પવનની તાકાત આપણી કલ્પના બહારની! - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

પવનની તાકાત આપણી કલ્પના બહારની!

 | 4:08 am IST

પવન સામાન્ય રીતે વાતો રહે તો એની આપણને ખબરેય પડતી નથી. જરા ઝડપથી વાતો થઈ જાય તો એનો સ્પર્શ આપણને થવા લાગે છે. આપણા કપડાં ફરફરવા લાગે છે. એ પવન મઝાનો લાગે છે. એ જ પવન ચોમાસામાં તોફાની બને છે. ત્યારે એનું જોર એટલું હોય છે કે આપણને રીતસર એનો ધક્કો વાગે છે. એજ પવન જ્યારે વધારે તોફાની બની જાય તો એના રસ્તામાં આવતી વસ્તુઓને એટલા જોરથી ધક્કો મારે છે કે એ ગબડી પડે. એને તોફાની પવનો કહે છે. એની સ્પીડ કલાકના ૧૫૦થી ૨૫૦ કિલોમીટર સુધીની થઈ જાય છે. જરા વિચાર કરો ૧૫૦થી ૨૫૦ કિલોમીટરની ઝડપે દોડતી કાર કે બસની અડફેટમાં આવી જઈએ તો શું થાય? એની સાથે અથડાઈને ક્યાંય ફેંકાઈ જવાય!

પવનનું પણ એવું જ થાય છે. ૧૦૦ કિલોમીટરથી વધારે સ્પીડમાં પવન વાતો હોય ત્યારે એના રસ્તામાં જે આડું આવે તે એના ધક્કાથી ક્યાંતો દૂર ફેંકાઈ જાય છે અથવા આડું પડી જાય છે. મોટા વૃક્ષો હોય એ પવનના આવા જોરદાર ધક્કાથી આડા પડી જાય છે. એના ધરતીમાં ઊંડે સુધી ઉતરેલા મૂળ બહાર ખેંચાઈ આવે છે. ઈંટ સિમેન્ટથી બનાવેલા ઘરમાં તો સામસામે બારી બારણાં ન હોય અને ઉપર પતરાંનું છાપરું હોય તો આવો તોફાની પવન ઘરમાં ઘૂસીને પતરાંના છાપરાને દીવાલોથી જુદું પાડીને પતંગની જેમ અધ્ધર હવામાં ઉપાડી લઈ જાય છે.

આ તોફાની પવન જ્યારે ગોળ ગોળ ચકરડી ફરવા લાગે તો એને ચક્રવાત અથવા વાવાઝોડું કહે છે. એના માર્ગમાં આવનાર વસ્તુઓ પલકવારમાં અદ્ધર ઊંચકાઈ જાય છે અને ગોળ ફરતા પવન સાથે ગોળ ગોળ ફરતી અદ્ધર ચઢવા લાગે છે. પછી ગમે ત્યાં એ ગોળીની જેમ ફેંકાઈ જાય છે. આપણને નજરે દેખાતો સુદ્ધાં નથી એવા પવનની આવી હોય છે રાક્ષસી તાકાત! આ તાકાતના જોરે એ પર્વતના ખડકોને પણ કોતરી શકે છે. આપણે જોયું કે પવન જ્યારે તોફાને ચઢે ત્યારે એની ઝપેટમાં જે આવે તેને અદ્ધર ઊંચકીને દૂર દૂર ફેંકી દે છે. પોતાની સાથે તાણી જાય છે. મોટી વસ્તુઓ તો એની સાથે હવામાં ઊડીને આગળ જતાં પાછી નીચે પછડાઈ જાય છે, પરંતુ નાની નાની વસ્તુઓ અનેક કિલોમીટર સુધી આ તોફાની પવનની સાથે હવામાં ખેંચાતી રહે છે.

રણમાં આવો તોફાની પવન ફૂંકાય ત્યારે એમાં રેતી ભળી જાય છે. રેતી સાથેનો પવન જો તમારા ઊઘાડા શરીર સાથે અથડાતો રહે તો ચામડીમાં કાણા કાણા પાડી દે છે. રેતીનો એક એક કણ ગોળીની જેમ તમારી ચામડીમાં પેસી જાય! વનવગડામાં આવો તોફાની પવન ફૂંકાય તો એની સાથે ધરતી ઉપરનો કચરો, ડાળી-પાંદડા વગેરે ખેંચાઈ જાય છે. એમાં આપણે આડા આવી જઈએ તો તોફાની પવનની સાથે આવતી ડાળીઓ આપણને આખા શરીરે સોળ પાડી દે એવા વાગતા રહે છે. ટૂંકમાં તોફાને ચઢેલા પવનમાં ખેંચાઈ આવતી આવી વસ્તુઓ પવનની તાકાતને અનેકગણી વધારે કરી દે છે. એ પવન પોતાના રસ્તામાં આવતા કાળમીંઢ ખડક ઉપર પણ નાના નાના કાણા પાડતો રહે છે. ઘસતો રહે છે. આ ઘસારો અને કાણા કાળમીંઢ ખડકની સરખામણીમાં તો સાવ ટાંકણીના કાણા કે ઘસરકા જેવા હોય છે. પરંતુ એમ કરતાં કરતાં થોડા વર્ષ પછી ખડકનો એ ભાગ કોતરાઈને નાના નાના ટુકડાઓમાં ખરી પડવા લાગે છે. એ રીતે તોફાની પવનો ખડકોને અનેક દિશામાંથી તોડી-મરોડીને નવા નવા આકાર બનાવી દે છે. આવા તોફાની પવનો સાથે જો તેજાબી વરસાદના ટીપાં પણ હોય તો કોતરકામ વધારે નાટકીય થાય છે. એ વિશે આવતા અઠવાડિયે જોઈશું.