NRI દ્વારા વિદેશ લઈ જવાના બહાને લગ્ન કરીને પોલીસ પુત્રી સાથે છેંતરપિંડી - Sandesh
  • Home
  • Gujarat
  • NRI દ્વારા વિદેશ લઈ જવાના બહાને લગ્ન કરીને પોલીસ પુત્રી સાથે છેંતરપિંડી

NRI દ્વારા વિદેશ લઈ જવાના બહાને લગ્ન કરીને પોલીસ પુત્રી સાથે છેંતરપિંડી

 | 7:23 pm IST

જામનગરના એલસીબીમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીની પુત્રી સાથે લગ્ન કરીને વિદેશ લઈ જવાના બહાના હેઠળ દહેજના નામે પ્રથમ રૂ.1 લાખ અને બાદમાં 3 લાખ પડાવી લીધા હતાં અને પત્નિને વિદેશ ન લઈ જઈને છેંતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં પોલીસ હેડકવાટર્સમાં રહેતા અને જામનગર એલસીબીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં લક્ષ્મણભાઈ જીવાભાઈ ભાટીયાની પુત્રી મનિષાબેન (ઉ.વ.29) નામની યુવતીના લગ્ન તા.14/3/17ના રોજ ઉપલેટામાં બજરંગ રોડ પર, જેરામ હોલની બાજુમાં રહેતાં મેહુલ ગોવિંદભાઈ સુવા સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતાં. તે અમેરીકા રહેતા હોવાથી જે તે વખતે મનિષાબેનને અમેરીકા લઈ જવાની શરત મુકી હતી.

લગ્ન બાદ મનિષાબેન પાસેથી વિઝા કઢાવવા માટે પતિ મેહુલ અને સાસુ લક્ષ્મીબેને દહેજ પેટે પ્રથમ રૂ.1 લાખ અને બાદમાં કટકે કટકે રૂ.3 લાખ પડાવી લીધા હતાં. જે બાદ પતિ અમેરીકા જતો રહ્યો હતો અને પત્નિ તેણીના સસરાના ઘરે હતી. જ્યાં સાસુ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી તેણી જામનગર તેણીના પિતાના ઘરે ચાલી આવી હતી. ફોન ઉપર અવાર-નવાર પતિ સાથે અમેરીકા લઈ જવાની વાતચીત ચાલતી હતી. પરંતુ પતિ મેહુલ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળતો ન હતો. જેથી મનિષાબેને વિઝા અંગેની તપાસ કરાવતાં તેણીને ખબર પડી કે, તેણીને અમેરીકા જવાના વિઝાની અરજી પણ રદ કરી નાંખવામાં આવી છે. જેથી તેણીએ પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે છેંતરપિંડી અને વિશ્વાસઘાત સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઈ એમ.એલ.આહિર ચલાવી રહ્યા છે.