મહિલાઓ માટે ઉપયોગી આઇડિયા : 'ઇન્ટરનેટ-સાથી' - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS

મહિલાઓ માટે ઉપયોગી આઇડિયા : ‘ઇન્ટરનેટ-સાથી’

 | 6:05 am IST

અર્થ અને  તંત્રઃ  અપૂર્વ દવે

આ જમાનામાં કોઈ એમ કહે કે, આઈડિયાના પૈસા છે, તો તમે માનો કે નહીં ? તમે માનો જ ને, કારણ કે તમે પોતે તેના અનેક ઉદાહરણ જોયેલાં છે ! થોડા વખત પહેલાં એક આઈડિયાને આઈડિયા મોબાઈલ નેટવર્કની કંપનીએ ઉપયોગમાં લીધો હતો અને તેણે આઈડિયા ઈન્ટરનેટ નેટવર્ક (આઈઆઈએન)ની જાહેરખબર શરૂ કરી હતી. આઈઆઈએનના નામે શૈક્ષણિક સંસ્થા હોય એવી છાપ ઊભી કરનારી આ જાહેરખબર હતી, પણ વાસ્તવમાં તેના દ્વારા ગ્રાહકોને આઈડિયા ઈન્ટરનેટ નેટવર્કનો ઉપયોગ કરવાનું કહેવાનો ઉદ્દેશ હતો.

ટેક્નોલોજી કંપની ગૂગલે એવી જ આઈડિયાનો ઉપયોગ કરીને ભારતભરમાં ‘ઈન્ટરનેટ સાથી’ નામનું અભિયાન શરૂ કર્યું છે. જે દેશના અલગ અલગ ભાગોમાં મહિલાઓને ઘણું ઉપયોગી થઈ રહ્યું છે. ગૂગલ પણ કોઈ સખાવત કરી રહ્યું નથી. તેને તો ગૂગલની સેવાઓનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં એક અબજનો ઉમેરો કરવાની ઈચ્છા છે અને તેની ઈચ્છા પૂરી કરવાની તાકાત એકલા ભારત પાસે છે. જોકે, ગૂગલના ઈન્ટરનેટ સાથી દ્વારા મહિલાઓને ઘણો જ લાભ થઈ રહ્યો હોવાથી તે જાણે કોઈ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની પ્રવૃત્તિ હોય એવી છાપ પડે છે. જે કંઈ હોય, ગૂગલના તંત્રજ્ઞાાનને લીધે કેટલીક મહિલાઓની આર્િથક સ્થિતિ સુધરી છે અને તેથી જ આપણે અર્થ અને તંત્રમાં તેની વાત કરી રહ્યા છીએ.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમની નજીકના સિરાસાપલ્લી ગામનું ઉદાહરણ લઈએ. અહીંની સાયરા નામની મહિલા કહે છે કે, ઈન્ટરનેટ સાથી યોજના હેઠળ તેણે આઈઆઈએનની જાહેરખબરનો પડઘો પડતો હોય એ રીતે યૂ ટયૂબ પરથી બંગડી બનાવવાની તથા ભરત-ગૂંથણની તથા હસ્તકળાની બીજી વસ્તુ બનાવવાની તાલીમ લીધી છે. એ વસ્તુઓ આસપાસના ગામમાં વેચીને તે રોજના દોઢસો રૂપિયા કરતાં વધારે કમાણી કરી લે છે. ગૂગલ ઈન્ટરનેટ સાથી યોજના વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી. તેના હેઠળ એક મહિલાને ઈન્ટરનેટ સાથી બનાવવામાં આવે છે. તેને ઈન્ટરનેટ વાપરવાની તાલીમ આપ્યા બાદ એ સાથી ગામની અન્ય મહિલાઓને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું શીખવે છે.

ઘણાં ગામોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા હોય છે તેથી જ્યાં કનેક્ટિવિટી સારી હોય ત્યાં આસપાસના ગામોમાંથી મહિલાઓ એકઠી થાય અને યૂ ટયૂબ પરથી વીડિયો ડાઉનલોડ કરીને પોતાને ગામ લઈ જાય અને પછી તેનો ઉપયોગ કરે. એટલું જ નહીં, એ મહિલાઓને જીમેલનું એકાઉન્ટ બનાવવાની, બેન્ક એકાઉન્ટ માટે અરજી કરવાની તથા મોબાઈલ વોલેટ મારફતે વ્યવહારો કરવાની તાલીમ પણ આપવામાં આવે છે. આથી જ ગત નવેમ્બરમાં ડિમોનેટાઈઝેશન થયું એ વખતે ઈન્ટરનેટ સાથી યોજના સાથે સંકળાયેલી મહિલાઓને લોકો પૂછતા હતા, કારણ કે તેમને મોબાઈલ વોલેટ મારફતે પેમેન્ટ કરતાં આવડતું હતું. ટી.વી. પરની જાહેરખબર પરની વાત પરથી યાદ આવ્યું કે ગૂગલની પોતાની જાહેરખબરમાં કહેવામાં આવે છે કે હવે ભારતીય ભાષાઓમાં સર્ચ કરવાનું સહેલું બની ગયું છે. લગ્નમાં ગયેલા મામા એગપ્લાન્ટની કઢી એવું નામ વાંચીને વિચારમાં પડી જાય છે કે આ કઢી વેજ હશે કે નોનવેજ. એ વખતે તેમનો ભાણિયો ગૂગલ સર્ચ કરીને જાણી લાવે છે કે, એગપ્લાન્ટ એટલે રીંગણાં. આપણે આંધ્રના સિરાસાપલ્લીનું જ ઉદાહરણ લઈએ. તેમાં ઈન્ટરનેટ સાથી યોજનાની સહભાગીઓને અંગ્રેજી આવડતું નથી. તેઓ સર્ચ માટે તેલુગુનો ઉપયોગ કરી શકે એવી સુવિધા ઉપલબ્ધ હોવાથી સહેલાઈથી પોતાને જોઈતી વસ્તુ શોધી લે છે. આમ, ગૂગલ એક અબજ યૂઝર વધારવા માટેની તેની દોડમાં આવશ્યક એવી દરેક વસ્તુ સાથે લઈને દોડી રહ્યું છે. ઈન્ટરનેટ સાથી યોજના હેઠળ ભારતના ગામડાંમાં દસેક લાખ મહિલાઓને લાભ મળ્યો છે અને તેઓ સ્વયંરોજગાર કરવા લાગી છે. ઈન્ટરનેટ સાથીઓ ટેબ્લેટ અને સ્માર્ટફોન લઈને સાઈકલ પર આસપાસના ગામોમાં ફરીને મહિલાઓને ઈન્ટરનેટ વાપરતાં શીખવે છે. ભારતમાં ઓછી આવક ધરાવતા લોકોના વર્ગમાં આશરે ૯૪ ટકા મહિલાઓએ ક્યારેય ઈન્ટરનેટ વાપર્યું નથી અને તેમાંથી ૪૧ ટકા મહિલાઓ પાસે મોબાઈલ ફોન પણ નથી. આના પરથી જોઈ શકાય છે કે, ઈન્ટરનેટ સાથીની કેટલી જરૂર છે. ગૂગલ જેમ જેમ પોતાના યૂઝર વધારતી જશે તેમ તેમ તેમનો ડેટા તેને વધારે ને વધારે પ્રમાણમાં મળવા લાગશે અને તેનો ઉપયોગ ગૂગલની આવક વધારવામાં ઉપયોગી થશે. ગૂગલ તેની મદદથી આવશ્યક પ્રોડક્ટ્સ અને સેવાઓ લોકો માટે લઈ આવશે. આમ, ‘એક પંથ દો કાજ’ જેવી સ્થિતિ ઊભી થઈ છે.