સ્ત્રી શા માટે પુરુષ બનવા માગે છે? - Sandesh
 • Home
 • Supplements
 • Stree
 • સ્ત્રી શા માટે પુરુષ બનવા માગે છે?

સ્ત્રી શા માટે પુરુષ બનવા માગે છે?

 | 1:22 am IST

દાંપત્ય  । વર્ષા રાજ

અનેક સામાજિક પરિવર્તનોના આ સમયમાં સ્ત્રીઓ પોતાના શિક્ષણ, સમજશક્તિ અને દૃઢતાના સહારે નવી કેડીઓ કંડારી ચૂકી છે. હવે સ્ત્રી અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપવા માંડી છે. છતાં ઘણી સ્ત્રીઓને એમ લાગે છે કે તે પુરુષ હોય તો વધુ સારો દેખાવ કરી શકી હોત! સ્ત્રીઓને આમ વિચારવા પાછળ ઘણાં કારણો છે. આમાંના કેટલાંક કારણો સૌને સમજાય એવા છે. એ કારણો નીચે મુજબ છે.

 • જાતીય સંભોગ સમયે ઘણાં પુરુષો પોતાની પત્નીઓ સાથે ઓછા સંવેદનશીલ બની જાય છે. તેઓ પોતાની પત્નીના મુખેથી ‘ના’ સાંભળવાનું પસંદ નથી કરતા. પત્ની નાદુરસ્ત કે થાકેલી હોય તો પણ તેઓ તેના પર ધ્યાન નથી આપતા. શિક્ષિત કે અશિક્ષિત પુરુષો-બંનેની પોતાની પત્નીઓ તરફની દૃષ્ટિ આ પ્રકારની જ હોય છે. પુરુષોને પોતાના લાગણીહીન વર્તનનો કોઈ અહેસાસ પણ નથી હોતો.
 • પુરુષો ઘરમાં જે ધારાધોરણો નક્કી કરે છે તે ફક્ત પોતાની સગવડ મુજબ નક્કી કરે છે. તેમાં તેઓ પત્નીની અગવડ-સગવડનો વિચાર કરતા નથી.
 • પુરુષો પોતાની ઇચ્છા કે આદેશનો તરત અમલ ઇચ્છે છે. તેનાથી ઘરના બીજા સભ્યોને તકલીફ પડે છે કે કેમ તે તેઓ વિચારતા નથી.
 • પુરુષોને પોતાના ખર્ચ જેવા કે પાન, સિગારેટ, દારૂ વગેરે પર કોઈ નિયંત્રણ રાખવું પસંદ નથી હોતું, પરંતુ પત્નીના પોતાના શોખ પર ખર્ચાના નાણાં તેઓને વ્યર્થ ખર્ચ લાગે છે.
 • પુરુષોને એવું લાગે છે કે, સ્ત્રીઓને રસોઈ સિવાય કશું આવડતું નથી. બહારના લોકો સ્ત્રીની આવડતના વખાણ કરે છે, પરંતુ પતિ નથી કરતા.
 • કેટલીક પત્નીઓ પોતાના પતિને શાણા માને છે, પરંતુ બાકીની પત્નીઓ તેઓના પતિને કાચા કાનના, બિનવ્યવહારુ અને વધુ પડતા સ્ત્રી-દાક્ષિણ્યવાળા માને છે.
 • ઘણી પત્નીઓ પોતાના પતિદેવોને માવડિયા ગણે છે. કારણ કે તેઓના પતિદેવો પોતાની માતાને હંમેશા વધુ મહત્ત્વ આપતા હોય છે. આ મંતવ્ય આપનારી સ્ત્રીઓમાં ઘણી સોશિયલ-વર્કર્સ, ઓરેટર્સ, લેખિકાઓ, બેન્ક-કર્મચારી મહિલાઓ અને શિક્ષિકાઓનો સમાવેશ થાય છે.
 • જો પુરુષોને તેઓની પત્નીઓની આ વાતો જણાવવામાં આવે તો તેઓ તેની સાથે સહમત થતાં નથી. તેઓ આ આક્ષેપોનો શું જવાબ આપે છે તે જોઈએ.
 • પુરુષોના કહેવા મુજબ તેઓમાં સેક્સ અંગેનો દુરાગ્રહ એ ખોટી માન્યતા છે. પુરુષોનું કહેવું છે કે, તેઓની ઇચ્છા હોય ત્યારે પત્નીઓ સહેલાઈથી સહકાર નથી આપતી. સ્ત્રીઓ તેઓનો ભાવનાત્મક રીતે ગેરલાભ લે છે. તેઓ પોતાની માગણીઓ પૂરી કરાવે છે. શું આ યોગ્ય છે? શું તેઓ સહકાર આપે તે બંનેના લાભમાં નથી?
 • બીજા એક પતિનું કહેવું છે કે, જ્યારે તેઓ આખો દિવસ ઓફિસમાં કામ કરીને થાકેલા ઘરે આવે છે ત્યારે તેઓની પત્નીઓ ઘરે આરામ કરીને કિટી-પાર્ટી અથવા શોપિંગ માટે ગઈ હોય છે. શું પતિને આરામ આપવો એ તેઓની ફરજ નથી?
 • બાળકોને શાળામાં એડમિશન અપાવવું, મકાન બનાવવું, પાર્ટી ગોઠવવી વગેરે કામો હંમેશાં પુરુષો જ કરતા હોય છે. તેથી પુરુષો ઘરમાં કશું કરતા નથી એવી ફરિયાદ સ્ત્રીઓએ ના કરવી જોઈએ.

પતિ-પત્નીના સંબંધો ખૂબ ગાઢ અને નાજુક હોય છે. રજની અને રાજેશની વાત લઈએ. રજનીને પોતાના પતિ રાજેશ માટે ખૂબ ફરિયાદો હતી. રાજેશને એક નાની બહેન હતી જે અપરિણીત હતી. રાજેશ પર પોતાના માતા-પિતાની જવાબદારી પણ હતી. રજનીની એક મિત્ર કે જે શ્રીમંત પરિવારની વહુ હતી તેની સાથે પોતાની તુલના કરીને રજની ફરિયાદો કર્યા કરતી. આ વાતથી રાજેશ ખૂબ પરેશાન અને ગુસ્સે થતો, પરંતુ કંઈ બોલ્યા વગર તે યોગ્ય સમયે જવાબ આપવાની રાહ જોતો. એક દિવસ રજનીની મિત્ર રેખા પોતાને ભેટ મળેલી હીરાની વીંટી બતાવવા આવી. રજનીએ તે જોઈ અને મનમાં પોતાની મિત્રના સદ્ભાગ્ય વિશે અને પોતાના દુર્ભાગ્ય વિશે વિચારીને ચૂપ થઈ ગઈ. રાત્રે તેણે રાજેશને આ વાત કરી. રાજેશે પણ તેને ભેટ આપવાનું વચન આપ્યું. રજનીને જોકે શાંતિ ના થઈ. તે જાણતી હતી કે રાજેશ પાસે હીરાની વીંટી લાવવાના પૈસા ન હતા. એક વાર દીકરીની શાળાએથી પાછા ઘરે આવતી વખતે રજનીએ રેખાના પતિને નજીકના એક રેસ્ટોરાંમાંથી કોઈ યુવાન યુવતી સાથે બહાર આવતો જોયો. રજનીને આઘાત લાગ્યો. તે માની ના શકી કે રેખાનો પતિ આટલો લંપટ છે! તેણે ઘરે આવીને રાજેશને વાત કરી. રાજેશ હસવા લાગ્યો અને તેણે રજનીને કહ્યું કે રેખાનું દેખાતું સુખ એ બનાવટી અને છીછરું છે. રજનીને તે દિવસે પોતાના પતિની નિષ્ઠા અને વફાદારીનો અનુભવ થયો.

વાસ્તવમાં પુરુષના મન અને શરીરનું બંધારણ એવું છે કે તેઓ પોતાની વાત મુક્ત રીતે વ્યક્ત કરે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ લાગણીશૂન્ય હોય છે. તેઓ ભાવનાઓમાં તણાતા નથી, પરંતુ તેઓ પોતાની પત્નીને સુખી કરવાનો ઇરાદો તો ધરાવતા હોય છે. સ્ત્રીઓ આ બાબતને સાચી રીતે સમજી નથી શકતી. ઘણી સ્ત્રીઓ પોતાના પતિઓને આંગળીને ઇશારે નચાવવાની ઇચ્છા રાખતી હોય છે. તેઓ માલિકીપણાના ભાવવાળી હોય છે અને તેથી એમ ચાહતી હોય છે કે તેઓના પતિઓ તેઓ કહે એમ જ કરે. પુરુષો પોતાની પત્નીઓની બધી ઇચ્છાઓ પૂરી કરી શકતા નથી.

લગ્ન એક એવી સંસ્થા છે જેમાં બે અપરિચિતો સાથે જીવન જીવવાનું નક્કી કરે છે. લગ્નજીવનમાં આવતી તમામ તકલીફોનો બંનેએ સાથે મળીને સામનો કરવાનો હોય છે. એકને દુઃખ થાય તો બીજાને પણ તે દુઃખનો અહેસાસ થવો જોઈએ. તેથી બંને પક્ષો જે ફરિયાદ કરે છે તે સંપૂર્ણપણે સાચી નથી હોતી. બંને જણા એકમેકને એકબીજાના સ્થાને મૂકીને જોશે તો તેઓને સાચી સ્થિતિ સમજાશે અને કોઈ ગંભીર પ્રકારની ફરિયાદ નહીં રહે.