જાય તો પાકિસ્તાનને દુનિયાભરમાંથી મળતી નાણાંકિય સહાય બંધ થઇ શકે છે. પાકિસ્તાન પર આર્થિક પ્રતિબંધો લાગુ પડી શકે છે. જે ચીનને કોઇપણ સંજોગોમાં પોષાય તેમ નથી. કારણ કે ચીનના૭ લાખ કરોડ ડોલરનું રોકાણ પાકિસ્તાનમાં થઇ ગયેલું છે જે ડૂબી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન