know about shopping in pitra paksha shradh paksha
  • Home
  • Astrology
  • પિતૃ પક્ષમાં નવી વસ્તુઓની ખરીદી કરી શકાય? જાણો શું છે માન્યતા

પિતૃ પક્ષમાં નવી વસ્તુઓની ખરીદી કરી શકાય? જાણો શું છે માન્યતા

 | 11:23 am IST

ભારતીય સંસ્કૃતિમાં આપણા હિંદુ ધર્મશાસ્ત્રમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્વ છે. ભાદરવા માસના વદ (કૃષ્ણ) પક્ષના પંદર દિવસ ‘પિતૃપક્ષ’ તરીકે ઓળખાય છે. આ શ્રાદ્ધ સદીઓથી હિંદુ ધર્મના વિવિધ ધર્મગ્રંથોના વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે. પિતા- પિતામહ અને પ્રપિતામહની ઉપરના ત્રણ પુરુષો પિતૃલોકમાં રહેનારા દેવકોટિના પિતૃ ગણાય છે. તે પોતાના વંશજોના અપરાધને ક્ષમા કરીને કલ્યાણના શુભ આશિષ આપનારા છે.

આજે શ્રધ્ધાળુ લોકોને ડગલે ને પગલે પિતૃદોષનો ડર બતાવવામાં આવે છે ત્યારે પિતૃઓનો સાચો અર્થ સમજવાની ખાસ જરૂર છે. આવા પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરીને સ્મૃતિઓ વાગોળવા માટે ખાસ દિવસોનું આયોજન એટલે પિતૃપક્ષ- શ્રાદ્ધ પક્ષ.
પૂનમે અવસાન પામેલી વ્યક્તિનું શ્રાદ્ધ પૂનમના દિવસે કરવાની પરંપરા લોકાચારમાં (જનસમુદાયમાં) જોવા મળે છે. મૃત્યુ તિથિ નક્કી કરવામાં પણ સૂર્યોદય સમયની ઉદિત તિથિ લેવામાં આવતી નથી પરંતુ જે સમયે મૃત્યુ થયું હોય તે તિથિ લેવાય છે.

શ્રાદ્ધ ક્યારે ન કરવું
વહેલી સવારે, સૂર્યોદય સમયે, સંધ્યા સમયે કે રાત્રિના સમયે શ્રાદ્ધ કદાપિ કરવું નહીં. શ્રાદ્ધના ભોજનમાં લસણ, ડુંગળી, કંદમૂળ (ગાજર-મૂળા વગેરે) ન હોવા જોઇએ. શ્રાદ્ધમાં તીખા- તળેલા, મરી મસાલાથી ભરપુર વ્યંજન વાનગી ઇચ્છનીય નથી.

શ્રાદ્ધ પક્ષ ભાદરવા માસમાં આવતો હોવાથી આરોગ્ય અને આયુર્વેદની દ્રષ્ટિએ ઉપયોગી એવા શુદ્ધ દૂધ, ખીર, દૂધપાકની વાનગી હોય તે વધુ આવકાર્ય છે. આ ઋતુમાં પિત્તના શમન માટે ઔષધ સમાન આહાર પ્રસાદીરૂપે મળે તે જરૂરી છે.

શ્રાદ્ધમાં દોહિત્રનું મહત્વ
મોટેભાગે શ્રાદ્ધના ભોજનમાં પરિવારના સર્વે સભ્યો તથા નજીકનાં સગાંઓને આમંત્રણ આપવામાં આવે છે. શાસ્ત્રમાં આ પ્રસંગે દોહિત્ર (પુત્રીના પુત્ર) એટલે કે ભાણેજનો વિશેષ આગ્રહ રાખવામાં આવ્યો છે. આ પ્રાચીન પરંપરામાં પણ સ્વસ્થ સમાજ રચનાનો સામાજિક સંદેશ છે.

શ્રાદ્ધપક્ષમાં ખગોલીય- પંચાંગ જ્યોતિષનું મહત્વ
સૂર્ય છ માસ સુધી (22 ડિસેમ્બરથી 21 જૂન) ભૂમધ્ય રેખા (વિષુવવૃત્ત)થી ઉત્તરે ભ્રમણ કરે છે, જેને ઉત્તરાયણ કહે છે. છ માસ સુધી (22 જૂનથી 21 ડિસેમ્બર) વિષુવવૃત્તથી દક્ષિણે ભ્રમણ કરે છે, આ સમયગાળો દક્ષિણાયન તરીકે ઓળખાય છે. શ્રાદ્ધ પક્ષ હંમેશા દક્ષિણાયનમાં આવે છે.

આથી જ કોઇ સંજોગવશાત ભાદરવા વદમાં શ્રાદ્ધકર્મ ન થઇ શક્યું હોય તો સૂર્યનાં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ સુધી એટલે કે તા. 14 નવેમ્બર સુધી યોગ્ય સમયે શ્રાદ્ધક્રિયા કરી શકાય છે. પંચાંગના શાસ્ત્રાર્થ વિભાગમાં આનો ઉલ્લેખ જોવા મળે છે. કારતક માસમાં તા. 14 નવેમ્બર પહેલા લગ્ન- જનોઇ- વાસ્તુપ્રવેશ જેવા મુહૂર્તો આપવાની પ્રથા નથી.

શ્રાદ્ધપક્ષ કમુહૂર્તા ગણાય?
સામાન્ય જન સમુદાય શ્રાદ્ધપક્ષને અશુભ સમયગાળો સમજે છે. આ માન્યતા ખોટી છે. શ્રાદ્ધના દિવસોમાં પરિવારના પૂર્વજોના સંસ્મરણો તથા સ્મૃતિ પ્રસંગો સારી રીતે જાણી માણી અને વાગોળી શકાય તે માટે અન્ય દોડધામ કે વધુ માંગલિક સામાજિક પ્રસંગોનું આયોજન ન થાય તો વધુ ઉચિત રહે.

શ્રાદ્ધપક્ષમાં વિશેષ શું કરી શકાય?
પોતાના પિતૃઓનું સ્મરણ કરવું જોઇએ. પોતાના વતનમાં (પિતૃઓના ગામ-પ્રદેશમાં) જરૂર પ્રમાણે યોગ્ય દાન- સત્કર્મ કરવા જોઇએ. આપણા પૂર્વજ (માતા પિતા, દાદા દાદી વગેરે)ના વિકાસમાં સહાયક થયેલી વ્યક્તિઓ કે તેમના પરિવારજનોને હાલના સંજોગોમાં તેમને યોગ્ય સ્વરૂપે મદદ કરી શકાય.

શ્રાદ્ધ પક્ષની તિથિઓ કઇ રીતે ગણવી?
શ્રાદ્ધ પક્ષની તિથિઓ માટે ધર્મશાસ્ત્રમાં અમુક પ્રકારનો શાસ્ત્રાર્થ નિશ્ચિત થયેલો છે. સૂર્યોદયથી સૂર્યાસ્તનો સમયગાળો એટલે દિનમાન. આ દિનમાનના ચાર સરખા ભાગ કરીએ તો ત્રીજા ભાગમાં (અપરાહનકાળ સમયે) મૃત્યુ તિથિ જે દિવસે મળે તે દિવસે જે તે શ્રાદ્ધતિથિ લેવાય છે. આથી માત્ર સૂર્યોદય સમયે ચાલતી (ઉદયાત તિથિ) આમાં હંમેશા કામ આવતી નથી. વળી અમુક તિથિના દિવસે ખાસ પ્રકારના વિશેષ શ્રાદ્ધના દિવસો લેવાય છે.

આ Video જુઓ: સમગ્ર દેશમાં આજે ગણેશ વિસર્જન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન