મહિલા પોલીસે ૧૬૮.૮૦૧ ટનનું વિમાન ખેંચીને તોડયો  વર્લ્ડ રેકોર્ડ - Sandesh
  • Home
  • Kids Corner
  • મહિલા પોલીસે ૧૬૮.૮૦૧ ટનનું વિમાન ખેંચીને તોડયો  વર્લ્ડ રેકોર્ડ

મહિલા પોલીસે ૧૬૮.૮૦૧ ટનનું વિમાન ખેંચીને તોડયો  વર્લ્ડ રેકોર્ડ

 | 8:02 am IST

ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

નારી શક્તિનો પરચો આપણને ડગલે ને પગલે મળતો રહેતો હોય છે. સ્ત્રી કોઈપણ સંજોગોમાં અને કોઈપણ જગ્યાએ પાછી પડે તેમ નથી. માટે જ તો સ્ત્રીને શક્તિનું રૂપ કહેવામાં આવી છે. હાલની સ્પર્ધાત્મક હરિફાઈમાં સ્ત્રીઓ પુરુષો કરતાં ઊતરતી નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ દુબઈ મહિલા પોલીસ અધિકારીઓએ આપ્યું છે. તેમણે ૧૬૮.૮૦૧ ટન વજનવાળી બોઈંગ ૭૭૭-૩૦૦ઈઆર વિમાનને સો મીટર સુધી ખેંચીને રેકોર્ડ બનાવ્યો છે. દુબઈ મહિલા પોલીસ અધિકારીઓની એક ટીમે સો મીટરના અંતર સુધી વજનદાર વિમાન ખેંચીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવ્યું છે. યુનાઈટેડ અરબના અમીરાત શહેરમાં વાર્ષિક દુબઈ ફિટનેસ ચેલેન્જના આયોજનના ભાગરૂપે ૨૨ નવેમ્બરના રોજ લગભગ સિત્યોત્તેર જેટલી મહિલા પોલીસે ૧૬૮.૮૦૧ ટન વજનવાળું બોઈંગ ૭૭૭-૩૦૦ઈઆર વિમાન ખેંચીને રેકોર્ડ સ્થાપ્યો હતો. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેના આ આયોજનમાં સત્તાવાર રીતે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નિર્ણાયકો ત્યાં હાજર રહ્યા હતા. તેમણે જગ્યા પર રહીને આ આયોજનની ચકાસણી કરી હતી અને દુબઈ પોલીસના કમાન્ડર-ઇન-ચીફ, મેજર-જનરલ અબ્દુલ્લા ખાલિફા અલ મેરીને પ્રમાણપત્ર આપ્યું હતું. આ સફળતા પર પોતાનું નિવેદન આપતાં મેજર-જનરલ અલ મેરીએ જણાવ્યું હતું કે, મહિલા પોલીસના પ્રયત્નો વખાણવા લાયક છે. તેમની નારી શક્તિ પ્રશંસાને પાત્ર છે. આમ તેમણે નારી શક્તિની સફળતાને બિરદાવી હતી. વ્યાપારી બંદરોના સહાયક કમાન્ડર-ઈન-ચીફ, મેજર જનરલ અહમદ મોહમ્મદ બિન થાનીએ જણાવ્યું હતું કે, મહિલા પોલીસ અધિકારીઓની આ સિદ્ધિ દુબઈ પોલીસ જનરલ કમાન્ડર માટે ગૌરવની વાત છે. આ પહેલાં પણ દુબઈ પોલીસે અવનવા કારનામા કરીને રેકોર્ડ બનાવ્યો છે, પણ આ વખતે તેમણે મહિલા સશક્તિકરણનો પરચો બતાવ્યો હતો. અગાઉ પણ દુબઈ પોલીસ અધિકારીઓએ મળીને સો મીટરથી પણ વધારે અંતર સુધી ખેંચીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સાથે સાથે તેમણે પ્રથમ માનવ રહિત સ્માર્ટ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરીને પણ રેકોર્ડ બનાવ્યો હતો. આમ દુબઈ પોલીસ અધિકારીઓ આવા અવનવા સાહસ કરીને પોતાની શક્તિ અને સાહસનો પરચો બતાવે છે અને સાથે સાથે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ બનાવ્યું છે.

[email protected]