રાજકોટ: આયકર વિભાગની બહાર મહિલા અને તેના પુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટ ઇન્કમ ટેક્ષ ઑફિસ બહાર એક મહિલા અને તેના પુત્રએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. શહેરની ઇન્કમ ટેક્ષ ઑફિસ બહાર મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. તેઓ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે બંનેની અટકાયત કરી લીધી હતી. ઇન્કમ ટેક્ષ ઑફિસ બહાર વૃદ્ધ મહિલા ગંગા બહેન અને તેમનો પુત્ર સૂર્યા જમીનનાં મામલે આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા.
જો કે પોલીસે માતા અને પુત્રને તેઓ આત્મવિલોપન કરે તે પહેલા તેમની અટકાયત કરી હતી. પોલીસે મહિલા અને તેના પુત્ર પાસે રહેલા કેરોસીનનાં કારબા અને દિવાસળીની પેટી પણ જપ્ત કરી લીધી હતી. ઘટનાસ્થળે પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને પોલીસ બંધોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે જ્યારે વૃદ્ધ ગંગાબેનની અટકાયત કરી ત્યારે તેમનું કહેવું હતું કે, “મને બાકસ આપો, મારે મરી જ જવું છે. મારી જમીનનો મને ન્યાય મળતો નથી.”
ઉલ્લેખનીય છે કે 3 મહિના પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય ના મળવાને કારણે એક વૃદ્ધાએ કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધા આત્મવિલોપન કરે તે પહેલા જ તેની અટકાયત કરવામાં આવી હતી.