જામનગરઃ પુત્ર સાથે માતાએ કર્યું અગ્નિસ્નાન, પુત્રનું સારવાર દરમિયાન મોત - Sandesh
  • Home
  • Gujarat
  • જામનગરઃ પુત્ર સાથે માતાએ કર્યું અગ્નિસ્નાન, પુત્રનું સારવાર દરમિયાન મોત

જામનગરઃ પુત્ર સાથે માતાએ કર્યું અગ્નિસ્નાન, પુત્રનું સારવાર દરમિયાન મોત

 | 7:54 pm IST

જામનગરના દરેડમાં રહેતા પરીવારમાં કબાટ લેવા બાબતે થયેલી બોલાચાલી બાદ, સોમવારે માતાએ પુત્રી અને પુત્ર સાથે અગ્નિ સ્નાન કરી લીધું હતું. જેમાં બાળકીનું મોત નિપજ્યા બાદ માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં સારવારમાં માતા-પુત્રનું મોત નિપજતા પરીવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે મૃતક માતા સામે હત્યા અને હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધી છે.

પ્રાપ્ત વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડ ગામના વતની અને હાલ જામનગરના દરેડમાં મસીતીયા રોડ આલ્ફા સ્કુલની પાછળ ભાડાની ઓરડીમાં રહેતા કંચનબેન રામભાઈ ચાંડપા(ઉ.વ.ર૭) નામની વણકર પરિણિતાને કપડા રાખવાના કબાટ બાબતે સસરા સાથે બોલાચાલી થઈ હતી. જેથી માઠુ લાગી આવતા ગઈકાલે કંચનબેને પોતાના શરીરે તેમજ પુત્ર નિર્મલ(ઉ.વ.૮) અને પુત્રી કિંજલ(ઉ.વ.પ) પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દેતા ત્રણે માતા-પુત્ર અને પુત્રી સળગવા લાગ્યા હતાં. બાળકો બુમો પાડવા લાગતા લોકો એકઠા થઈ ગયા હતાં. પંચ બી ડિવિઝનના પીએસઆઈ જે.બી.ખાંભલા તેમના સ્ટાફ સાથે દોડી ગયા હતાં.

જ્યાં ગંભીર રીતે દાજી ગયેલી પ વર્ષની પુત્રી કિંજલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે માતા-પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે મૃતક બાળકીનો કબ્જો સંભાળીને પી.એમ.માટે મોકલી આપ્યો હતો. પોલીસે માતા કંચનબેન સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધ્યો હતો. જ્યારે સારવાર દરમ્યાન મોડી રાત્રીના કંચનબેનનું સારવારમાં મોત નિપજ્યું હતું, અને આજે સવારે પુત્ર નિર્મલનું પણ મોત નિપજતા ત્રણેય માતા-પુત્ર અને પુત્રીના મોત નિપજતા પરીવારમાં શોક વ્યાપી ગયો છે.