કાર્યસ્થળ પરની કૂટનીતિનો કઇ રીતે સામનો કરશો? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • કાર્યસ્થળ પરની કૂટનીતિનો કઇ રીતે સામનો કરશો?

કાર્યસ્થળ પરની કૂટનીતિનો કઇ રીતે સામનો કરશો?

 | 4:33 am IST

મેનેજમેન્ટઃ ડો. એ. સી. બ્રહ્મભટ્ટ

કોઈપણ ઔધોગિક એકમ, સામાજિક કે શૈક્ષણિક એકમના કાર્યસ્થળ ઉપર ભિન્ન ભિન્ન સ્તરે, ભિન્ન ભિન્ન પ્રકૃતિ ધરાવતા સેંકડો કર્મચારીઓ જોવા મળે છે. આ તમામ કાર્યસ્થળોએ વધતા-ઓછા પ્રમાણમાં, સહકર્મચારીઓ વચ્ચે, તેમના ઉપરી અધિકારો વચ્ચે, કોઈક ને કોઈક સ્વરૂપે વિખવાદ, કાવાદાવા, કૂટનીતિ, સિયાસી યુક્તિઓના પ્રયોગો ચાલ્યા જ કરતા હોય છે. એકબીજાની કૂથલી-નિંદા, પીઠ પાછળ અન્યને બદનામ કરવાના પ્રયાસો ચાલ્યા જ કરતા હોય છે. સરખી પ્રકૃતિ ધરાવતા કર્મચારીઓ જૂથ બંધી કરી, પોતાના અમુક સહકર્મચારીઓને અલગ પાડી દેવાના, ઉપરી અધિકારીઓની કાનભંભેરણી કરી વિરોધીઓની કારકિર્દીને ખતમ કરી દેવાના પ્રયાસો ચાલ્યા જ કરતા હોય છે. કાર્યસ્થળ ઉપરની આવી કૂટનીતિના અનેક કારણો હોય છે; જેવાં કે, કઠોર પરિશ્રમ કર્યા વગર ઝડપથી આગળ આવી જવું, પોતાની ક્ષમતા ન હોવા છતાં, સિયાસી તરકીબો અપનાવી- ઉપરી અધિકારીઓની કાનભંભેરણી કરી, તેમની પગચંપી કરી, પોતાના સહકર્મચારીઓને પાછળ રાખી, ઉચ્ચ સ્થાનો પર બઢતી મેળવી લેવી; કાર્યસ્થળ ઉપર નાના-નાના જૂથમાં વહેંચાઈ જઈ ગપસપ કર્યા કરવી, ઘણી વખત ઉપરી અધિકારીઓનો અહંકાર અને પક્ષપાત, અંદરોઅંદરની ઈર્ષ્યા અને અસૂયા ઈત્યાદિ.

તમે વ્યક્તિગત રીતે અત્યંત પ્રમાણિક હોવા છતાં, તમારી આજુબાજુ સતત ચાલતી રહેતી આવી સિયાસી યુક્તિઓ-પ્રયુક્તિઓના તમે ભોગ બન્યા સિવાય રહી શક્તા નથી; પરંતુ આવી પ્રયુક્તિઓથી બચવા અને તેનાથી તમને ન્યુનતમ નુકસાન પહોંચે એ માટે તમે નીચે દર્શાવેલ કેટલાક વ્યવહારુ ઉપાયો જરૂર કરી શકો. આ ઉપાયો સૂચનાત્મક છે. જે તે કાર્યસ્થળનો માહોલ, ત્યાંની સભ્યતા કર્મચારીઓ વચ્ચેના આંતરવૈયક્તિક સંબંધોને આધારે તમે તમારો આગવો ઉપાય પણ પ્રયોજી શકો છો.

બને ત્યાં સુધી સૌ સાથે મિત્રતા કેળવતા રહો, કોઈ વિચિત્ર કર્મચારી કે જેનો કૂથલી-નિંદા કરવાનો જ વ્યવસાય હોય, તેને જો તમે અન્ય સાથે મિત્રતા કેળવેલી હશે તો ખુલ્લો પાડી શકશો. કેટલાક વૈજ્ઞાાનિક ઢબે હાથ ધરાયેલા અભ્યાસો પણ એમ સૂચવે છે કે જો તમે સમૂહ સાથે મૈત્રાચારી ધરાવતા હશો, તો તમને કોઈ દબંગ દ્વારા હેરાન કરવાની શકયતાઓ ઘણી ઓછી હોય છે.

– તમે કરેલા કાર્યની વિગતવાર અને સમયબદ્ધ નોંધ રાખો. તમે હંમેશાં કોઈ આક્ષેપ કે અન્યાય સામે સતત ઝઝૂમી નહીં શકો, પરંતુ એ બાબતે જો જરૂર પડે, તો તમે તમારા કાર્યસંબંધી રાખેલી આવી નોંધો કે દસ્તાવેજો ઉપરી અધિકારીઓ સમક્ષ તમારી નિષ્ઠા પ્રસ્થાપિત કરવા ખૂબ ઉપયોગી બનશે.

