મહિલા બોડીબિલ્ડરે અગિયાર ટન વજન ખેંચીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - Sandesh
  • Home
  • Kids Corner
  • મહિલા બોડીબિલ્ડરે અગિયાર ટન વજન ખેંચીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મહિલા બોડીબિલ્ડરે અગિયાર ટન વજન ખેંચીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 | 12:02 am IST

ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

ચેરિટી માટે પૈસા એકત્ર કરવાના ઉદ્દેશથી મહિલા બોડીબિલ્ડરે અગિયાર ટનથી પણ વધુ વજન વાળા ટ્રક અને કારને એકસાથે ખેંચીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં નાર્દિયા સ્ટાઈલિસ નામની મહિલા બોડીબિલ્ડરે સો ફીટ કરતાં પણ વધારે અંતર સુધી ટ્રક અને કારને એક સાથે ખેંચીને રેકોર્ડ બનાવ્યો હતો. ટ્રક અને કારને ભેગા કરતા તેનું વજન લગભગ ૧૧,૩૫૫ કિલો જેટલું હતું. આમ  વજનદાર ટ્રક પર કાર મુકીને, ટ્રકને દોરડા સાથે બાંધી તેનો બીજો છેડો નાર્દિયાએ તેની કમર પર બાંધ્યો અને વજન ખેંચ્યું હતું. આમ તેણે તેનો અગાઉનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત મેરેથોન દોડમાં પણ તે પોતાનું હુન્નર બતાવી ચૂકી છે. જો કે મેરેથોન દોડમાં અનેક મુશ્કેલીઓ સહન કર્યા બાદ અને તેમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ કેટલાક મિત્રોની સલાહ અને ભલામણથી તેણીએ બોડીબિલ્ડિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. નાર્દિયાએ બોડીબિલ્ડિંગની સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન એકથી વધુ રેકોર્ડ ટાઈટલ ધરાવનાર તેના પર્સનલ ટ્રેનર ડેરેક બોયરે તેની ઘણી મદદ કરી હતી.

નાર્દિયાનું કહેવું છે કે, મારા અંગત ટ્રેનર ડેરેક બોયરના સાહસિક કારનામા સાંભળીને અને તેમની પ્રસિદ્ધિ જોઈને મને આ રેકોર્ડ બનાવવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. રેકોર્ડ સફળ બનાવવા માટે મારા ટ્રેનરે મને ઘણી કપરી તાલીમ આપી હતી. તેણી આગળ જણાવે છે કે, રેકોર્ડ બનાવવા માટે તાલીમ દરમિયાન કાર પાર્કિંગમાં રોજ ૪૮૦-૫૦૦ કિલોગ્રામનું વજન ખેંચતી હતી. આખરે એ દિવસ આવી ગયો અને હું વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં સફળ રહી. આ આયોજનને વ્હાઈટ રિબન ફાઉન્ડેશન અને બાર્નાર્ડોસ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશે વાત કરતાં નાર્દિયા જણાવે છે કે, જ્યારે હું ભારે વજનને ખેચતી હતી ત્યારે મારી આસપાસ ઘણાં લોકો હાજર હતાં, જેમણે મને ખૂબ સહકાર આપ્યો હતો. તેમના સાથ અને સહકારને કારણે જ અમે ચેરિટી માટે ૩,૫૦૦ ડોલર કમાઈ શક્યા હતા. નાર્દિયાનો મુખ્ય ધ્યેય પૈસા કમાવવા ઉપરાંત ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા બનાવવાનો પણ હતો.

[email protected]