શિયાળામાં થતી બીમારીઓની દવા તમારા જ રસોડામાં - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • શિયાળામાં થતી બીમારીઓની દવા તમારા જ રસોડામાં

શિયાળામાં થતી બીમારીઓની દવા તમારા જ રસોડામાં

 | 12:25 am IST

શિયાળાની સીઝનમાં ઘરે ઘરે શરદી-ખાંસી-ઉધરસ જેવી બીમારીઓ જોવા મળે છે. આ બીમારીઓ ફક્ત ઠંડક અને ઠંડા પવનના કારણે થતી હોય છે. તેમાં રાહત મેળવવા માટે મોટાભાગના લોકો શરદી માટે ગોળી અને કફ માટે કફ સિરપ લેતા હોય છે. આ દવાના કારણે તે સમયે તો રાહત મળે છે, પરંતુ ઘણી વખત આ પ્રકારની દવાઓના કારણે શરીરમાં થાક લાગે છે, તથા ઊંઘ આવતી હોય છે. એટલે આ દવાઓ જેટલી ઝડપથી અસર કરે છે, તેટલી તેની આડઅસર પણ થાય છે.

શિયાળામાં થતી નાની-નાની બીમારીઓમાં રાહત મેળવવા માટે દવા લેવા કે ડોક્ટર પાસે જવા કરતાં ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ તમે તે બીમારીઓમાં રાહત મેળવી શકો છો. ઘરગથ્થુ ઉપચાર બીજે ક્યાંય નહીં, પરંતુ તમારા રસોડામાંથી જ મળી રહેશે. રસોડામાં કોઇપણ પ્રકારનો ખોરાક બનાવવા માટે મહત્ત્વના ગણવામાં આવતા મરી-મસાલા દ્વારા તમે શરદી, ખાંસી, કફ, ગળામાં થતી બળતરા, સોજો વગેરેમાં રાહત મેળવી શકો છો. સામાન્ય રીતે માનવામાં આવે છે કે મરી-મસાલાનું સેવન ગરમ પડે. પરંતુ શિયાળામાં આ મરી-મસાલા ઔષધિનું કામ કરે છે.

તમાલ પત્ર

શિયાળામાં તમાલ પત્રનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તમે ખોરાકમાં મસાલાની સાથે તમાલ પત્રનું પણ સેવન કરશો તો તમને શરદી, ખાંસી, ઉધરસ અને નાકમાંથી પાણી નીકળવા જેવી સમસ્યામાં રાહત થશે.

જાયફળ

શિયાળાની સીઝનમાં જાયફળનું સેવન કરવું સારું માનવામાં આવે છે. જાયફળના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કારણ કે તેની તાસીર ગરમ હોય છે, અને ઠંડીની સીઝનમાં તે શરીર માટે ઉત્તમ છે.

કાળા મરી

વાનગીને તીખી અને મસાલેદાર બનાવતા મરીનો પાઉડર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે. તેના સેવનથી શરીરમાં મેટોબોલિઝમ વધે છે. મરી પાઉડરને દૂધ સાથે સેવન કરવાથી શરીરમાં ગરમાવો આવે છે.

તજ

તજનું સેવન શિયાળામાં કરવું જોઇએ, તજ શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, તજને ગરમ પાણી સાથે સવારે પીવાથી વજનમાં ઘટાડો થાય છે, તથા શરદી-ખાંસીમાં રાહત મળે છે.

લવિંગ

શિયાળામાં શરીરના વિવિધ અંગોમાં થતા દુખાવા તથા સોજાની સમસ્યા રહેતી હોય તો તેવી વ્યક્તિએ લવિંગનું સેવન કરવું જોઇએ. તેનાથી શરીરને આરામ મળશે, અને દુખાવામાં રાહત થશે.

ચક્ર ફૂલ

ચક્ર ફૂલનું સેવન ખાસ શિયાળાની ઋતુમાં કરવું જોઇએ. શિયાળામાં ઠંડા પવનના કારણે ગળામાં થતા દુખાવામાં તથા શરદીમાં રાહત મળશે.

કેસર

ઠંડકમાં રાહત મેળવવા ઇચ્છતા હોય તો ગરમ દૂધમાં કેસર નાંખીને તેનું સેવન કરો, તેનાથી તમને ઠંડીમાં રાહત મળશે.

હળદર

આ જાણીતો પ્રયોગ છે, ગરમ દૂધમાં હળદર નાંખીને પીવાથી શરદીમાં રાહત મળે છે. હળદરને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી શરદીના કારણે ગળામાં આવતા સોજામાં રાહત મળે છે. તથા નિયમિત હળદરવાળા દૂધના સેવનથી ચહેરો પણ ગ્લો કરે છે.