કોની સાથે બિઝનેસથી ફાયદો...? ઇરાન કે અમેરિકા? - Sandesh

કોની સાથે બિઝનેસથી ફાયદો…? ઇરાન કે અમેરિકા?

 | 3:29 am IST

વોટ્સએપ કોર્પોરેટઃ કલ્પેશ શેઠ

‘આગળ જઉં તો ખીણ છે અને પાછળ જઉં તો કૂવો..!’ અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધો લાદીને જે શકુનિ પાસાં ફેંક્યા છે તેનાથી ભારતની હાલત આજે આવી જ કફોડી થઇ છે. આ એક એવો સમય છે જેમાં ભારતે કુનેહપૂર્વક કામ લેવું પડશે, કારણ કે જો ઇરાન પાસેથી ક્રૂડતેલની ખરીદી કરીએ તો અમેરિકા સાથેનો એક્સ્પોર્ટ વ્યવસાય બંધ થાય અને જો ઇરાન સાથે સંબંધ બગડે તો મોંઘા ભાવે ક્રૂડતેલ લેવું પડે જે દેશની ઇકોનોમીને ચીંથરેહાલ કરી શકે. જોકે હાલમાં જે સંકેત મળે છે તે અનુસાર ભારત ઔઇરાન પાસેથી ક્રૂડતેલની આયાત સંપૂર્ણ બંધ નહીં કરે એ વાત લગભગ નક્કી છે. આ સમસ્યાના ઉકેલ માટે જ હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે ૨+ ૨ સ્તરની એટલે કે બંને દેશોના વિદેશમંત્રી અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે બંધબારણે બેઠકો કરવાની ફોર્મ્યુલા તૈયાર થઇ છે. જે અંતર્ગત પ્રથમ બેઠક ગત સપ્તાહે યોજાઇ પણ ગઇ..!

અમેરિકાનાં પ્રતિબંધોની જોગવાઇઓને અનુસરે તો ભારતને આગામી નવેમ્બર મહિનાથી ઇરાન પાસેથી ક્રૂડતેલની આયાત બંધ કરવી પડે તેમ છે. હાલમાં ઇરાક, ઇરાન અને સાઉદી ભારતના ક્રૂડતેલના મોટા સપ્લાયરો છે. સાલ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિકમાં ઇરાન પાસેથી ભારતે દૈનિક સરેરાશ ૪,૫૭,૦૦૦ બેરલના હિસાબે ક્રૂડતેલ આયાત કર્યું છે. આમ તો મે મહિનામાં દૈનિક ૭,૭૧,૦૦૦ બેરલના હિસાબે આયાત થઇ હતી પણ ત્રિમાસિકની સરેરાશ ઉપર જણાવ્યા મુજબ રહી છે.  સાલ ૨૦૧૭-૧૮માં આ આંકડો દૈનિક સરેરાશ ૨,૭૯,૦૦૦ બેરલનો હતો. એક વર્ષમાં આયાત બમણી કરવા પાછળનું મુખ્ય કારણ છે આપણને ઇરાનનું ક્રૂડતેલ સસ્તું પડતું હતું. વળી ઇરાન સાથેના વેપારમાં આપણે નાણાંની ચુકવણી રૂપિયામાં કરી શકતા હતા. પરિણામે ડોલરના ભાવ ગમે તેટલા વધે ક્રૂડતેલની ખરીદીમાં આપણને નુકસાન નહોતું. સામા પક્ષે ઇરાન ભારત પાસેથી ચોખા સહિતના ખાદ્યાન્નની ખરીદી કરતું હોવાથી નાણાંની ચુકવણી થઈ જતી હતી. આ ઉપરાંત ઇરાન નાણાંની ચુકવણી માટે લાંબા સમયની ક્રેડિટ તેમજ ભાડામાં ડિસ્કાઉન્ટ જેવી ઓફરો પણ કરતું હોય છે. આમ છતાં ભારતને અમેરિકાના પ્રતિબંધના આદેશ બાદ હાલમાં તેની આયાતમાં દૈનિક ૬૬,૦૦૦ બેરલનો ઘટાડો કરવો પડયો છે. એક તરફ અમેરિકા ભારતને વિનંતી કરીને ઇરાન પાસેથી ક્રૂડતેલની આયાત બંધ કરવા દબાણ કરી રહ્યું છે. ગુરુવારની ૨ + ૨ બેઠક બાદ અમેરિકન અધિકારીએ નિવેદન કર્યું હતું. ઇરાન પાસેથી ક્રૂડતેલની આયાત બંધ કરવા માટે ભારત અને અમેરિકા વચ્ચે વિગતવાર ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ ઇરાન સરકારના પ્રધાન અબ્બાસ અખૌડીએ  જાહેર નિવેદન કર્યું છે કે અમેરિકા જેવા ‘બહારનાં’ દેશોની દખલગીરી પર ધ્યાન આપ્યા વિના એશિયાઇ દેશોએ આપસી મૈત્રીને વધુ મજબૂત બનાવવી જોઈએ. સ્વાભાવિક રીતે જ ઇરાન માટે આ ઇકોનોમીના અસ્તિત્વનો સવાલ છે. કદાચ આ જ કારણ છે કે ઇરાન આગામી એક મહિનામાં તેનું ચબાહર બંદર ભારતીય કંપનીને હસ્તાંતરિત કરવા તૈયાર થયું છે. યાદ રહે કે ઇરાનનું ચબાહર બંદર પાકિસ્તાનના ગ્વાદર બંદરથી માત્ર ૮૦ કિલોમીટરે છે અને ભારતના કંડલા બંદરેથી સીધા દરિયાઇ માર્ગે ચબાહર  બંદરે જઇ શકાય તેમ હોવાથી ભારત માટે તે પાકિસ્તાનને હંફાવવા માટેનો શ્રેષ્ઠ સોદો થઇ શકે તેમ છે. ભારત પણ બે તબક્કામાં ચબાહર બંદરના વિકાસની બ્લૂ પ્રિન્ટ બનાવી ચૂક્યું છે જેમાં પ્રથમ તબક્કામાં ૮૫.૨૧ મિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવાનું અને તેમાંથી વાર્ષિક ૨૨.૯૫ મિલિયન ડોલરની આવક ઊભી કરવાનું આયોજન છે. આગામી ૧૦ વર્ષના ભાડાપટ્ટે આ સોદો નક્કી કરાયો છે. આ ઉપરાંત ર્પિશયન ગલ્ફમાં ફર્ઝદ-બી ગેસ ફિલ્ડના વિકાસ માટે પણ ભારતને આમંત્રણ આપી ચૂક્યું છે. આ બધા મુદ્દાઓને ભારત બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ગણી શકે.

સામા પક્ષે અમેરિકા સાથે થયેલી મિટિંગ બાદ સુષમા સ્વરાજે કરેલું નિવેદન એવા સંકેત આપે છે કે, ભારતને ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપની મેમ્બરશિપ, H1Bવિઝાનો પ્રશ્ન પીપલ-ટુ-પીપલ પાર્ટનરશિપ, ત્રાસવાદ તથા UNમાં ભારતના મુદ્દાઓને સમર્થન જેવા મામલાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. એમ તો હવે બંને વિદેશમંત્રીઓ વચ્ચે નવી હોટલાઇન સેવા પણ શરૂ કરવામાં આવી છે.

આમ હાલમાં ભારતને અમેરિકા સાથે સંબંધ રાખવા કે ઇરાનને તકલીફમાં મદદ કરવી એ બેમાંથી વચગાળાનો માર્ગ અપનાવવાનો રહેશે. આમ છતાં ઘરઆંગણે ડોલરના ભાવ, ક્રૂડતેલની તેજી અને પાકિસ્તાનને ચૂપ કરવાની વ્યૂહરચનામાં અમેરિકા કેટલું કૂણું પડે છે કે શું નવી ઓફર કરે છે તેના પર મોટો મદાર રહેશે.