'વો કૌન હૈ, વો કૌન હૈ, જો રૂઠ જાતી હૈ? ચીજ વો નાજુક બડી હૈ ટૂટ જાતી હૈ?...' - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ‘વો કૌન હૈ, વો કૌન હૈ, જો રૂઠ જાતી હૈ? ચીજ વો નાજુક બડી હૈ ટૂટ જાતી હૈ?…’

‘વો કૌન હૈ, વો કૌન હૈ, જો રૂઠ જાતી હૈ? ચીજ વો નાજુક બડી હૈ ટૂટ જાતી હૈ?…’

 | 12:07 am IST

ફ્લિમની ચિલમ  : સલિલ દલાલ

ફિલ્મોના કલાકારો અને કસબીઓ સમક્ષ ‘નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા’ ખુલ્લું મૂકતાં તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક રસપ્રદ વાત કહી. તેમણે ઇઝરાયલના વડાપ્રધાન સાથેની ખાનગી મુલાકાત દરમિયાન ‘ઇચ્ચકદાના બીચ્ચકદાના…’ નો અર્થ ખબર નહીં હોવા છતાં ઇઝરાયેલી પ્રાઇમ મિનિસ્ટરે એ ગાયન ગાયું હતું. એ પછી મોદી સાહેબે ઉમેર્યું, “મુઝે ભી ‘ઇચ્ચકદાના…’કા મતલબ માલુમ નહીં હૈ…”! પ્રધાનમંત્રીના હાસ્ય સાથે ઓડિયન્સને પણ હસ્યું. ત્યારે હિન્દી સિનેસંગીતના ગાંડા પ્રેમી તરીકે આનંદ થાય કે ૧૯૫૫નું એ ગાયન ૬૦ વરસ પછી પણ દેશ-વિદેશમાં સૌની જીભે રમતું હોય એ શંકર-જયકિશનની ધૂનની કેવી અદ્ભુત કમાલ કહેવાય! ‘શ્રી ૪૨૦’માં હસરત જયપુરીએ લખેલા એ શબ્દોનો અર્થ આજે પણ ખબર ના હોય છતાં સ્મૃતિપટમાં તેની જગ્યા અનામત રહી હોય તો તેના અનોખા પ્રારંભિક બોલ ઉપરાંત તેમાંના ઉખાણાં અને ઉકેલની મઝાનો પણ મોટો ફળો નથી લાગતો?

સિનેમા એ સમાજનું પ્રતિબિંબ પાડવાનું પણ કામ કરે છે અને ઉખાણાં પણ, એક સમયે, બાળકો માટે વેકેશનમાં રમવાની પ્રિય રમત હતી. રાત્રે અગાશીમાં ચાંદામામાના અજવાળે ઠંડા ગોદડામાં છોકરાં બેઠાં હોય અને દાદીમા કોઇ ઉખાણું પૂછે. તેમાં ઘણીવાર છેલ્લે આવે, “ચતુર કરો વિચાર” અથવા “રાજા પૂછે રાણીને કયું જનાવર જાય?” એ દિવસોમાં વર-કન્યા પણ એકબીજાની પસંદગી કરતાં ‘વરત’ પૂછીને સામા પાત્રની બુદ્ધિની પરીક્ષા કરી લેતાં. તેથી આ ગાયનની શરૂઆતના શબ્દોમાં દાણાથી ભરપૂર ‘દાડમ’ વિશેના ઉખાણાંની વાત છે. તેમાં “અહીં દાણા, વચ્ચે દાણા, દાણા ઉપર દાણા…” હોય એવું શું છે? તેમાં ‘ઇચ્ચક’ એ ‘ઇધર’નો રિધમિક અપભ્રંશ છે. આ ઉખાણું હસરત જયપુરીનાં બેનને સ્કૂલમાં આ જ શબ્દો સાથે શીખવાડાતું. તેમણે એ ધ્રુવ પંક્તિ બનાવી અને પછી રોમાન્સના એ કવિએ પ્રાસ બેસાડવા તેમાં બીજી લાઇન લખી “છજ્જે ઉપર લડકી નાચે, લડકા હૈ દીવાના….” ! શબ્દો અને ધૂનની મઝામાં કોઇ વિચારતું નથી કે પહેલા ધોરાણનાં બાળકોને ‘લડકા-લડકી’ના નાચની વાત કહીને ‘અનાર’નો ‘અ’ શિક્ષિકા (નરગીસ) કેમ કેમ શીખવે છે? પણ આ પંક્તિ રોમાન્સના શાયરનો સ્ટેમ્પ એવો લગાવે છે કે કવિપ્રેમીઓને સમજાઇ જાય કે આ ઇન્ટરેસ્ટિંગ પંક્તિ હસરત સાહેબે જ લખી હોય. તેમની કવિતાઓની સહજ મુલાયમતા અંતરામાં મકાઇની ઓળખમાં વળી નવા જ આયામો લઈ આવે છે.

વિચાર તો કરો, ‘મકાઇ’ માટેનું આવું વર્ણન ક્યાં જોવા મળ્યું હશે? “હરી થી મન ભરી થી, લાખ મોતી જડી થી, રાજાજી કે બાગ મેં દુશાલા ઓઢે ખડી થી…” મકાઇમાંના દાણાને મોતીની ઉપમા તો કોઇપણ આપે. પરંતુ, દાણા ઉપરના લીલા/ક્રીમ કલરના પાંદડાઓને ‘શાલ ઓઢીને ઊભેલી સ્ત્રી’ની કલ્પના તો હસરત સાહેબ જ કરી શકે! એટલું જ નહીં, મકાઇ ખાતાં દાંતમાં ભરાતા તેના રેશાઓ માટે એ લખે છે, “કચ્ચે પક્કે બાલ હૈ ઉસકે…”! તો ‘મોર’ માટેનું વરત શરૂ જ આમ થાય છે, “એક જાનવર ઐસા જિસ કી દુમ પે પૈસા…” મોરના પીંછામાં આંખ જેવી ડિઝાઇનનો વર્તુળ આકાર હોય છે, તેને જૂના જમાનાનો કાણાવાળો પૈસો (કાણિયો પૈસો) કલ્પવાનો અને કલગીને “સર પે હૈ તાજ ભી, રાજાજી કે જૈસા…” એમ કહેવાનું, ભૈ વાહ!

‘ઇચ્ચક દાના’ અગાઉ આવાં ઉખાણાં પૂછતાં ગાયનો આવ્યાં હતાં કે કેમ એ સંશોધનની રીતે ચકાસવાનો પ્રશ્ન રહે. પરંતુ તેના પછી એવી રચનાઓ આવતી જ રહી હતી. જો ‘શ્રી ૪૨૦’માં હસરત જયપુરીએ કોયડાઓનું ગીત લખ્યું, તો શૈલેન્દ્રએ ‘સસુરાલ’માં એક અલગ જ પ્રકારના ‘સવાલ-જવાબ’નું ગીત આપ્યું. તેમણે પ્રશ્નનો ઉત્તર પ્રશ્નમાં જ આપવાનો એવી શરતવાળું ગાયન લખ્યું. તેમાં “એક સવાલ મૈં કરું, એક સવાલ તુમ કરો…” એવી ચેલેન્જ પછી “હર સવાલ કા સવાલ હી જવાબ હો…” એવી અઘરી શરત હતી. મતલબ કે જે સ્થિતિ સવાલમાં કહેવામાં આવી હોય એવી જ સિચ્યુએશન જવાબવાળા સવાલમાં હોવી જોઇએ. જેમ કે રફી-લતાના એ ગાયનમાં એક પાત્ર પૂછે, “ઉજિયારે મેં જો પરછાઇ પીછે પીછે આયે, વહી અંધેરા હોને પર ક્યોં સાથ છોડ છુપ જાયે?…” એટલે તેનો સામો સવાલ આવો આવે, “સુખ મેં ક્યોં ઘેરે રહતે હૈં અપને ઔર પરાયે, બુરી ઘડી મેં ક્યોં હર કોઇ દેખ કે ભી કતરાયે?” એ જ શૈલેન્દ્રએ ‘મેરા નામ જોકર’માં પણ મુકેશ અને લતા મંગેશકરના સ્વરમાં “તીતર કે દો આગે તીતર, તીતર કે દો પીછે તીતર, બોલો કિતને તીતર?” આપ્યું હતું. પરંતુ, સ્કૂલોમાં તોફની છોકરાઓ તો શિક્ષકો મેદાનમાં ભેગા થયા હોય ત્યારે ‘તીતર’ને બદલે ‘ટીચર’ કરીને ગાતા, “ટીચર કે દો આગે ટીચર, ટીચર કે દો પીછે ટીચર, બોલો કિતને ટીચર?”!

એ જ રીતે, મ્યુઝિકને કારણે પણ સુપરહિટ થયેલી ફ્લ્મિ ‘મિલન’માં આનંદ બક્ષીએ “સાવન કા મહિના પવન કરે…”થી માંડીને “મુબારક હો સબ કો સમા યે સુહાના…” જેવાં ગાયનો ઉપરાંત ભગવાન મહાદેવના વર્ણનનું કોયડા ગીત “બોલ ગોરી બોલ તેરા કૌન પિયા?…” પણ લખ્યું હતું. તે ગાયનમાં બધી નિશાનીઓ પછી શિવજીને ઓળખી કાઢતાં છેલ્લે મુકેશના સ્વરમાં પુછાય છે, “અચ્છા વોહી દર દર કા ભિખારી?” ત્યારે એ સવાલના જવાબમાં લતા મંગેશકર ગાય છે, “હાં… વો હૈ ભિખારી ઠીક, લેકે ભક્તિ કી ભીખ, બદલે મેં જગત કો મોક્ષ દિયા…” અને એ ગીતની દાર્શનિક ઊંચાઇ વધી જાય છે. તો આનંદ બક્ષી અને લક્ષ્મી-પ્યારેની એ જ બેલડીએ ‘અન્જાના’માં ફ્રી એકવાર મુકેશ-લતાની જોડી પાસે ગવડાવ્યું આ કોયડા ગીત “વો કૌન હૈ, વો કૌન હૈ?..” તેમાં શબ્દોના પ્રાસ બેસાડવાની બક્ષીજીની કળા જવાબના વિકલ્પો રજૂ કરતાં સરસ રંગ લાવે છે.

એ ગીતનો પહેલો પ્રશ્ન છે, “વો કૌન હૈ, વો કૌન હૈ, જો રૂઠ જાતી હૈ? ચીજ વો નાજુક બડી હૈ ટૂટ જાતી હૈ?…” અને તેના ઓપ્શન સાથે કન્યા પૂછે છે એ સવાલ-જવાબ આમ છે, ‘પ્રીત?’ “નહીં”, ‘રીત?’ “નહીં”, ‘ડોરી?’ “ડોરી નહીં ગોરી…!” (એક યુવતીને ‘ચીજ’ કેમ કહી? એવાં ઉખાણાં ફ્લ્મિી કવિઓને પૂછવાં નહીં!) દરેક વખતે અપાતા મલ્ટિઓપ્શનના આ ગાયનમાં છેલ્લે ફ્લ્મિનું શિર્ષક લાવી આપવા બક્ષીબાબુ આવા શબ્દો લઈ આવે છે, “વો કૌન હૈ, વો કૌન હૈ, સબ કો સમઝાતા હૈ, રાસ્તા ખુદ અપને ઘર કા ભૂલ જાતા હૈ?…” તેના ઉત્તરની સંભાવનાઓ આમ વ્યક્ત થાય છે, ‘ધારા?’ “નહીં”, ‘તારા?’ “નહીં”, ‘ઇશારા?’ “નહીં”, ‘દીવાના?’ “દીવાના નહીં અન્જાના…!”

જો કે રમતિયાળ શબ્દો સાથે ગીતો લખતાં આનંદ બક્ષી ગમતા હોવા છતાં પહેલીઓ બુઝાવવાનું અમારું ગમતું ગીત તો રાબેતા મુજબ ગુલઝાર સાહેબનું જ લખેલું છે. તેમણે ઋષિકેશ મુખર્જીની ‘આશીર્વાદ’માં લખેલા ઉખાણાં-ગીત “સાફ કરો, ઇન્સાફ કરો, ભૈ ભૂલભૂલૈયા માફ કરો…”માં ‘પુરુષોને ઉગતી દાઢી’ને લગતો કોયડો આમ રજૂ કર્યો હતો, “કઈ બરસ તો કભી ન આયે, ઔર આયે તો ફ્રિ કભી ન જાયે, કાટો ફ્કો ફ્રિ આ જાયે, બુઝે કોઇ યે બતલાયે…” એ ગીતના શબ્દો ઉપરાંત તેમાં અશોક કુમારનું નર્તન જુઓ કે આખી ફ્લ્મિમાં તેમનો બેમિસાલ અભિનય જુઓ તો થાય કે તેમને ‘શ્રેષ્ઠ અભિનેતા’ના તે સાલના ત્રણેય પ્રતિષ્ઠિત પુરસ્કાર (નેશનલ એવોર્ડ, ફ્લ્મિફ્ર એવોર્ડ અને બેંગાલ ફ્લ્મિ જર્નાલિસ્ટ એસોસિએશન એવોર્ડ) મળ્યા તે કેટલા બધા યોગ્ય હતા! આ ગાયનમાં ગુલઝાર જે રીતે ચેલેન્જ આપે છે તે પણ મઝાની છે.

ઉખાણાંનો જવાબ ના આપી શકે તેને માટે ‘ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા’ જેવો શબ્દપ્રયોગ ગુલઝાર ઉપયોગમાં લાવે છે. ગીતમાં પ્રશ્નકર્તા મહિલાઓના સવાલના જવાબ શોધતા સૌને ઠાવકાઇથી પુછાય છે, “ક્યું કલંદર, બનોગે બંદર? ચુલ્લુ ભર કાફી ના હો તો લાઉં સમંદર?” એવા સવાલ-જવાબનાં ઉખાણાયુક્ત ગાયનો કદાચ આવવાં બંધ થઈ ગયાં છે. કેમ કે આજનાં બાળકો માટે (અને મોટેરાં માટે પણ!) રમવું હોય તો ‘કેન્ડી ક્રશ’ જેવી ‘સ્માર્ટ’ રમતો ક્યાં નથી? અને ‘ગૂગલ’ છે તો પછી યાદ રાખવા કે યાદ કરવા મગજ કસવાની મહેનત શું કામ કરવી?! શું લાગે છે?

તિખારો!  

રણવીર સિંગ જે પ્રકારની વિચિત્ર ડિઝાઇનોવાળાં અને રંગબેરંગી તડક-ભડક કપડાં પહેરે છે, એ જોતાં લાગે કે તેનું શોપિંગ ડ્રેસ મટીરિયલની દુકાનમાંથી નહીં પણ ચાદરો અને પડદા વેચતી ફર્નિશિંગની દુકાનોમાંથી થતું હશે!!

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન