Woman who got heart of Surat Man, Calls his Parents to Ukraine
  • Home
  • Featured
  • સુરતી યુવાનનું ઋણ ચૂકવવા માટે યુક્રેનની યુવતીએ કર્યું આ કામ

સુરતી યુવાનનું ઋણ ચૂકવવા માટે યુક્રેનની યુવતીએ કર્યું આ કામ

 | 7:42 pm IST

સુરત નજીક આવેલાં કામરેજના શ્યામનગર સોસાયટીમાં રહેતાં રવિ ઠાકારશીભાઈ દેવાણીનું એપ્રિલ 2017માં એક્સિડન્ટ થયા બાદ બ્રેઈન-ડેડ જાહેર થતાં હૃદય સહિતનાં અંગોનું દાન કરવામાં આવ્યું હતું. રવિના હૃદયને તે વખતે 87 મિનિટમાં સુરતથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુક્રેનની નતાલીયા ઓમેલચુકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. રવિના હૃદય સાથે જીવતી નતાલીયાએ રવિના માતા પિતાને યુક્રેન બોલાવ્યા હતાં. દીકરાના હૃદય સાથે જીવતી નતાલીયાને મળીને રવિના માતા-પિતાની આંખોમાં હર્ષ સાથે ગર્વના આંસુઓ સરી પડ્યાં હતાં. નતાલિયાએ રવિના માતા-પિતાને યુક્રેનનો પ્રવાસ કરાવ્યો હતો.

મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકના સાળવા ગામના વતની ઠાકરશીભાઈ અને તેમની પત્ની લીલાબેનને રવિના હૃદય સાથે જીવતી નતાલિયાએ યુક્રેન બોલાવ્યાં હતાં. તેમનું આદર સત્કાર અને સન્માન કરવાની સાથે સાથે યુક્રેનનો પ્રવાસ કરાવ્યો હતો. નતાલિયામાં રવિને જોતાં ઠાકરશીભાઈ અને લીલાબેનનું હ્રદય ગદગદીત થઈ ગયું હતું. અને દીકરાના હૃદયનું દાન કરીને બીજાના જીવનમાં ખુશીઓ પાથર્યાનો અહેસાસ કર્યો હતો.

6 એપ્રિલ 2017ના રોજ અમદાવાદ ખાતે ગાય સાથે અકસ્માત નડયાં બાદ બેભાન થયેલા ઇન્સ્યુરન્સ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની ફરજ બજાવતાં અને અમરેલીના વતની એવાં રવિને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. રવિની સારવાર સુરતના પરવત પાટીયા સ્થિત હોસ્પિટલમાં ચાલતી હતી, પરંતુ તેમાં કોઈ સુધારો ન થતાં પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. જેમાં રવિનું હૃદય સુરતથી 269 કિલો મીટરનું અંતર કાપી 87 મિનિટમાં યુક્રેનની યુવતીમાં મુંબઈની હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આ સાથે કિડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુદાન કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન