નોલેજ ઝોન : આગ બુઝાવવા માટે ઘણી વાર માટી અથવા રેતીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? - Sandesh
  • Home
  • Kids Corner
  • નોલેજ ઝોન : આગ બુઝાવવા માટે ઘણી વાર માટી અથવા રેતીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?

નોલેજ ઝોન : આગ બુઝાવવા માટે ઘણી વાર માટી અથવા રેતીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?

 | 3:40 pm IST

પદાર્થ બળે ત્યારે તે હવામાંના પ્રાણવાયુ સાથે સંયોજન પામી ગરમી તથા પ્રકાશ આપે છે. આ પ્રક્રિયાને જ્વલન કહેવાય છે, પરંતુ જ્વલન માટે પદાર્થ એટલો ગરમ બનાવવો જોઈએ જેથી તેના બળવાની શરૂઆત થઈ જાય. જે ઉષ્ણ તાપમાને પદાર્થ બળવાની શરૂઆત થાય છે, તેને તેનું જ્વલનબિંદુ કહેવામાં આવે છે. આમ, જ્વલન માટે પૂરતી ગરમી તથા પૂરતો પ્રાણવાયુ જરૂરી બને છે. આથી જ આગ બુઝાવવા માટે બળતો પદાર્થ ઠંડો પાડી દેવો જોઈએ અથવા તેને મળતો પ્રાણવાયુનો પુરવઠો કાપી નાખવો જોઈએ.

લાયબંબાવાળા આગ બુઝાવવા પાણી વાપરે છે. બળતા પદાર્થને પાણી ઠંડો પાડી દે છે એટલે કે તેની ગરમી હટાવી દે છે અને આમ આગ બુઝાય છે. આગ નાની હોય અને બાજુમાં તરત જ પાણી મળે એવું ન હોય તો આગ પર માટી અથવા રેતી નાખવાથી પણ આગ બુઝાઈ જાય છે. રેતી અથવા માટી પોતે આગમાં બળવા લાગતાં નથી, પરંતુ તે બળતા પદાર્થ પર જાડું આવરણ કરી તેને મળતો પ્રાણવાયુનો પુરવઠો કાપી નાખે છે અને પરિણામે આગ બુઝાઈ જાય છે.