Will the recipe for using reserve oil work?
  • Home
  • Columnist
  • એક્સ્ટ્રા કોમેન્ટ: રિઝર્વ ઓઇલ વાપરવાનો નુસખો કારગત નીવડશે?

એક્સ્ટ્રા કોમેન્ટ: રિઝર્વ ઓઇલ વાપરવાનો નુસખો કારગત નીવડશે?

 | 6:30 am IST
  • Share

  • આપણા દેશની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ કંટ્રોલમાં રાખવા માટે રિઝર્વમાં પડેલું 50 લાખ બેરલ ઓઇલ બજારમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા અને બીજા દેશો પણ રિઝર્વ ઓઇલ બજારમાં ઠાલવવાના છે. આવું કરવાથી કેટલો ફેર પડશે?

  • ભારત, અમેરિકા સહિતના દેશોએ રિઝર્વ ઓઇલ વાપરવાનો નિર્ણય કરતા ઓપેક સહિતના ઓઇલ ઉત્પાદક દેશોના ભવાં તંગ થયા છે. ઓઇલ ઉત્પાદક દેશો મન ફવે ત્યારે પોતાને અનુકૂળ હોય એવા નિર્ણયો લઇ લે એ વાત કેટલી વાજબી છે?

આપણા દેશ સહિત આખી દુનિયાના દેશો અત્યારે મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. મોંઘવારી વધવાનું સૌથી મોટું પરિબળ જો કોઇ હોય તો એ પેટ્રોલ ડિઝલના ભાવ છે. ફ્યુઅલના ભાવ વધે તેની નાની મોટી અસર દરેક ચીજ વસ્તુઓ પર પડે છે. કોરોનાના કારણે દરેક દેશના અર્થતંત્રને ધક્કો પહોંચ્યો છે. તમામ દેશ અર્થતંત્રને પાટે ચડાવીને દોડતું કરવા માટે મથી રહ્યા છે. આવા સંજોગોમાં જો ઓઇલના ભાવ વધતા જ રહે તો હાલત વધુ કફેડી થાય એમ છે.

ઓપેક સહિતના ઓઇલ ઉત્પાદક દેશો પોતાની મુનસફી પ્રમાણે ઓઇલનું ઉત્પાદક વધારતા કે ઘટાડતા રહે છે. તેના કારણે ભાવ વધ-ઘટ થતા રહે છે. ઓઇલ ઉત્પાદક દેશોનું નાક દબાવવાના અને પોતાના દેશમાં મોંઘવારી ઘટાડવાના ઇરાદાથી આપણા દેશે પણ રિઝર્વ ઓઇલ વાપરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા અને જાપાન સહિત બીજા અનેક દેશો પણ રિઝર્વ ઓઇલ બજારમાં મૂકવાના છે.

સવાલ એ છે કે, આનાથી પડી પડીને કેટલો ફેર પડશે? આ કોઇ ઇલાજ છે કે પછી થૂંકનો સાંધો છે? આવા નિર્ણયની ઓઇલ ઉત્ત્પાદક દેશો ઉપર થઇ થઇને કેટલી અસર થવાની છે?

દુનિયાના દરેક દેશ કટોકટીના સમયમાં ઉપયોગમાં લઇ શકાય એ માટે ઓઇલનો સંગ્રહ કરી રાખે છે. તેને એસપીઆર એટલે કે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ કહેવામાં આવે છે. યુદ્ધ અને બીજા ઇમરજન્સી સંજોગોમાં જો ઓઇલની આયાત બંધ થઇ જાય તો રિઝર્વ ઓઇલ કામમાં લાગે એ ઉદ્દેશથી ઓઇલનો જથ્થો સાચવી રાખવામાં આવે છે.

આપણા દેશે 3.8 કરોડ બેરલ ઓઇલ સંગ્રહ કરેલું છે. આપણા દેશમાં ત્રણ સ્થળોએ આ જથ્થો સાચવવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ અને કર્ણાટકના મેંગ્લોર તથા પાદુરમાં ઓઇલ ડેપો આવેલા છે. ચોથો ડેપો ઓડિસાના ચાંદીખોલમાં બની રહ્યો છે. આપણા દેશે 3.8 કરોડ બેરલ રિઝર્વમાંથી 50 લાખ બેરલ બજારમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. સરકાર ઓઇલનો આ જથ્થો દેશની બે ઓઇલ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને મેંગલોર રિફઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડને આપશે.

સરકારના આ નિર્ણયથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો થઇ શકે એમ છે. અલબત્ત, જો સરકાર અને ઓઇલ કંપનીઓ તેના લાભ લોકોને આપવા ઇચ્છતી હશે તો જ એવું થઇ શકશે. બીજી વાત એ છે કે, 50 લાખ બેરલનો પુરવઠો રિલિઝ કરવાથી પડી પડીને કેટલો ફેર પડવાનો છે? આપણા દેશમાં ક્રુડ આઇલનો દૈનિક વપરાશ જ 48 લાખ બેરલ જેટલો છે.

આપણા દેશમાં દિવાળી દરમિયાન પેટ્રોલના ભાવ રૂપિયા સો ઉપરથી પણ આગળ વધી રહ્યો હતો. લોકોમાં ધીમે ધીમે ઉહાપોહ વધતો જતો હતો. આખરે સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝમાં પાંચ રૂપિયાનો અને ડિઝલ પરની એક્સાઇઝમાં દસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તેની સાથે જ દરેક રાજ્યે વેટમાં પણ ઘટાડો કરતા પેટ્રોલના ભાવ ફ્રીથી 100ની અંદર આવી ગયા હતા.

આપણા દેશની જેમ જ અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા સહિત કેટલાંક દેશો પણ રિઝર્વ ઓઇલ બજારમાં મૂકવાનું વિચારી રહ્યા છે. હકીકતે આ અમેરિકાનો જ પ્લાન છે. અમેરિકાએ ઓપેકને એટલે કે ધ ઓર્ગેનાઇઝેશન ઓફ્ ધ પેટ્રોલિયમ એક્સપોર્િંટગ કન્ટ્રીઝને ઓઇલ પ્રાઇઝ ઘટે એવી વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી. ઓપેક તેલ ઉત્પાદક 13 દેશોનું સંગઠન છે.

બીજા દશ ઓઇલ ઉત્પાદક દેશો મળીને કુલ 23 દેશોના જૂથને ઓપેક પ્લસ તરીકે ઓળખવામાં આવે છે. આ દેશો ઓઇલનું ઉત્પાદક વધારતા નથી એટલે ભાવ ત્રણ વર્ષની હાઇએસ્ટ સપાટી સુધી પહોંચી ગયા છે. ઓઇલનો આંતરરાષ્ટ્રીય ભાવ અત્યારે પ્રતિ બેરલ 85 ડોલરની આસપાસ રહે છે. અમેરિકાની દાનત તેને 70 ડોલરની આસપાસ લઇ જવાની છે. ઓપેક પ્લસે અમેરિકાની વાત ન માની એટલે અમેરિકાએ રિઝર્વ ઓઇલ રિલીઝ કરીને તેનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે.

અમેરિકા પાસે દુનિયાનો સૌથી મોટો ઓઇલનો સંગ્રહ છે. એક આખો મહિનો ચાલે એટલું ઓઇલ અમેરિકાએ સંગ્રહી રાખ્યું છે. 1975માં આરબ દેશોએ કેટલાંક પ્રતિબંધો લાદતા ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. એના કારણે અમેરિકાએ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ વ્યવસ્થા કરી હતી. અમેરિકાના લુસિયાના અને ટેક્સાસ કોસ્ટ ખાતે આવેલા ચાર ભંડારમાં 606 મિલિયન બેરલ ઓઇલ સાચવી રખાયું છે. 1975થી માંડીને આજ દિવસ સુધીમાં અમેરિકાએ ત્રણ વખત રિઝર્વ ઓઇલનો ઉપયોગ કર્યો છે.

1991ના ખાડી યુદ્ધ અને 2011માં લિબીયા સાથેના યુદ્ધ વખતે સંગ્રહ કરેલું ઓઇલ વાપરવામાં આવ્યું હતું. 2005માં આવેલા ખતરનાક તોફન કેટરિના પછી ભાવોને કાબુમાં રાખવા માટે ઓઇલ મુક્ત કરાયું હતું. હવે ચોથી વાર અમેરિકા સંગ્રહ કરેલું ઓઇલ વાપરવાનું છે. જોવાનું એ રહે છે કે, અમેરિકાનો આ વ્યૂહ કેટલો કારગત નિવડે છે. એક્સપર્ટોનું માનવું એવું છે કે, રિઝર્વ ઓઇલ વાપરવાના નિર્ણયની કોઇ લોંગ ટર્મ ઈફેક્ટ થવાની નથી. હા, આ રીતે અમેરિકા અને બીજા દેશો ઓપેકની સામે નારાજગી વ્યક્ત કરી શકે છે.

આપણા દેશની સરકારે તો પેટ્રોલ અને ડિઝલના ભાવ કાબુમાં રાખવા પડે એમ જ છે. આવતા વર્ષે દેશના સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. દેશના લોકો અત્યારે મોંઘવારી સહિત અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે પેટ્રોલ ડિઝલના ભાવ નારાજગી પેદા કરી શકે છે. એક્સાઇઝ અને વેટ ઘટાડીને સરકારે લોકોને મોટી રાહત આપી છે.

હવે સરકારે કોઇને કોઇ રીતે ભાવોને નિયંત્રણમાં રાખવા પડશે. પેટ્રોલ અને ડિઝલના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત રહે છે. કોરોનાકાળ દરમિયાન આખી દુનિયાના મોટા ભાગના દેશોમાં લોકડાઉન લગાવવાની નોબત આવી હતી. આતંરરાષ્ટ્રીય અવરજવર પણ બંધ થઇ ગઇ હતી. તેના કારણે ઓઇલની ડિમાન્ડ સાવ ઘટી ગઇ હતી. ડિમાન્ડ ઘટવાના કારણે ઓઇલના ભાવ પણ નીચે આવી ગયા હતા. ભાવ ઓછા હતા ત્યારે આપણા દેશે સંગ્રહ કરવા માટે

ઓઇલની ખરીદી કરી હતી. એપ્રિલ અને મે 2020 દરમિયાન ભારતે એક બેરલના 19 ડોલરના ભાવે 16.71 મિલિયન બેરલ ઓઇલ ખરીદ્યું હતું. ગયા માર્ચ મહિનામાં આપણા દેશે સાઉદી અરેબિયાને ભાવ ઘટાડવા વિનંતી કરી ત્યારે સાઉદી અરેબિયાએ આપણને એમ કહ્યું હતું કે, તમે સસ્તા ભાવે ઓઇલ ખરીદ્યું હતું એ વાપરોને! હવે આપણો દેશ એ જ ઓઇલ વાપરવા કાઢવાનો છે. અમેરિકા, ભારત સહિતના દેશોનો રિઝર્વ ઓઇલ વાપરવાનો નિર્ણયથી ઓઇલ ઉત્ત્પાદક દેશો કૂણા પડશે કે વધુ ઉશ્કેરાશેએ જોવાનું રહેશે!

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો