will-mamata-succeed-in-isolating-the-congress
  • Home
  • Columnist
  • એક્સ્ટ્રા કોમેન્ટ: કોંગ્રેસને એકલી પાડી દેવામાં મમતા સફળ થશે?

એક્સ્ટ્રા કોમેન્ટ: કોંગ્રેસને એકલી પાડી દેવામાં મમતા સફળ થશે?

 | 1:53 am IST
  • Share

મુંબઈની મુલાકાત દરમિયાન તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનરજીએ કહ્યું કે, હવે યુપીએ જેવું કંઈ છે જ નહીં. રાહુલ ગાંધીનું નામ લીધા વગર મમતાદીદીએ કહ્યું કે, કોઈ કંઈ કરતું નથી એટલે અમારે બીજાં રાજ્યોમાં જવું પડયું છે

મમતા બેનરજીને ખબર છે કે, કોંગ્રેસ સાથે જવામાં હવે ખાસ કંઈ માલ નથી. એક સમયે કોંગ્રેસ સાથે જે પક્ષો હતા એ ધીમે ધીમે દૂર થતા જાય એવી શક્યતાઓ છે. મમતા બેનરજીની પ્રકૃતિ પણ એવી છે કે એનાથી કોઈનું પ્રભુત્વ સહન થતું નથી

કોંગ્રેસની હાલત ભલે કફેડી રહી પણ કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે એ હકીકત છે. કોંગ્રેસની સરખામણીમાં તૃણમૂલ કોંગ્રેસની હાજરી હજુ પશ્ચિમ બંગાળ અને બીજાં થોડાંક રાજ્યો સિવાય ખાસ ક્યાંય નથી. બીજાં રાજ્યોમાં પણ નોંધપાત્ર હાજરી તો નથી જ. ત્રણ રાજ્ય અરુણાચલ પ્રદેશ, મણીપુર અને ત્રિપુરામાં સમ ખાવા પૂરતી એક એક બેઠક જ છે. મેઘાલયમાં 12 બેઠકો છે. એ બારે બાર સભ્યો હજુ થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી આવ્યા છે. આ ચારેય રાજ્યો સાવ નાનકડાં છે. બંગાળમાં જબરજસ્ત વિજય મળ્યા બાદ મમતા બેનરજી જોરમાં છે. દરેકને સપનાં જોવાનો અધિકાર છે. છેલ્લા થોડા સમયમાં દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં ટીએમસીનો પાયો નાખવા માટે મમતા બેનરજી સક્રિય થયાં છે. મમતા બેનરજીની પાછળ ઇલેક્શન સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરનું ભેજું છે. આવતા વર્ષે 2022માં દેશનાં સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીઓ ઉપર મમતાની નજર છે. મમતાને પણ એ વાતની ખબર છે કે, બીજાં રાજ્યોમાં આપણો ખાસ કંઈ મેળ પડવાનો નથી. રાજકારણમાં રાતોરાત સફ્ળતા મળી જતી નથી એ વાત પણ મમતા સારી રીતે જાણે છે. નવી શરૂઆત કરવામાં શું ગુમાવવાનું છે? આજે બી વાવીશું તો ક્યારેક ફૂલ ખીલશે. માનો કે ફૂલ ન ખીલે તો પણ કોઈ ચિંતા નથી, કારણ કે ત્યાં અગાઉ ક્યાં કંઈ હતું? રાજકારણમાં પણ ઘણી વખત એ થિયરી અપનાવાતી હોય છે કે લાગે તો તીર, નહીં તો તુક્કો.નિયા ઊગતા સૂરજને જ પૂજે છે. સિતારો જ્યારે બુલંદી પર હોય ત્યારે બધા તમારી આગળ પાછળ ફરતા હોય છે. જ્યારે પડતી શરુ થાય ત્યારે નજીક હોય એ પણ હાથ અને સાથ છોડી દે છે. આવું જ કંઇક કોંગ્રેસ સાથે થવા જઇ રહ્યું છે. અલબત્ત, કોંગ્રેસ સાથે જે કંઈ થઇ રહ્યું છે એના માટે કોંગ્રેસ જ જવાબદાર છે. સતત હાર, કારમી પછડાટો અને આંતરિક કલહ છતાં કોંગ્રેસ કંઈ શીખવાનું કે સુધરવાનું નામ જ નથી લેતી. મુંબઈની મુલાકાતે ગયેલાં તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનરજીએ એનસીપીના શરદ પવાર અને શિવસેનાના સર્વેસર્વા ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ એવું કહ્યું કે, યુપીએ જેવું કંઈ છે જ નહીં! મજાની વાત એ છે કે, મમતાદીદી જેમને મળીને આવ્યાં હતાં એ શરદ પવારની પાર્ટી એનસીપી યુપીએનો જ હિસ્સો છે. ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પણ કોંગ્રેસ ભાગીદાર છે. મમતા બેનરજી હજુ થોડા સમય પહેલાં સુધી એવું કહેતાં હતાં કે, બધા સાથે મળીને લડીશું તો જ ભાજપને હંફવવામાં સફ્ળ થઈશું. હવે મમતાદીદી કોંગ્રેસને સાઇડલાઇન કરીને વિપક્ષોને એક કરીને સુકાન પોતાના હાથમાં લેવા માંગતા હોય એવા અણસાર આપી રહ્યા છે.

યુપીએ એટલે કે યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની સ્થિતિ શું છે? 2004માં યુપીએની રચના કરવામાં આવી હતી. બે ટર્મ સુધી એટલે કે 2004થી 2014 સુધી કોંગ્રેસની સરકાર હતી. આ દરમિયાનમાં સાથી પક્ષોની અવરજવર થતી રહી. આજની તારીખે કોંગ્રેસના વડપણવાળા યુપીએમાં 15 પક્ષો છે. બધા પક્ષોની ગણીએ તો લોકસભામાં યુપીએની 90 બેઠકો અને રાજ્યસભામાં 52 બેઠકો છે. યુપીએ સાથે જે મહત્ત્વના પક્ષો છે એમાં તમિલનાડુમાં ડીએમકે, મહારાષ્ટ્રમાં એનસીપી, ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા, ગોવામાં ગોવા ફેરવર્ડ પાર્ટી, કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને બીજા નાના પક્ષો છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસ સરકારમાં ભાગીદાર છે. એનડીએની સ્થાપના સ્વ. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ 1998માં કરી હતી એ સમયે તેર પક્ષો સાથે જોડાયા હતા. આજે એનડીએ સાથે નાનામોટા 27 પક્ષો છે. બાર રાજ્યોમાં ભાજપની એકલાની સરકાર છે અને છ રાજ્યોમાં ભાજપ સરકારમાં ભાગીદાર છે. દેશનાં છ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સત્તામાં છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, ઓડિશામાં બીજુ જનતા દળ, કેરળમાં સીપીઆઇએમ, તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ અને આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસની સરકાર છે. જે લોકો યુપીએ કે એનડીએ સાથે નથી એવા પક્ષોની તાકાત અત્યારે કોંગ્રેસ કરતાં ક્યાંય વધારે છે.

દેશના પ્રાદેશિક પક્ષોનો ઇતિહાસ જોઈએ તો એક વાત ઊડીને આંખે વળગે છે કે, પોતાના રાજ્યમાં જબરજસ્ત વર્ચસ્વ હોય એવા પક્ષો પણ દેશનાં બીજાં રાજ્યોમાં કાઠું કાઢી શક્યાં નથી. હવે મમતા બેનરજી પ્રયાસ કરે છે ત્યારે જોવાનું એ રહેશે કે, એ કેટલું ગજુ કાઢે છે? મમતાદીદીએ યુપીએ વિશે નિવેદન કર્યું એ સાથે જ કોંગ્રેસના આંતરિક રાજકારણમાં પણ હલચલ પેદા થઇ છે. મમતાદીદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર એવું કહ્યું કે, કોઇ કંઈ કરે નહીં તો શું થાય? પ્રશાંત કિશોરે પણ રાહુલ ગાંધીને સીધા જ ટાર્ગેટ કરીને ટ્વીટ કર્યું છે. પ્રશાંત કિશોરે લખ્યું કે, કોંગ્રેસ જે વિચાર અને સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે એ એક મજબૂત વિપક્ષ માટે મહત્ત્વનું છે પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ એક વિશેષ વ્યક્તિનો જ દૈવી અધિકાર નથી, ખાસ કરીને જ્યારે છેલ્લાં દસ વર્ષમાં કોંગ્રેસ 90 ટકા ચૂંટણીઓ હારી છે. તેમણે એમ પણ લખ્યું કે, લોકશાહી ઢબે પક્ષના અધ્યક્ષની પસંદગી થવા દેવી જોઈએ.

આ બધું ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ વધુ એક વખત મેદાનમાં આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, યુપીએ વગરની કોંગ્રેસનો મતલબ આત્મા વગરનું શરીર. તેમણે કોંગ્રેસને પણ યુનિટી બતાવવા કહ્યું.

રાજકારણમાં મમતા બેનરજીનો પાયો કોંગ્રેસમાં જ નખાયો હતો. 23 વર્ષ અગાઉ તારીખ 1 જાન્યુઆરી, 1998માં મમતાદીદીએ કોંગ્રેસથી જુદાં પડીને પોતાના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની રચના કરી હતી. પોતાની તાકાત ઉપર તેમણે બધું ખડું કર્યું છે. ભૂતકાળમાં મમતાદીદી એનડીએ અને યુપીએ એમ બંનેનો હિસ્સો રહી ચૂક્યાં છે. મમતાદીદીની પ્રકૃતિ એવી છે કે, એ કોઇનું પ્રભુત્વ સ્વીકારી શકતાં નથી. એને કોઇની સાથે ન ફાવે એટલે એ ફ્ટ દઇને છેડો ફડી નાખે છે. લોકસભાની ચૂંટણી પહેલાં મમતાદીદીએ વિપક્ષોને ભેગા કરવાનો પ્રયાસ કર્યો હતો પણ એમનો મેળ પડયો નહોતો. બંગાળમાં પણ મમતા અને કોંગ્રેસ સાથે થઈ શક્યાં નહોતાં. ભવિષ્યમાં તો જે થાય એ પણ અત્યારે તો યુપીએના અસ્તિત્વની વાત છેડીને મમતાએ કોંગ્રેસ અને બીજા પક્ષોમાં હલચલ મચાવી છે. કોંગ્રેસ હવે કંઈ કરશે કે હજુ પણ હાથ જોડીને જ બેસી રહેશે? કોંગ્રેસ જે કરે એ પણ મમતાદીદીના તેવર જોતાં એવું લાગે છે કે તેઓ શાંત બેસવાનાં નથી એ નક્કી છે!     

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો