દુનિયા આર્થિક બાબતો નહીં, માનવતા ઉપર ધ્યાન આપે : મોદી - Sandesh
  • Home
  • India
  • દુનિયા આર્થિક બાબતો નહીં, માનવતા ઉપર ધ્યાન આપે : મોદી

દુનિયા આર્થિક બાબતો નહીં, માનવતા ઉપર ધ્યાન આપે : મોદી

 | 1:42 am IST

। નવી દિલ્હી ।

વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે ત્યારે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા ભેગા થયેલા જી-૨૦ દેશોના નેતાઓને ભારતીય વડા પ્રધાન મોદીએ અનોખું આહ્વાન કર્યું હતું. તેમણે આફતને અવસરમાં બદલી નાખવાની વાત કરી હતી. તેમણે નેતાઓને સંબોધતા જણાવ્યું કે, આપણે અત્યારે આર્થિક બાબતો ઉપર નહીં પણ માનવતા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. વાઈરસ ક્યાંથી ઉત્પન્ન થયો કે ક્યાંથી આવ્યો તે વિશે વિચારવા કરતા તેનો નાશ કરવા માટે આપણે એકજૂથ થવાનું છે તે દિશામાં વિચાર કરવાની જરૂર છે. કોરોનાએ આપણને એક અવસર આપ્યો છે જેના પગલે આપણે ગ્લોબલાઈઝેશન મુદ્દે નવી દિશામાં વિચાર કરી શકીએ તેમ છીએ. કોઈને દોષ દેવા કરતાં સ્થિતિને કેવી રીતે સુધારી શકાય છે તે દિશામાં વિચાર કરવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં જી-૨૦ની બેઠકો માત્ર આર્થિક બાબતોની ચર્ચાનું જ પ્લેટફોર્મ બની રહી છે. આ ઈમેજમાંથી બહાર આવવું પડશે. આર્થિક રીતે નબળા દેશોની સ્વાસ્થ સુવિધાઓ સારી બને તે દિશામાં વિચારીને ઝડપી પગલાં લેવા પડશે.

ગ્લોબલ ઈકોનોમી સુધારવા માટે જી-૨૦ દેશો પાંચ ટ્રિલિયન ડોલર  આપશે

કોરોનાને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ઉદ્યોગધંધા ચોપટ થઈ ગયા છે. મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ઉપર બ્રેક વાગી ગઈ છે. વિશ્વના મોટાભાગના દેશો કોરોનાની ઝડપેટમાં આવી ગયા છે. આ સ્થિતિમાંથી દુનિયાને બહાર લાવવા માટે જી-૨૦ દેશો દ્વારા પહેલ કરવામાં આવી છે. જી-૨૦ દેશો દ્વારા વિશ્વના અર્થતંત્રમાં પાંચ ટ્રિલિયન ડોલર ઠાલવવામાં આવશે. આ મુદ્દે ભારતીય પીએમ મોદી દ્વારા ડબ્લ્યૂએચઓને પણ મજબૂત બનાવવા માટે હાકલ કરવામાં આવી હતી.

આફતને અવસર બનાવવાની મોદીની વિચારધારાને વિશ્વનેતાઓએ વખાણી

વડા પ્રધાન મોદીએ કોરોનાની આફતને અવસર બનાવીને વૈશ્વિક રીતે વિચારવાની અને કામગીરી કરવાનું આહ્વાન કર્યું હતું. જી-૨૦ દેશોના અન્ય નેતાઓ દ્વારા આ મુદ્દે ગંભીરતાથી વિચારવા અને નેતૃત્વ કરવા બદલ વડા પ્રધાન મોદી અને ભારતની પ્રશંસા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન