વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના દાવેદાર 'નવરત્ન' - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના દાવેદાર ‘નવરત્ન’

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના દાવેદાર ‘નવરત્ન’

 | 12:27 am IST

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહે જાન્યુઆરી ૨૦૧૬માં વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તે અત્યાર સુધીમાં ૪૪ વનડેમાં ૭૮ વિકેટ લઈ ચૂક્યો છે. ડેથ ઓવર્સના સ્પેશિયાલિસ્ટ બુમરાહ ઇંગ્લેન્ડની પીચો પર ભારતનું મુખ્ય હથિયાર બની રહેશે. બુમરાહે આ વર્ષની ૧૩ મેચોમાં ૨૨ વિકેટ ઝડપી હતી આને કારણે બુમરાહ વર્લ્ડ કપનો પ્રબળ દાવેદાર છે પરંતુ બુમરાહની એક જ ખામી છે કે તેને વારંવાર ઈજા થાય છે. જો બુમરાહ ફિટ રહેશે તો તેનું સ્થાન નિશ્ચિત છે.

વન-ડે : ૪૪

વિકેટ : ૭૮

કુલદીપ યાદવ 

કુલદીપે ગત જાન્યુઆરીમાં વેસ્ટ ઇન્ડીઝની સામે વનડેમાં પદાર્પણ કર્યું હતું. તેને નામે અત્યાર સુધી ૩૩ વનડેમાં ૬૭ વિકેટ લેવાનો રેકોર્ડ છે. કુલદીપ આ વર્ષે સૌથી વધારે વિકેટ લેનાર લોકોની યાદીમાં બીજા નંબરે છે. કુલદીપે ચાલુ વર્ષે ૧૯ વનડેમાં ૪૫ વિકેટ ઝડપી હતી. ગત વર્ષે કોલકાતામાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે હેટ્રિક પણ લીધી હતી. કુલદીપે ચાલુ વર્ષે ઇંગ્લેન્ડમાં તેણે ત્રણ વનડેમાં નવ વિકેટ ઝડપી હતી.

વન-ડે : ૩૩

વિકેટ : ૬૭

યૂઝવેન્દ્ર ચહલ 

જાન્યુઆરી ૨૦૧૬માં વનડેમાં ટીમમાં પ્રવેશનાર ચહલે ૩૪ વનડેમાં ૫૬ વિકેટ ઝડપી છે. ચાલુ વર્ષે તેના ખાતે ૧૭ વનડેમાં ૨૯ વિકેટ આવી છે. ચહલે ૩૬ વિકેટ ઝડપી હતી. સ્પિન ફ્રેન્ડલી પીચો પર ચહલ અને કુલદીપ બંને ભારત માટે મેચ વિનર સાબિત થાય છે પરંતુ ઇંગ્લેન્ડની પીચો મોટેભાગે ઝડપી બોલરોને મદદરૂપ હોય છે જેને કારણે ચહલ અને કુલદીપ પૈકી એકને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકશે.

વન-ડે : ૩૪

વિકેટ : ૫૬

કેદાર જાધવ  

ઓલરાઉન્ડર કેદાર જાધવે ૨૦૧૪માં પહેલી વન-ડે રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝુકાવ્યું હતું. જાધવને વારંવાર ઈજા પહોંચે છે. જાધવ ચાર વર્ષમાં ૪૮ વનડે રમ્યો છે.તેમણે ૪૨ની સરસાઈથી ૮૮૪ રન બનાવ્યાં હતા તથા ૪.૮૬ની ઇકોનોમીથી ૨૨ વિકેટ ઝડપી હતી. ચાલુ વર્ષે તેણે ૧૧ વનડેમાં ૪૩.૫ ની સરસાઈથી રન બનાવ્યાં હતા. જાધવ છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવવા માટે જાણીતો છે. બોલને નીચે રાખીને વિકેટ ઝડપવામાં તે માહેર છે. તે બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકે છે.

વન-ડે : ૪૮

રન : ૮૮૪

વિકેટ : ૨૨

હાર્દિક પંડયા   

હાલમાં ઈજાને કારણે આરામ ફરમાવી રહેલો હાર્દિક પંડયા વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર છે. પંડયા ૨૦૧૬માં પહેલી વનડે રમ્યો હતો. પંડયા અત્યાર સુધી ૪૨ વનડેમાં ૨૯.૧૩ની સરસાઈથી ૬૭૦ રન બનાવ્યાં હતા. પંડયા ચાલુ વર્ષે ફક્ત ૧૦ વનડે રમ્યો હતો. ઇંગ્લેન્ડની પીચો પર ભારતને સીમર ઓલરાઉન્ડરની જરૂર હોય છે તેની ટીમ ઈન્ડિયામાં તેને સ્થાન મળવાની શક્યતા નકારી ન શકાય.

વન-ડે : ૪૨

રન : ૬૭૦

વિકેટ : ૪૦

ખલીલ એહમદ

આશિષ નેહરાના સંન્યાસ બાદ ટીમ ઈન્ડિયામાં કોઈ ડાબોડી બેટ્સમેન નહોતો પરંતુ જો ટીમ ઈન્ડિયામાં ખલીલ એહમદને સામેલ કરવામાં આવે તો આ ખોટ ભરપાઈ થઈ શકે છે. ગત સપ્ટેમ્બરમાં દુબઈમાં યોજાયેલા એશિયા કપમાં હોંગકોંગ સામેની મેચ દ્વારા વન-ડેમાં પદાર્પણ કરનાર ખલીલે અત્યાર સુધી ફક્ત છ વનડેમાં ૧૧ વિકેટ ઝડપી છે. એહમદ બોલને બંને બાજુએ સ્વિંગ કરાવવામાં માહેર છે.

વન-ડે : ૦૬

વિકેટ : ૧૧

ઋષભ પંત

વન-ડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની વિકેટકીપર તરીકે પ્રથમ પસંદ મહેન્દ્રસિંહ ધોની જ છે પરંતુ બેકઅપ તરીકે ઋષભ પંતને ટીમમાં સામેલ કરાઈ શકે છે. વેસ્ટ ઇન્ડીઝ ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સિરીઝ માટે ધોનીને બાકાત રાખીને ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટ ઋષભ પંતને વિકેટ કીપિંગના વિકલ્પ તરીકે ટીમમાં સ્થાન આપી શકે છે. પંત રન મશીન તરીકે જાણીતો છે. પસંદગી સમિતિ વર્લ્ડ કપ માટે દિનેશ કાર્તિકને બદલે ઋષભ પંતને સ્થાન આપી શકે છે.

વન-ડે : ૦૩

રન : ૪૧

લોકેશ રાહુલ  

રોહિત શર્મા અને શિખર ધવનની વન-ડે ક્રિકેટમાં ઓપનિંગ કરી રહ્યા છે પરંતુ લોકેશ રાહુલ સંકટ સમયની સાંકળ બની શકે છે. રાહુલે ૨૦૧૬માં વનડેમાં રમવાની શરૂઆત કરી હતી. જોકે ત્યારે તે ફક્ત ૧૩ વનડે રમી શક્યો હતો. ટીમ ઈન્ડિયામાં લોકેશને ઓપનિંગના વિકલ્પ તરીકે સામેલ કરવામાં આવી શકે છે.

વન-ડે : ૧૩

રન : ૩૧૭

પૃથ્વી શો

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં ૨૫૦ રન બનાવનાર પૃથ્વી શોએ પણ વિશ્વકપ માટે દાવો મજબૂત કર્યો છે. પૃથ્વીએ બે મેચમાં ૯૪ની સ્ટ્રાઇક સાથે રન બનાવ્યાં હતા. ઝડપી શોટ ખેલવાની શક્તિ અને લાંબા સમય સુધી વિકેટ પર ટકી રહેવાની ક્ષમતાને ધ્યાનમાં લઈને ટીમ મેનેજમેન્ટ તેને ટીમમાં સામેલ કરી શકે છે. જોકે, હજુ સુધી તેણે વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું નથી. પૃથ્વી શોએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ જોરદાર દેખાવ કર્યો છે જેને કારણે તેને આગામી સમયમાં વન-ડેમાં પણ તક મળી શકે છે.

રહાણેને વાપસીનો વિશ્વાસ

ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેને હજુ આશા છે કે, તે ફરી એક વખત વન-ડે ટીમમાં વાપસી કરશે અને તેને ૨૦૧૯ના વર્લ્ડ કપની ભારતીય ટીમમાં પણ સ્થાન મળશે. રહાણેએ કહ્યું કે, ઘરેલુ ટૂર્નામેન્ટમાં રમવું ઘણું જરૂરી હોય છે અને મેં તાજેતરમાં જ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો હતો અને રન પણ બનાવ્યા હતા.