Will be power struggle between two brothers in Tamil Nadu elections?
  • Home
  • Election
  • તામિલનાડુની ચૂંટણીમાં બે ભાઈઓ વચ્ચે સત્તા સંગ્રામ ખેલાશે?

તામિલનાડુની ચૂંટણીમાં બે ભાઈઓ વચ્ચે સત્તા સંગ્રામ ખેલાશે?

 | 6:20 am IST
  • Share

સ્નેપ શોટ : મયૂર પાઠક

તામિલનાડુનું રાજકારણ સામી ચૂંટણીએ ફરી પાછું ગરમાયું છે. તામિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી DMKના પૂર્વ પ્રમુખ એમ.કે.અલાગિરીએ નવી રાજકીય પાર્ટી બનાવવાના સંકેત આપતાં તામિલનાડુમાં આગામી ચૂંટણી ભાઈ-ભાઈ વચ્ચેનો રાજકીય સંગ્રામ બની રહેશે તેવું જાણકારોનું કહેવું છે.

તામિલ રાજકારણ કરુણાનિધિની પાર્ટી દ્રવિડ મુનુત્ર કડઘમ (DMK) અને જયલલિતાની પાર્ટી ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનુત્ર કડઘમ (AIDMK) વચ્ચે દાયકાઓથી ફરતું આવેલું છે. પરંતુ આ બંને પાર્ટીઓના વડાઓના નિધન બાદ તામિલનાડુના રાજકારણમાં જાણે ખાલીપો વ્યાપ્યો હોય તેવો માહોલ છે. તામિલનાડુમાં અત્યારે AIDMKની સત્તા છે અને મુખ્યમંત્રી તરીકે પલાનીસ્વામી શાસન કરી રહ્યાં છે. રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી ડીએમકે છે અને તેના નેતા તરીકે એમ.કે.સ્ટાલિન છે જેઓ ડીએમકેના પ્રમુખ પણ છે. ૨૦૨૧ના એપ્રિલ-મે માં જ્યારે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે અત્યારથી જ રાજ્યમાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. રાજકીય હિલચાલના ભાગરૂપે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ડીએમકેના પૂર્વ પ્રમુખ અને સ્ટાલિનના મોટા ભાઈ એવા અલાગિરીએ જાહેર કર્યું છે કે  ૩જી જાન્યુઆરીએ પોતાના સમર્થકો સાથે વિચાર વિમર્શ કરીને નવી પાર્ટીની જાહેરાત કરવાનો નિર્ણય લેશે. અલાગિરીએ કહ્યું હતું કે જો મારા સમર્થકો મને કહેશે કે નવી પાર્ટી બનાવો તો હું એવું જ કરીશ. જોકે, અલાગિરીએ એક વાત સ્પષ્ટ કરી હતી કે મારી નવી પાર્ટી DMKને ટેકો નહિ આપે.

અલાગિરી ડીએમકેના સ્થાપક કરુણાનિધિના મોટા પુત્ર છે. તેઓ કેન્દ્રિય મંત્રી પણ રહી ચૂક્યા છે. પરંતુ રાજકારણમાં સત્તાની સાઠમારીમાં અલાગિરીને કરુણાનિધિના નાના દીકરા અને પોતાના નાના ભાઈ સ્ટાલિન સાથે મતભેદ સર્જાતા ૨૦૧૪માં કરુણાનિધિની હાજરીમાં જ પાર્ટીએ તેમને પાર્ટીના તમામ પદોથી હટાવીને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતાં. અલાગિરીને પાર્ટીમાંથી હટાવવા પાછળ બે ભાઈઓ વચ્ચેનો ગજગ્રાહ મનાય છે. કરુણાનિધિ પછી પાર્ટીની દોર કોના હાથમાં રહે ? તે મુદ્દે બંને ભાઈઓ વચ્ચે સત્તા સંગ્રામ ચાલતો હતો. અલાગિરીની પાર્ટી પર જબરદસ્ત પકડ હતી. પાર્ટીના સંગઠનના કામો અને નિમણુંકોમાં તેમનો પ્રભાવ રહેતો હતો. તેમને પોતાનો બેઝ મદુરાઈ બનાવ્યો હતો અને દક્ષિણ તામિલનાડુ વિસ્તારના તેઓ સંગઠનમંત્રી તરીકે કામગીરી સંભાળતા હતાં. ૨૦૦૮માં તામિલનાડુમા યોજાયેલી ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં અલાગિરીની કામગીરીને કારણે DMKએ ત્રણેય બેઠકો બહુમતીથી જીતી લીધી હતી. ત્યારબાદ ૨૦૦૯૬માં મદુરાઈની લોકસભાની બેઠક પરથી અલાગિરીએ ચૂંટણી લડી હતી જેમાં વિજય મળતાં તેમને યુપીએ ગવર્મેન્ટમાં કેબિનેટ મિનિસ્ટર બનાવાયા હતાં. જોકે, અલાગિરીનું DMKમાં વધતું વર્ચસ્વ તેમના નાનાભાઈ સ્ટાલિનથી સહન થતુ ન હતું. અને પરિણામ બંનેના ટેકેદારો વચ્ચે અવારનવાર અથડામણ થતી હતી. દરમિયાનમાં DMKનું મુખપત્ર સમાન ન્યૂઝપેપર દિનાકરણ દ્વારા કરુણાનિધિના બંને દીકરા અલગારિ અને સ્ટાલિન વચ્ચે સરખામણી કરાઈ હતી અને તેમાં સ્ટાલિન વધારે કુશળ અને પ્રભાવશાળી નેતા છે તેવું બતાવાયુ હતું. જેના પરિણામે અલાગિરીના સમર્થકો અકળાયાં હતા અને દિનાકરણની ઓફિસને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ પણ નીપજ્યા હતાં. આ ઘટના બાદ DMKના બંને ભાઈઓ વચ્ચે મતભેદો વધતા ગયાં અને આખરે જાન્યુઆરી-૨૦૧૪માં અલાગિરીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં. DMKના સ્થાપક પ્રમુખ કરુણાનિધી હંમેશા પોતાના રાજકીય વારસદાર તરીકે સ્ટાલિનને આગળ કરતા હતાં. પરિણામે અલાગિરીને પાર્ટીમાંથી નીકળી જવું પડયુ હતું.

૨૦૨૧માં હવે જ્યારે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે DMK અને તેના નેતા સ્ટાલિન માટે આ ચૂંટણી તેમના રાજકીય અસ્તિત્વ માટેનો મોટો જંગ છે. AIDMKના નેતા જયલલિતાની ગેરહાજરીમાં DMK માટે તામિલનાડુની સત્તા કબજે કરવાનું આસાન રહે તેમ છે. એ સંજોગોમાં DMK ફરી પાછી સત્તા મેળવવા એડીચોટીનું જોર લગાવવાની છે. અત્યારે તામિલનાડુ વિધાનસભાની ૨૩૪ બેઠકોમાંથી AIDMK પાસે ૧૨૪ બેઠકો છે. DMK પાસે ૯૭, કોંગ્રેસ પાસે ૭ અને અન્ય નાની પાર્ટીઓ પાસે બેઠકો છે. સત્તાના આ જંગમાં ડીએમકે અત્યારે હોટફેવરીટ એટલા માટે છે કે છેલ્લા ૧૦ વર્ષથી AIDMK સત્તા પર છે અને એન્ટિઈન્કમબન્સી ફેક્ટરનો લાભ ડીએમકેને મળી શકે તેમ છે.

DMK નું રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન છે આગામી ચૂંટણીમાં પણ આ ગઠબંધન ચાલુ રહે તેવી પુરી શક્યતા છે કારણ કે કોંગ્રેસનો વોટશેર તામિલનાડુમા ભલે ઓછો હોય પરંતુ DMKને સત્તા મેળવવા કોંગ્રેસના વોટશેરની પણ જરૂર છે. આ સંજોગોમાં DMKને કોંગ્રેસનું જોડાણ નક્કી રહેશે. જોકે DMKની પોતાના ઘરમાંથી જ પડકાર મળ્યો છે એ જોતા જો અલાગિરી નવો પક્ષ બનાવીને ચૂંટણીમાં ઉતરશે તો DMK માટે સત્તામાં પાછા ફરવાના ચાન્સ ઘટી શકે છે. કારણ કે DMKમાં પણ અલાગિરીના ઘણાબધા સમર્થકો છે દરમિયાન ચૂંટણીમાં DMKમાંથી જે લોકોને ટિકિટી નહી મળે તેવા લોકો અલાગિરીની પાર્ટીમાં જોડાઈને DMKને મોટું નુકસાન કરી શકે છે.

આ ઉપરાંત પણ તામિલનાડુના રાજકારણમાં આગામી દિવસોમાં ખૂબ મોટા પ્લેયરો ઉતારવાના છે. તામિલનાડુના સુપરસ્ટાર રજનીકાંતે પણ પોતાની રાજકીય પાર્ટી રજની મક્કલ મંડરમ પણ તામિલનાડુની તમામ વિધાનસભાની બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત તામિલનાડુના બીજા સુપરસ્ટાર કમલ હાસને પણ પોતાની પાર્ટી મક્કલ નિધિ મય્યમ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે. કમલ હસનની પાર્ટી ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કરે તેવી શક્યતા છે.

આમ તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય નેતાઓ અને ફિલ્મી સુપરસ્ટારો વચ્ચે સત્તા મેળવવા જંગ ખેલાવાનો છે. ભાજપ સત્તાધારી પાર્ટી AIDMK સાથે મળીને ચૂંટણી લડવાની છે આ ઉપરાંત ભાજપના સૂત્રો રજનીકાંત સાથે સંપર્કમાં છે અને રજનીકાંતની પાર્ટી કઈ રીતે ભાજપના તામિલનાડુના પ્રવેશમાં ઉપયોગી થાય તે અંગે વાતચીતો ચાલી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો