વર્લ્ડ કપમાં ભારતનો મુખ્ય મદાર રોહિત શર્મા પર રહેશે  - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • વર્લ્ડ કપમાં ભારતનો મુખ્ય મદાર રોહિત શર્મા પર રહેશે 

વર્લ્ડ કપમાં ભારતનો મુખ્ય મદાર રોહિત શર્મા પર રહેશે 

 | 12:35 am IST

સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝિલેન્ડમાં સફ્ળતા હાંસલ કરી ચૂકી છે. કિવિ ધરતી પર આ અગાઉ ભારત માત્ર એક જ સિરીઝ જીતી શક્યું હતું તે જોતાં આ વખતે પ્રવાસના પ્રારંભે વિરાટ કોહલીની ટીમના દેખાવ અંગે પણ શંકા સેવાતી હતી, પરંતુ કોહલી અને ત્યાર બાદ રોહિત શર્માની આગેવાનીમાં ભારતે પોતાનું ફેર્મ પુરવાર કરી દીધું અને ટીમ જીતીને પરત આવી.

ન્યૂઝિલેન્ડનું હવામાન હંમેશાં કપરું રહ્યું છે. અન્ય દેશની સરખામણીએ તમામ ટીમ ન્યૂઝિલેન્ડનો પ્રવાસ ઘણો ઓછો ખેડે છે તેની પાછળનું કારણ પણ આ જ છે કેમ કે ત્યાંના હવામાન વિશે કોઈ આગાહી થઈ શકતી નથી. અત્યંત ઠંડા હવામાનમાં ત્યાં મેચો રમાતી હોય છે અને તે તો પાછો ત્યાંનો ઉનાળો કહેવાય છે. તો ખરેખર ત્યાં શિયાળો હોય ત્યારે તો પ્રવાસ જ શક્ય નથી.

થોડા વર્ષ અગાઉ ભારતીય ક્રિકેટ બોર્ડે એપ્રિલ અને મે મહિનામાં કેટલીક વન-ડે સિરીઝનું આયોજન કર્યું ત્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડે તેનો વિરોધ કર્યો હતો. એ વખતે તેમની દલીલ એ જ હતી કે આવી ગરમીમાં રમવું શક્ય નથી અને એમ જ હોય તો અમારે ત્યાં શિયાળો હોય ત્યારે તમે ટીમ મોકલી જુઓ. જો કે આ તો દલીલ માત્ર હતી કેમ કે ન્યૂઝિલેન્ડમાં શિયાળામાં તેમના ખેલાડીઓ પણ રમી શકતા નથી. ખેર, વાત ભારતીય ક્રિકેટ ટીમના પરફેર્મન્સની છે અને કોહલી એન્ડ કંપનીએ કમસે કમ વર્લ્ડ કપ અગાઉ પોતાનું ફેર્મ પુરવાર કરી દીધું છે. વિરાટ કોહલીને હાલમાં આરામ આપવામાં આવ્યો છે જેથી તે ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ અગાઉ સારી રીતે સજ્જ થઈ જાય. આવી જ રીતે જસપ્રિત બુમરાહને પણ આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ તો બુમરાહ અને ભુવનેશ્વર જેવા બોલરને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ નહીં રમવાની સલાહ આપી હતી. જેથી તેઓ વર્લ્ડ કપ અગાઉ વધુ પડતાં થાક અથવા તો શક્ય ઇજાથી દૂર રહી શકે.

આવી જ રીતે બીસીસીઆઈએ રોહિત શર્માને આરામ આપવાની જરૂર હતી. કોહલી કે અન્ય કેટલાક ખેલાડીની માફ્ક રોહિત શર્મા પણ સતત રમી રહ્યો છે. તે શાનદાર દેખાવ કરી રહ્યો છે અને વન-ડેમાં તો તે ખરેખર અત્યંત ઉપયોગી અને ખતરનાક બેટ્સમેન છે. આ સંજોગોમાં વર્લ્ડ કપમાં ભારતની સફ્ળતાનો મુખ્ય મદાર રોહિત શર્મા પર જ રહેવાનો છે. આમેય ઈંગ્લેન્ડની પિચો અને ત્યાંનું હવામાન જોતાં કોઈપણ ટીમને મજબૂત પ્રારંભની જરૂર હોય છે. મેચના પ્રારંભિક તબક્કામાં ઝડપી બોલર્સ (કે ઇવન મધ્યમ ઝડપી બોલર)ને પિચમાંથી ઘણી મદદ મળતી હોય છે ત્યારે સારા ઓપનર જ ટીમને બચાવી શકે છે અને વન-ડેમાં રોહિતથી સફ્ળ ઓપનર હાલના સમયમાં અન્ય કોઈ ટીમ પાસે નથી.

રોહિત શર્મા આમેય વન-ડે ઇતિહાસના સૌથી સફ્ળ બેટ્સમેનની હરોળમાં આવી ગયો છે. તેમાંય વર્લ્ડ કપમાં તો દરેક ટીમ પાસે એકથી એક ચડિયાતા બેટ્સમેન હશે. ૨૦૧૫ના વર્લ્ડ કપ અગાઉ એમ કહેવાતું હતું કે આ વખતે ભારત સિવાયના બેટ્સમેનો પાસે પણ બેવડી સદી નોંધાવવાની તક છે કેમ કે એ વખતે સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા સિવાય કોઈએ બેવડી સદી ફ્ટકારી ન હતી. એ વર્લ્ડ કપમાં ક્રિસ ગેઇલ અને ર્માિટન ગુપટિલે બેવડી સદી ફ્ટકારી હતી. રોહિત શર્મા તો હવે ત્રણ-ત્રણ વાર બેવડી સદી ફ્ટકારી ચૂક્યો છે. ઈંગ્લેન્ડના મેદાન ભારતની સરખામણીએ એટલા બધા મોટા નથી. ત્યાંની પિચો ભલે બોલર્સને મદદ કરનારી હોય, પરંતુ સારા સ્ટ્રોક પ્લેયર ત્યાં રનના ઢગલા કરી શકે છે તે જોતાં આ વખતે રોહિત શર્મા તેની બેવડી સદીની યાદી વધુ લાંબી કરી શકે તેમ છે.

રોહિતને હવે સદી ફ્ટકારવાની જાણે કે આદત પડી ગઈ છે. ૨૦૧૭ અને ૨૦૧૮માં મળીને તે ૪૦ વન-ડે રમ્યો છે. ૨૦૧૯ની વન-ડે ઉમેરીએ તો આ સંખ્યા ૫૦ ઉપર પહોંચી જશે. હવે તો તે ભારત માટે ૨૦૦ વન-ડે પણ રમી ચૂક્યો છે. ખાસ વાત તો એ છે કે છેલ્લી દસેક સિરીઝમાં તેણે કમસે કમ એક સદી તો ફ્ટકારી જ છે તો છેલ્લા બે કેલેન્ડર વર્ષમાં તે એક હજારથી વધુ રન નોંધાવી ચૂક્યો છે. ૨૦૧૯ના વર્ષમાં ભારતને ન્યૂઝિલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે અને ત્યાર બાદ વર્લ્ડ કપમાં રમવાનું છે ત્યારે રોહિત તેનો રેકોર્ડ વધુ ઉજળો બનાવી શકે છે.

સચિન તેંડુલકર અને વિરાટ કોહલી બાદ કદાચ રોહિત શર્મા એકમાત્ર એવો બેટ્સમેન છે જેની પાસેથી લગભગ દરેક ઇનિંગ્સમાં સદીની અપેક્ષા રખાય છે અને તેમાંય તે ૧૦૦નો આંક વટાવ્યા બાદ જે રીતે આક્રમક બને છે તે જોતાં તો તેની પાસેથી બેવડી સદીની અપેક્ષા રખાવા માંડે છે. હરીફ ટીમને કદાચ શિખર ધવનનો એટલો ડર નહીં હોય જેટલો રોહિત પાસેથી રખાય છે કેમ કે મુંબઈનો આ બેટ્સમેન એકવાર આક્રમક મૂડમાં આવી જાય પછી તેના સ્કોરનો ગ્રાફ અચાનક જ ઉપર ચડવા લાગે છે અને તેને રોકવો મુશ્કેલ બની જાય છે. ભારતે એટલી જ આશા રાખવાની કે રોહિત શર્માનું વર્તમાન ફેર્મ વર્લ્ડ કપમાં પણ ટકી રહે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન