વિન્ડીઝ ૨૧૮ બોલ બાકી રાખીને જીત્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિન્ડીઝ ૨૧૮ બોલ બાકી રાખીને જીત્યું

વિન્ડીઝ ૨૧૮ બોલ બાકી રાખીને જીત્યું

 | 2:42 am IST
  • Share

। નોટિંગહામ ।

મેન ઓફ ધ મેચ ઓશાને થોમસના ઘાતક સ્પેલ બાદ ક્રિસ ગેઇલને નોંધાવેલી અડધી સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ૨૧૮ બોલ બાકી રાખીને સાત વિકેટે હરાવી પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. પાકિસ્તાનની પૂરી ટીમ ૨૧.૪ ઓવરમાં માત્ર ૧૦૫ રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર વિન્ડીઝ ટીમે ૧૩.૪ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૦૮ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાનનો આ બીજો લોએસ્ટ સ્કોર રહ્યો છે. આ પહેલાં પાકિસ્તાને ૧૯૯૨માં એડિલેડ ખાતે ઇંગ્લેન્ડ સામે ૭૪ રનનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો.

ના ચાલ્યા બેટ્સમેન, ના બની કોઇ મોટી ભાગીદારી

પાકિસ્તાની બેટિંગ લાઇન-અપ પ્રારંભિક ઓવર્સથી જ વેરવિખેર થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ સામે તાજેતરની વન-ડેમાં ૩૫૦ પ્લસનો સ્કોર નોંધાવનાર પાકિસ્તાનના એકપણ બેટ્સમેન ઝળક્યા નહોતા. ટીમ માટે બેસ્ટ સ્કોરર ફખર ઝમાન તથા બાબર આઝમ રહ્યા હતા જેમણે ૨૨-૨૨નો સ્કોર નોંધાવ્યો હતો. પાકિસ્તાન તરફથી સૌથી મોટી ભાગીદાર ૧૦મી વિકેટે નોંધાઇ હતી. વહાબ રિયાઝ અને આમિરે ૨૨ રનની ભાગીદારી નોંધાવી હતી. વિન્ડીઝ તરફથી થોમસે ૨૭ રનમાં ચાર, હોલ્ડરે ૪૨ રનમાં ત્રણ તથા રસેલે ચાર રનમાં બે વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ કપમાં ક્રિસ ગેઇલની સર્વાધિક સિક્સરનો રેકોર્ડ

વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ્સમાં મુખ્ય યોગદાન ક્રિસ ગેઇલનું રહ્યું હતું. તેણે ૩૪ બોલમાં છ બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર વડે ૫૦ રન બનાવ્યા હતા. પૂરને ૧૯ બોલમાં અણનમ ૩૪ રન બનાવીને ટીમને વિજય અપાવી દીધો હતો. ગેઇલે તેની ઇનિંગ્સ દરમિયાન વર્લ્ડ કપમાં સર્વાધિક સિક્સરનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો. તેણે વર્લ્ડ કપની ૨૭ મેચમાં કુલ ૪૦ સિક્સર ફટકારી છે. તેણે સાઉથ આફ્રિકાના એબી ડીવિલિયર્સના ૨૩ મેચમાં ૩૭ સિક્સરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. વર્લ્ડ કપમાં રિકી પોન્ટિંગ ૪૬ મેચમાં ૩૧, બ્રેન્ડન મેક્કુલમ ૩૪ મેચમાં ૨૯ તથા સચિન તેંડુલકર ૪૫ મેચમાં ૨૭ સિક્સર ફટકારી ચૂક્યા છે.

બીજી વખત પાક. સૌથી ઓછી ઓવરમાં ઓલઆઉટ

પાકિસ્તાન વન-ડેમાં સૌથી ઓછી ઓવરમાં ઓલઆઉટ થઇ હોય તેવો આ બીજો બનાવ છે. અગાઉ તે ૧૯૯૩માં કેપટાઉન ખાતે વિન્ડીઝ સામે સૌથી ઓછી ઓવરમાં ઓલઆઉટ થયું હતું.

પાક.નો ન્યૂનત્તમ ઓવર્સનો રેકોર્ડ

૧૯.૫ વિ. વેસ્ટ ઇન્ડિઝ, કેપટાઉન,             ૧૯૯૩

૨૧.૪ વિ. વેસ્ટ ઇન્ડિઝ, ટ્રેન્ટબ્રિજ,                             ૨૦૧૯

૨૨.૫ વિ. શ્રીલંકા, લાહોર,                             ૨૦૦૯

વર્લ્ડ કપમાં પાક.નો લોએસ્ટ સ્કોર

૭૪ વિ. ઇંગ્લેન્ડ, એડિલેડ                       (૧૯૯૨)

૧૦૫ વિ. વિન્ડીઝ, નોટિંગહામ                   (૨૦૧૯)

૧૩૨ વિ. ઓસ્ટ્રેલિયા, લોર્ડ્ઝ                    (૧૯૯૯)

૧૩૨ વિ. આયરલેન્ડ, કિંગસ્ટન          (૨૦૦૭)

૧૩૪ વિ. ઇંગ્લેન્ડ, કેપટાઉન                     (૨૦૦૩)

કોટરેલે જમૈકન આર્મીને સેલ્યૂટ કરી

પાકિસ્તાની ઓપનર ઇમામ ઉલ હકને આઉટ કર્યા બાદ વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર શેલ્ડન કોટરેલે પેવેલિયન તરફ મીલિટરી સ્ટાઇલમાં સેલ્યૂટ કરી હતી. ઘણા ઓછા લોકો જાણતા હશે કે તે જમૈકન ડિફેન્સ ફોર્સનો સોલ્જર છે. કોટરેલે જણાવ્યું હતું કે હું આર્મીમાં સોલ્જર છું અને મારી સેલ્યૂટ જમૈકન ડિફેન્સ ફોર્સને આદર આપવા માટે કરી હતી. હું જ્યારે પણ વિકેટ ઝડપીશ ત્યારે ઉજવણી દરમિયાન સેલ્યૂટ કરીશ. હું જ્યારે ટ્રેનિંગમાં હતો ત્યારે છેલ્લા છ મહિનાથી સેલ્યૂટની પ્રેક્ટિસ કરતો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો