નૌકાદળને દક્ષિણ મુંબઈમાં એક પણ ઈંચ જમીન આપીશ નહીં : નીતિન ગડકરી

કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નૌકાદળના અધિકારીઓને આડેહાથ લીધા હતાં. ગડકરીએ નૌકાદળના અધિકારીઓ દ્વારા દક્ષિણ મુંબઈમાં રહેઠાણ માટે જમીનની માંગણીનો પણ કડક શબ્દોમાં ઈનકાર કર્યો હતો અને એક ઈંચ પણ જમીન ન આપવાનું સંભળાવી દીધું હતું.
નીતિન ગડકરીએ કહ્યું હતું કે, નૌકાદળની જરૂર સરહદ પર છે, જ્યાંથી આતંકવાદીઓ ઘુષણખોરી કરે છે. નૌકાદળના દરેક અધિકારી આલિશાન એવા દક્ષિણ મુંબઈમાં જ શા માટે રહેવા માંગે છે? તેઓ મારી પાસે આવ્યાં હતાં અને જમીનની માંગણી કરી હતી. હું તેમને એક ઈંચ પણ જમીન આપવાનો નથી. જેથી કરીને તેઓ ફરીથી મારી પાસે ના આવે. કેન્દ્રિય મંત્રીએ પશ્ચિમી નૌસૈનિક કમાન્ડના પ્રમુખ વાઈસ એડમિરલ ગિરિશ લૂથરાની હાજરીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં આ વાત કરી હતી.
નૌકાદળે દક્ષિણ મુંબઈના માલાબાર હિલમાં એક તરતા પુલના નિર્માણ માટે મંજુરી આપવાનો ઈનકાર કરતા નીતિન ગડકરી અને નૌકાદળ વચ્ચે વિવાદ સર્જાયો હતો. સરકાર દ્વારા અહીં પાણીમાં એક તરતી હોટલ અને સીપ્લેન સેવા શરૂ કરવાની યોજના છે. આ ઘટનાક્રમને લઈને ગડકરીએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી.
મુંબઈમાં આવેલો દક્ષિણ મુંબઈ વિસ્તાર તદ્દન આલિશાન ગણવામાં આવે છે. જ્યાં ભારતીય નૌકાદળના અધિકારીઓ તેમના નિવાસસ્થાન માટે જગ્યા માંગી રહ્યાં છે. આ બાબતે તેમણે કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે ચર્ચા કરી હતી. આ મુદ્દે નીતિન ગડકરીએ એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, બધા દક્ષિણ મુંબઈની મહત્વની જગ્યા પર જ ક્વાર્ટર અને ફ્લેટ બનાવવા માંગે છે. અમે નૌકાદળનું સંમાન કરીએ છીએ, પરંતુ તમારે પાકિસ્તાનની સરહદ પર ફરજ બજાવવી જોઈએ અને પેટ્રોલિંગ કરવું જોઈએ. કેટલાક મહત્વપૂર્ણ અને વરિષ્ઠ અધિકારીઓ મુંબઈમાં રહી શકે છે. ગડકરીએ ઉમેર્યુ હતું કે, પૂર્વી સમુદ્ર કિનારે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંયુક્ત રૂપે વિકસીત કરવામાં આવી રહેલી જમીનનો ઉપયોગ સ્થાનિક નાગરિકોના લાભ માટે કરવામાં આવશે. ગડકરીએ નૌકાદળને કહ્યું હતું કે, અમે સરકાર છીએ. નૌકાદળ કે રક્ષા મંત્રાલય સરકાર નથી.
#WATCH: Union Minister Nitin Gadkari says, 'Navy is needed at the borders, from where terrorists come, why does everyone (in Navy) want to live in South Mumbai? They came to me asking for a plot, I said I will not give even an inch of land.' pic.twitter.com/45gQDlbcBP
— ANI (@ANI) January 11, 2018
માલાબાર હિલની ઘટનાનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે નૌકાદળે માલાબાર હિલ પર તરતા પુલ (ફ્લોટિંગ જેટી)ના નિર્માણને મંજુરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. જ્યારે હાઈકોર્ટમાંથી પણ આ બાબતે મંજુરી મળી ગઈ હતી. તેમણે સવાલ કર્યો હતો કે, માલાબાર હિલમાં નૌકાદળ ક્યાં છે? માલાબાર હિલમાં ક્યાંક નૌકાદળ છે જ નહીં. આ વિસ્તાર સાથે નૌકાદળને કોઈ લેવાદેવા જ નથી. કેન્દ્રિય મંત્રીએ નૌકાદળને વિવાદના ઉકેલ માટે વાતચીતનું આમંત્રણ આપ્યું હતું.
ગડકરીએ કહ્યું હતું કે, તેઓ અટકી પડેલી પાયાગત માળખાની પરિયોજનાઓ માટે બનેલી સમિતિના અધ્યક્ષ છે. પરિયોજના જેવી એજંન્ડામાં આવે છે તેને મંજૂરી મળી જાય છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ મુંબઈમાં નૌકાદળ મોટી સંખ્યામાં તૈનાત છે. તેવી જ રીતે આ વિસ્તારમાં પશ્ચિમ નૌસૈનિક કમાન્ડનું મુખ્યાલય પણ આવેલું છે. દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં નેવી નગરમાં નૌકદળનું સ્ટાફ ક્વાર્ટર પણ છે.