કાર્યસ્થળ ઉપર સચેતક (Whistle Blower) - Sandesh

કાર્યસ્થળ ઉપર સચેતક (Whistle Blower)

 | 2:52 am IST

મેનેજમેન્ટઃ ડો. એ. સી. બ્રહ્મભટ્ટ

કોઈ ઔધોગિક એકમ કે સામાજિક શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત કોઈ કર્મચારી, કંપનીના કોઈ વિભાગમાં ચાલતી કોઈ અનૈતિક, ગેરકાનુની પ્રવૃત્તિ કે પછી કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના દુર્વ્યવહાર કે બદચલન અંગેની, સજ્જડ પુરાવા સાથે, તેના ઉપરી અધિકારીને માહિતી આપે અથવા તે સામે અવાજ ઉઠાવે તો એ કર્મચારીને સચેતક (Whistle Blower) કહેવામાં આવે છે. કંપનીમાં જ કામ કરતી વ્યક્તિ કે વ્યક્તિઓનો દુર્વ્યવહાર કે બદચલન, કંપની સાથે કોઈ દગાબાજ પ્રવૃત્તિ ભ્રષ્ટાચાર, કે પછી કંપનીની આચારસંહિતાના ધરારભંગ સંબંધી હોઈ શકે, સચેતકનો આવા વર્તન કે પ્રવૃત્તિનો હેતુ કંપનીના હિતોનું રક્ષણ કરવા માટે, સમાજના હિતમાં અને જાહેર જનતાના હિતમાં હોવો જોઈએ. વળી સચેતકતાની આવી ચેતવણીનો હેતુ કંપનીની પ્રસ્થાપિત સભ્યતા અને આબરૂને આંચ ન આવે તે માટેનો, કોઈ કર્મચારીને થયેલા ઘોર અન્યાયને વાચા આપી તેનું રક્ષણ કરવાનો કે પછી વ્યાપક સામાજિક માહોલ કે સભ્યતાને હાનિ ન પહોંચે તે જોવાનો હોવો જોઈએ. સચેતકની આવી ચેષ્ટાનો હેતુ, કંપનીના આંતરિત માહોલમાં તંદુરસ્ત કાર્યપ્રણાલી પ્રસ્થાપિત કરવામાં અને ભવિષ્યમાં, આવું કોઈ ગેરવર્તન કે કોઈ કપરી ભ્રષ્ટાચારી-બેઈમાની પ્રવૃત્તિ થાય જ નહીં તે સિદ્ધ કરવા માટેનો હોવો જોઈએ. સચેતકનો આવિ માહિતીનો સ્કોર કરવાનો હેતુ કોઈ કર્મચારી કે અધિકારી સામે વ્યક્તિગત બદલો લેવાનો ન હોવો જોઈએ.

બે પ્રકારના સચેતક હોઈ શકેઃ એક-આંતરિક સચેતક જે કંપનીની અંદરની જ કોઈ ગેરવર્તણૂક, દગાબાજ કે બીનકાયદાકીય પ્રવૃત્તિનો ઘટસ્ફોટ, કંપનીના જ કોઈ ઉપરી અધિકારી કે સક્ષમ અધિકારી સમક્ષ કરે અને બીજો પ્રકાર છે. બાહ્ય સચેતક, જે આવી સઘળી માહિતીનો રહસ્યફોટ, કંપનીમાં ન હોય તેવી બહારની વ્યક્તિ સમક્ષ કરે, જેમ કે કોઈ વકીલ સમક્ષ કે પછી કોઈ કાનૂની સંસ્થા સમક્ષ કરે. સચેતકે એ બાબતે અત્યંત કાળજી રાખવી ઘટે કે તેની કંપનીના માહોલમાં વિદ્યમાન તમામ પ્રત્યાયન ચેનલોનો વિનિયોગ કરવાના તેણે પર્યાપ્ત પ્રયાસો કર્યો હોવા જોઈએ, જ્યારે કોઈના તરફથી તેને લાંબાગાળા સુધી કોઈ પ્રતિભાવ પ્રાપ્ત ન થાય ત્યારે ના છૂટકે, વ્યાપક સામાજિક હિતમાં અનિવાર્ય લાગે તો જ, બહારની વ્યક્તિઓ કે એજન્સીઓ સમક્ષ જવું જોઈએ. કંપનીના વિવિધ વિભાગોમાં કાર્યરત સેંકડો કર્મચારીઓમાંથી ભાગ્યે જ કોઈક આવા સચેતક (Whistle Blower) ની ભૂમિકા અદા કરવા તૈયારી બતાવતા હોય છે કારણ કે, સચેતક બનવું ઘણીવાર અત્યંત જોખમી અને અનેકવિધ ભય અને ત્રાસથી ભરેલું હોય છે. ઘણી વખત તો તેનાં તેના જીવનું જોખમ રહેલું હોય છે, તદુપરાંત, તેની નોકરી ગુમાવવાનો, કારકિર્દીનો સદંતર અંત આવવાનો, મિત્રો ગુમાવવાનો, સહ કાર્યકારોનો ખોફ વહોરવાનો, કંપનીના અધિકારીઓની વિશ્વસનીયતા ગુમાવવાનો ઈત્યાદિ અનેક પ્રકારના ભય અને જોખમ રહેલા હોય છે.

કંપની માટે કોઈ સચેતકનું, આવો અવાજ ઉઠાવવાનું કામ બહુધા ફાયદાકારક નીવડે છે. કંપનીમાં કોઈ સંભવિત ગેરવર્તન, ગોટાળો, દગો-પ્રપંચ થવાની શક્યતાઓને ઘટાડી દે છે; કંપનીમાં એક પ્રમાણિક, નૈતિક માહોલનું સર્જન કરવામાં મદદ કરે છે; કોઈ ગંભીર ભૂલ કે ગંભીર અનૈતિક કે કપટપૂર્ણ ઘટના બનતા પહેલાં જ તેને ડામી દેવાની તક પૂરી પાડે છે. કંપનીની નૈતિકતા પ્રત્યેની અને સામાજિક હિત પ્રત્યેની પ્રતિબદ્ધતાને સમર્થન પ્રાપ્ત થાય છે અને એટલે આદર્શ કંપનીઓ Whistle-blowingને પ્રોત્સાહિત કરતી હોય છે.  એ માટેની અમુક નીતિઓનું ઘડતર કરતી હોય છે જેમાં ’open door policy’- જે અંતર્ગત કોઈપણ સ્તરનો કર્મચારી, કોઈપણ સ્તરના અધિકારીને મળી શકે- તેની વ્યથા-કથા રજૂ કરી શકે; કંપનીમાં એક ‘સૂચના પેટી’ રાખવામાં આવે છે, જેમાં પોતાનું નામ દર્શાવ્યા સિવાય કોઈપણ કર્મચારી પોતાના સૂચનો, ટીકા, ટિપ્પણીઓ તે પેટીમાં નાખી શકે; કેવા પ્રકારની ફરિયાદો કોને કરવી તેની એક સુનિિૃત પદ્ધતિ અખત્યાર કરવામાં આવે છે, તદ્ન ટીકાત્મક પ્રતિપુષ્ટિઓને પણ આવકારવામાં આવે છે.

દરેક દેશમાં Whistle Blowersને સુરક્ષા આપવાના કાયદા પણ ઘડવામાં આવેલા હોય છેઃ ભારતમાં ૨૦૧૧માં Whistle Blower Protection Act નામનો કાયદો પસાર કરવામાં આવેલો જે કોઈ દગા, પ્રપંચ, સામાજિક હિતને હાનિકર્તા પ્રવૃત્તિ, પર્યાવરણને નુકસાન કરતી કોઈ પ્રવૃત્તિ, કંપનીલોનું ઉલ્લંઘન, નાણાંની ઉચાપત અને દુરુપયોગ જેવી બાબતો સામે અવાજ ઊઠાવી શકાય. અલબત્ત તેમાં આ કાયદાનો વ્યક્તિગત હેરાનગતિ કે બદલો, ભેદભાવ, કર્મચારીને ઉતારી પાડવા માટે ઉપયોગ ન થાય તેની પણ જોગવાઈ રાખવામાં આવી હતી; અન્ય દેશોમાં આવા કાયદા ઘડવામાં આવેલા છે.

બ્રિટનમાં ૧૯૯૯માં UK-Public interest Disclosare Act ઘડવામાં આવેલો છે. અમેરિકામાં તો આ બાબતે ઘણા કડક કાયદાઓની જોગવાઈ છે.

Keenan નામના એક તજજ્ઞો વૈજ્ઞાાનિક ઢબે કરેલા એક સર્વેક્ષણ મુજબ, મોટા ભાગની કંપનીઓ હવે Whistle Blowingને અનુમોદન આપતી માલૂમ પડી છે.

– ડો.એ.સી.બ્રહ્મભટ્ટ

– લેખક PDPUમાં પ્રોફેસર છે.