Will the second innings give Abhishek the desired success?
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું બીજી ઇનિંગ અભિષેકને જોઈતી સફળતા અપાવી શકશે?

શું બીજી ઇનિંગ અભિષેકને જોઈતી સફળતા અપાવી શકશે?

 | 3:01 pm IST
  • Share

સ્કેમ અને બિગબૂલ ઓલમોસ્ટ સરખી વાર્તા ઉપરથી બનેલી ફિલ્મ હતી, પણ સ્કેમ પહેલાં રિલીઝ થઇ એટલે બિગબૂલ ન ચાલી

અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ બોબ બિસ્વાસનું ટ્રેલર લૉન્ચ થઇ ગયું છે. ટ્રેલર પ્રોમિસિંગ લાગી રહ્યું છે. પણ કદાચ તેને મનમાં ડર હશે કે બીજી ફિલ્મોની માફક તેની આ ફિલ્મ પણ લોકો નકારી કાઢશે તો? આમ જોવા જઇએ તો તેના મનમાં આ ડર હોય તો પણ એમાં એનો વાંક નથી, કારણ કે અવારનવાર ટ્રોલ કરતાં લોકો તેની દર નવી ફિલ્મ આવે ત્યારે ફરી તેની હાંસી ઉડાડવાનો એકપણ મોકો જતો નથી કરતાં

અભિષેક સાથે તેની કરિયરની શરૂઆતથી જ સમસ્યા રહી છે કે લોકો તેની સરખામણી અમિતાભ સાથે કરતાં રહે છે. કારણ એ જ કહો કે બીજું કોઇ પણ અભિષેકને ધારી સફળતા નથી મળી. સરળ અને સાલસ સ્વભાવનો આ માણસ સમયાંતરે સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થતો રહે છે. જોકે અભિષેક આ ટ્રોલિંગનો સામનો ઘણી જ સ્વસ્થતાથી કરે છે. એવું નથી કે આટલાં વર્ષોમાં તેણે એક પણ ફિલ્મ સારી નથી કરી, તેની ગુરુ, રાવણ, યુવા, ધૂમ કે બ્લફમાસ્ટરને જોઇએ તો ખ્યાલ આવશે કે તેણે ઘણી સારી એક્િંટગ કરી છે. ઇવન મનમર્ઝિયાંમાં પણ શાંત પતિ અને પ્રેમી તરીકે અભિષેક સારી એક્ટિંગ કરી ગયો હતો. પણ તેનાં નસીબ ખરાબ છે કે તેના પિતા અમિતાભ બચ્ચન છે. લોકો હંમેશાં તેનામાં અમિતાભને શોધવાની મથામણ કરે છે, બે વ્યક્તિઓ, તેમની રીતભાત અને બોલચાલ અલગ હોય જ છે. તમે અમિતાભે કરેલાં કામની આશા અભિષેક પાસે ન જ રાખી શકો. ભલે તે તેનો દીકરો હોય તો પણ. તે જમાનો અલગ હતો, હવેનો યુગ અલગ છે. બીજી સમસ્યા અભિષેક સાથેની એવી છે કે તેના નામે એટલું ટ્રોલિંગ થઇ ચૂક્યું છે કે હવે કદાચ કોઇ ફિલ્મમાં તેણે સારું કામ કર્યું હોય તો પણ તેનું નામ આવતાં ઘણાં લોકો ફિલ્મ જોવા જવાનું ટાળે છે. મનમર્ઝિયાં ફિલ્મ સાથે એવું જ બન્યું હતું.

મનમર્ઝિયાં ફિલ્મમાં અભિષેકની એક્ટિંગ ખરેખર સારી અને રિયલ હતી, પણ તે ફિલ્મ ન ચાલી. લગભગ લોકોનાં મનમાં એ ગાંઠ વળી ગઇ છે કે અભિષેક છે તો ફિલ્મ જોવા નથી જવું. તેનું ફૅન ફોલોઇંગ સલમાન કે શાહરુખ જેવું નથી. સલમાન અને શાહરુખના ફેન્સ એક સમયે તેમની ખરાબ ફિલ્મોને પણ સો કરોડની ક્લબમાં આસાનીથી પહોંચાડી દે છે. આ બંનેનું નામ પડતાં જ લોકો ફિલ્મ જોવા દોડી જાય છે, અભિષેક સાથે એવું નથી. તેના ફેન્સ કરતાં તેની મજાક કરનારા વધારે સંખ્યામાં જોવા મળે છે. અભિષેકે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ મજાકને સરળતાથી લેવી ઘણી અઘરી હોય છે, મારા જીવનમાં પણ એવી મોમેન્ટ આવે છે જ્યારે હું નકારાત્મક્તાથી ભાંગી પડું, પણ મારો પરિવાર હંમેશાં મારી પડખે રહ્યો છે. બસ, તેમનો સાથ જોઇને હું ફરી બેઠો થઇ જાઉં છું. તાજેતરમાં જ અભિષેક અને એશ તેમની દીકરીના જન્મદિવસની ઉજવણી કરવા માલદિવ્સ જઇ આવ્યાં હતાં, લોકો એશઅભીને જોડી તરીકે પસંદ કરે છે પણ વાત તેના કામની આવે ત્યારે તેનાં નસીબ ફરી જાય છે.  

બોબ બિસ્વાસનું ટ્રેલર ખરેખર રસપ્રદ લાગી રહ્યું છે. સીરિયલ કિલર તરીકે અભિષેક કેવો કમાલ કરે છે તે તો ફિલ્મ જોયા બાદ ખબર પડશે, પણ સવાલ એ છે કે ઓડિયન્સે અભિષેકની સફળ બાપના નિષ્ફળ છોકરા તરીકેની જે છાપ ઊભી કરી છે તે જોતાં લાગે કે શું તેની ફિલ્મ ઓડિયન્સ જોશે કે કેમ? આ ફિલ્મને મોટા પડદે રિલીઝ કરવાની હતી પણ લાગે છે કે ડિરેક્ટરને પણ આ પ્રકારનો ભય હોવાથી તેમણે મોટા પડદાને બદલે નાના પડદે રિલીઝ કરવાનું નક્કી કરી નાખ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો