પરિણીતાએ પહેલાં પતિને અંધારામાં રાખી બીજા લગ્ન કર્યા !, અમદાવાદના રસપ્રદ કિસ્સા - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પરિણીતાએ પહેલાં પતિને અંધારામાં રાખી બીજા લગ્ન કર્યા !, અમદાવાદના રસપ્રદ કિસ્સા

પરિણીતાએ પહેલાં પતિને અંધારામાં રાખી બીજા લગ્ન કર્યા !, અમદાવાદના રસપ્રદ કિસ્સા

 | 8:28 am IST

અમદાવાદના જોધપુર વિસ્તારનો એક વિચિત્ર કિસ્સો ફેમિલી કોર્ટમાં આવ્યો છે. બન્યું એવું કે, રિસાઈને પિયર જતી રહેલી પરિણીતાએ પ્રથમ પતિને અંધારામાં રાખી છાનામાને બીજા લગ્ન કરી લીધા છે. બીજો પતિ પણ પત્નીની આ હરકતથી બેખબર રહ્યો, પણ જ્યારે ભાંડો ફૂટયો તો તેના હોંશ ઊડી ગયા. હવે ઘટના બહાર આવતાં કહેવાતા બીજા પતિને આ લગ્ન કોઈ કાળે મંજૂર પણ નથી.

બીજો પતિ પણ પ્રથમ લગ્નથી બેખબર ! 

નારણપુરા વિસ્તારમાં રહેતી નમ્રતા અને બાપુનગરમાં રહેતા અજય (નામો બદલ્યાં) વચ્ચે મનમેળ ન હોવાથી નમ્રતા પિયર રહેવા જતી રહી હતી. આ અરસામાં નમ્રતાને સેટેલાઈટના જોધપુર વિસ્તારમાં રહેતાં કમલ (નામ બદલ્યું) નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધ ઓક્ટોબર ૨૦૧૪માં પ્રેમલગ્નમાં પરિણમ્યો હતો. નમ્રતાએ પ્રથમ પતિને અંધારામાં રાખી બારોબાર કમલ સાથે કથિત બીજા લગ્ન કરી લીધા હતા. નમ્રતા પોતે પરણેલી છે અને આ બીજા લગ્ન કરી રહી છે તેની જાણ કમલને પણ કરી નહતી. કમલ માટે તો આ પહેલાં લગ્ન હતાં. આ લગ્નજીવનથી નમ્રતા ગર્ભવતી બની હતી.

સંતાનના જન્મ બાદ બીજા પતિથી છૂટાછેડા માટે રૂ.૩.૫૦ લાખ માગ્યા 

દરમિયાન જુલાઈ ૨૦૧૫ના અરસામાં પુત્રનો જન્મ થયો હતો. પુત્ર જન્મ્યો એના ૨૦ દિવસ પછી નમ્રતાએ પહેલા પતિ અજય પાસેથી મામૂલી રકમ લઈને સમાજની રૂએ છૂટાછેડા લઈ લીધાં. અજય સમક્ષ પત્નીના આ કરતૂતનો ભાંડો ફૂટયો તો તેના હોશકોશ ઊડી ગયા હતા. પણ થોડા જ દિવસોમાં બીજા પતિને પણ રડવાના દિવસો આવ્યા છે. પરિણીતાએ બીજા પતિ પાસેથી છૂટાછેડા માગી લીધા છે અને તેના પેટે ૩.૫૦ લાખની રકમની ડિમાન્ડ કરી છે.

ભરણપોષણની માગ સાથે પરિણીતા પહોંચી કોર્ટમાં  

આ ચોંકાવનારા કિસ્સામાં કથિત બીજા પતિ પાસેથી પરિણીતાએ પોતાનું અને સંતાનનું ભરણપોષણ મેળવવા અમદાવાદની ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે આ કેસમાં સંબંધિત પક્ષકારોને નોટિસ ઈશ્યૂ કરી છે. બીજા પતિ તરફથી કોર્ટમાં હાજર થયેલા વકીલે એવો દાવો કર્યો છે કે, પરિણીતા નમ્રતાના પિતા બીજા પતિને એવું કહી રહ્યા છે કે, સંતાનમાં દીકરો આવ્યો છે એટલે છૂટાછેડા પેટે ૩.૫૦ લાખ રૂપિયા આપવા જ પડે. જોધપુર વિસ્તારમાં રહેતા બીજા પતિએ પરિણીતા અને તેના પરિવારજનો સામે સેટેલાઈટ પોલીસસ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ પણ કરી છે, જેમાં અગાઉના લગ્નની હકીકત છુપાવી છેતરપિંડી, ઠગાઈ, વિશ્વાસઘાત બદલ પગલાં ભરવાની માગ કરાઈ છે.