કાર્યસ્થળનો વિધાતક-ઝેરીલો માહોલ - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • કાર્યસ્થળનો વિધાતક-ઝેરીલો માહોલ

કાર્યસ્થળનો વિધાતક-ઝેરીલો માહોલ

 | 3:18 am IST

મેનેજમેન્ટઃ ડો. એ. સી. બ્રહ્મભટ્ટ

કોઈપણ ઔધોગિક એકમના કાર્યસ્થળ ઉપર એવો માહોલ સર્જાય જેમાં કર્મચારીઓ એકબીજાની કૂથલી અને નિંદામાં જ રાચતા હોય. માંહોમાંહે બીનતંદુરસ્ત સ્પર્ધા ચાલતી હોય, કર્મચારીઓ અને સંચાલકોમાં લગભગ બધી જ બાબતે વિસંવાદિતા દ્રષ્ટિગોચર થતી હોય, એકમેક પ્રત્યેના સમ્માન-કંપની પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીનો સંપૂર્ણ અભાવ નજરે પડતો હોય, જ્યાં કર્મચારીઓને પગારો-ભથ્થાં અને અન્ય નાણાકીય લાભોમાં જ રસ પડતો હોય, કંપનીના દ્રષ્ટિવિધાન, લક્ષ્યવિધાન અને મૂલ્યોની ધરાર અવગણના થતી હોય, એવો માહોલ-કંપનીની એવી સભ્યતા અત્યંત વિધાતક નીવડે છે, આવા ઝેરીલા માહોલમાં પરસ્પર સહકાર, સદભાવ, અનુબંધનો છેદ ઊડી જતો હોય છે, આવા ઝેરીલા માહોલ ધરાવતી કંપનીની ઉત્પાદિતા તેને બજાર હિસ્સામાં સતત નોંધપાત્ર ઘટાડો થતો જ રહે છે, અને સમયના બહુ ટૂંકાગાળામાં તેનું અધઃપતન જાણે અનિવાર્ય એવી ઘટના બની રહે છે.

કોઈપણ કંપનીની સભ્યતા એ તો એની અણમોલ એવી અમૂર્ત સંપત્તિ છે. તેના કારણે તો તેની પ્રતિષ્ઠાનું નિર્માણ થાય છે. એ તો કંપનીનું ધબકતું-જીવંત એવું પારિસ્થિતિક તંત્ર છે. તેનું તો સતત માવજત અને સંવર્ધન થતું રહેવું જોઈએ. કંપનીના કાર્યસ્થળનો માહોલ અને તેની સભ્યતા તો જાણે એક માછલીઘર જેવાં છે, જો તેની અવગણના કરવામાં આવે તો એ માછલીઘરનું પાણી ગંધાઈ ઊઠે અને માછલીઓ ટપોટપ મરવા માંડે. ઝેરીલી-વિધાતક અને પ્રદૂષિત સભ્યતા કર્મચારીઓ, સંચાલકો, ગ્રાહકો અને સૌ હિતધારકોની ભૌતિક, નાણાકીય અને મનોવૈજ્ઞાાનિક પરિસ્થિતિને ડામાડોળ કરી નાખે છે.

કોઈપણ કંપનીની સભ્યતા, ઝેરીલી કે વિધાતક બને એ પૂર્વે એનાં એંધાણો દ્રષ્ટિગોચર થવા લાગે છે. કાબેલ સંચાલકો કે પ્રાધિકારીઓએ આ એંધાણાને સમયસર પારખી લઈ, તેને મૂળમાં જ ડામી દેવાના સઘન પ્રયાસો આરંભી દેવા જોઈએ. તેની અવગણના કે આવા પ્રયાસોમાં વિલંબ, વિધાતક નીવડતો હોય છે. કેટલાક વૈજ્ઞાાનિક અભ્યાસો દ્વારા અને બાહોશ-પીઢ કેટલાક પ્રાધિકારીઓના અનુભવોના નીચોડ સ્વરૂપે નીચે દર્શાવેલ કેટલાંક પૂર્વ એંધાણો, સવેળા ચેતવી દેવામાં મદદરૂપ બને છે.

– જ્યારે સભ્ય વર્તણૂક, તંદુરસ્ત સ્પર્ધા અને રચનાત્મક આલોચનાનું સ્થાન, એકમેક સાથેનો ગેરવર્તાવ, અતંદુરસ્ત સ્પર્ધા અને નિંદા-કૂથલી લેવા માંડે ત્યારે સમજવું કે, માહોલ વિધાતક બનવા જઈ રહ્યો છે.

– વિવિધ વિભાગોના કાર્યદક્ષ કર્મચારીઓ, ધીમેધીમે કંપનીનો ત્યાગ કરી રહ્યા હોય ત્યારે સમજવું કે માહોલ બગડી રહ્યો છે.

– સૌ પોતપોતાના નાનાં-નાનાં કૂંડાળાઓમાં જ કામ કરી રહ્યા હોય, વિભાગ-વિભાગ વચ્ચેની આંતરક્રિયા, સહકાર ઓસરી રહ્યાં હોય- એટલી હદે કે એક જ પ્રકારનું કામ અન્ય વિભાગમાં ચાલી રહ્યું હોય તેની તેમને ખબર પણ ન હોય, ત્યારે સમજવું કે હવે પતન બહુ દૂર નથી.

– જ્યારે કેટલાક કર્મચારીઓનું વર્તન અમર્યાદ બેહુદું થતું જતું હોય, અયોગ્ય અને અભદ્ર એવી પ્રવૃત્તિઓ આરંભાઈ હોય અને કોઈ તેને રોકતું કે ટોકતું ન હોય- અને સૌ એમ જ માને કે અહીં તો આમ જ ચાલે-ત્યારે સમજવું કે સમગ્ર સભ્યતા હવે પતનને આરે છે.

– કંપનીના સાહિત્યમાં, ચર્ચાઓમાં, મિટિંગોમાં કંપનીના લક્ષ્ય કે મૂલ્યોની જગ્યાએ પગારોની, વધારાની સુવિધાઓની, નિઃશુલ્ક ભોજન પાર્ટીઓની ચર્ચા થતી હોય. તો તે વિધાતક સભ્યતાના નિર્માણની પૂર્વ ચેતવણીરૂપ છે.

– જ્યાં વધારે પડતું પોલિટિક્સ ચાલતું હોય, પ્રાધિકારીઓની ખુશામદોશી બઢતીનાં સ્થાનો પ્રાપ્ત થતાં હોય, જયાં વ્યક્તિગત પસંદગીઓ અને પૂર્વગ્રહો વધતા જતા હોય એવા માહોલને પ્રતિભા સંપન્ન કર્મચારીઓ છોડી, અન્ય કંપનીઓમાં જોડાવા લાગ્યા હોય.

– કુશળ અને પ્રતિભાસંપન્ન કર્મચારીઓની નિર્ણયપ્રક્રિયાઓમાંથી અવહેલના થતી હોય; ખૂબ વાચાળ અને દલીલબાજ સેલ્સમેનોને વિશિષ્ટ લાભો પ્રાપ્ત થઈ જતા હોય, ત્યારે અન્ય કર્મચારીઓમાં પોતાને અવગણવાની અને લાભોથી વંચિત રાખવા અંગેની કડવાશનું વાતાવરણ સર્જાતું હોય છે.

– જ્યારે સંચાલકો-પ્રાધિકારીઓ અન્યને ઉતારી પાડતી, સત્તાનું પ્રદર્શન કરતી, બેવડાં ધોરણો અખત્યાર કરતી, અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચારને પોષતી એવી નેતાગીરીમાં રાચતા થાય ત્યારે એવો માહોલ બહુ લાંબા સમય સુધી ટકતો નથી.

– જ્યાં કર્મચારીઓ દિવસે દિવસે આળસુ અને લાપરવાહ બનતા જતા હોય, જયાં સર્જનાત્મક્તા અને નવીનીકરણ દિવસે દિવસે લુપ્ત થતાં જતાં હોય એવાં માહોલ વિધાતક બન્યા વિના રહેતો નથી.

પ્રખ્યાત એવી ‘ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક સ્વીમિંગ ટીમ’ લંડનમાં ૨૦૧૨માં માત્ર એક જ સુવર્ણપદક પ્રાપ્ત કરી શકી; તેની નેતાગીરીની નિષ્ફળતાને કારણે ટીમમાં ટીમભાવના મરી પરવારી અતંદુરસ્ત સ્પર્ધા શરૂ થઈ, અશિસ્ત વધતી ગઈ અને રમતવીરો ડ્રગ્ઝને આડે ચડયા. ‘એનરોન’ નામની એક વખતની વિશ્વપ્રસિદ્ધ કંપની તેના વિધાતક માહોલથી પડી ભાંગી.

જો કેટલાક સઘન પ્રયાસો કરવામાં આવે તો, સભ્યતાને વિધાતક બનતી રોકી શકાય. કેટલાંક કડક પગલા લઈ, આવાં વિધાતક તત્ત્વોને પીછાણી, નષ્ટ કરી દેવાં જોઈએ- એવી વ્યક્તિઓની તત્કાળ છટણી કરવી, આવી ઝેરીલી સભ્યતાને દર્શાવતાં સઘળાં ચિન્હો-પછી તે મિટિંગોમાં ચર્ચાતી બાબતો હોય-ને નેસ્તનાબુદ કરવાં જોઈએ. નવી સ્થિતિનું નિર્માણ માત્ર ત્રણ માસના ગાળામાં કરી દેવું જોઈએ. વળી કેટલાક રચનાત્મક પગલા પણ લઈ શકાય – કેવી વર્તણૂક હોવી જોઈએ- કેવી આંતરક્રિયા હોવી જોઈએ – કેવી પ્રતિપુષ્ટિ હોવી જોઈએ એ સઘળું સુવ્યાખ્યાયિત કરવું જેાઈએ; અતિશય પારદર્શી અને ખુલ્લું પ્રત્યાપન થતું રહેવું જોઈએ, ટીમભાવના પ્રોત્સાહિત કરવી જોઈએ અને કર્મચારીઓ સાથે એક પ્રકારનો અનુબંધ કેળવવો જોઈએ ઈત્યાદિ.

– ડો.એ.સી.બ્રહ્મભટ્ટ

– લેખક PDPUમાં પ્રોફેસર છે.