વિચિત્ર પ્રકૃતિ ધરાવનાર એવા કોઈ સહકર્મચારી સાથેનો તમારો વ્યવહાર તો શાલીન જ રાખો, તમે તેના સ્તરે નીચે ઉતરી ન જતા. બને તો તેને વ્યક્તિગત રીતે મળી, જે તે મુદની ચર્ચા કરો. પ્રમાણિક્તા, નિષ્ઠા અને શાલીનતાની એક જુદી છાપ ઉપસે છે. તમે તમારા વ્યવહારો અને પ્રલાયો જો સભ્યતાભર્યા રાખો તો, લાંબે ગાળે, કથલી કરનાર અન્ય વ્યક્તિઓ ઉપર પણ તેની વિધેયાત્મક અસર થાય છે.

કાર્યસ્થળે તદ્ન પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય તો પણ, તમે સંકુચિત દ્રષ્ટિકોણ ન રાખો, તમે સતત એકમના સમગ્ર હિતની, ધંધાની સફળતાની, સૌના ઉત્કર્ષની જ વાત કર્યે રાખો; કારણ કે સૌને ધંધો વિકસે એમાં તો રસ હોય જ છે. આમ કરવાથી, ધીમેધીમે સરખી વિચારસરણી અને પ્રકૃતિ ધરાવતા કેટલાક કર્મચારીઓ તમારી સાથે ભળશે, તમારું એક વર્તુળ રચાશે જેનો પ્રભાવ અન્ય ઉપર પણ પડશે.

કોઈકવાર એવું બને કે એકમેકના કટ્ટર વિરોધી એવા બે પ્રાધિકારીઓ સાથે તમારે કામ કરવાનું આવે ત્યારે રખે તમે કોઈનો પક્ષ લેતા તદ્ન નિષ્પક્ષપાતી પણે અને વસ્તુલક્ષી અભિગમ દાખવી, ધંધાના લક્ષ્યને હાંસલ કરવા તમે મથો છો એવી છાપ ઊભી થવા દો.- ‘એ બંને ઉપર તમારી વિશ્વાસુ અને નિષ્પક્ષપાત્રી વ્યક્તિ તરીકેની છાપ પડશે.’

કોઈ એવી પરિસ્થિતિ સર્જાય કે સ્વાભાવિક રીતે જ તમને ખૂબ ગુસ્સો આવે, પરંતુ આ પળે સંયમ જાળવી લેશો- કારણ કે આગળ ઉપર તમે જ્યારે અગ્ર હોદા ઉપર પહોંચો ત્યારે ‘૩૬૦ડિગ્રી ફીડબેક’ માંથી તમારે પસાર થવાનું આવશે, ત્યારે દરેક સ્તરની તમામે તમામ વ્યક્તિ તમારું મૂલ્યાંકન કરશે.

તમને અન્ય લોકો સમજે એ કરતાં તમે એ સૌને સમજવાની કોશિશ કરશો. તેમ કરશો તો અંદરોઅંદરનું પ્રત્યાયન વધશે અને ગેરસમજો દૂર થશે.

win-win અભિગમ કેળવો- એ જુઓ કે વર્તમાન પરિસ્થિતિમાં સાથી વ્યક્તિને શું પ્રાપ્ત થશે અને ત્યારબાદ જુઓ કે તેમાંથી તમને શં પ્રાપ્ત થશે. બંને પક્ષે સ્વીકાર્ય અને સંતોષજનક પરિણામ માટે જ પ્રયત્ન કરતા રહેશો. તમે જીતો અને સામો પક્ષ હારે, એવી મનોવૃત્તિથી કદાચ તમને એકાદવાર ફાયદો થશે, પરંતુ અંતે તે નુકસાનકર્તા જ નીવડે છે.

win-win તો એક ચિરસ્થાયી સફળતા પ્રાપ્ત કરાવે એવી વ્યૂહરચના છે.

સૌથી અદકોરું વિચારી, કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર આવવા કોઈ નવતર માર્ગ શોધી લો.

હંમેશાં કઈ પરિસ્થિતિમાં કયાં, કોની સામે, કેટલું બોલવું એ વિચારી લો.

ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવી વ્યક્તિઓ વચ્ચે જો તમે ધીરજ ગુમાવ્યા સિવાય સ્વસ્થ, પ્રમાણિક, નિષ્ઠાવાન અને સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરશો તો લાંબેગાળે તેની વિધેયાત્મક અસર થયા વિના રહેતી જ નથી.

[email protected]