દુનિયા હિમયુગથી માત્ર ૧૧ વર્ષ જ દૂર છે? - Sandesh

દુનિયા હિમયુગથી માત્ર ૧૧ વર્ષ જ દૂર છે?

 | 12:23 am IST

લાઈવ વાયર : મયુર પાઠક

દુનિયાભરમાં અત્યારે કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે. આખું યુરોપ, કેનેડા, અમેરિકા સહિત ઉત્તર ભારતમાં અત્યારે એટલી જબરદસ્ત ઠંડી પડી રહી છે કે હવામાન શાસ્ત્રીઓ માથું ખંજવાળતા થઈ ગયા છે કે, આટલી બધી ઠંડી કેમ પડી રહી છે? અમેરિકાના શિકાગોમાં માઈનસ ૧૮ ડિગ્રી સે. તાપમાનથી લોકો ડરી ગયા છે. અમેરિકાના મિનેપોલીસમાં તો માઈનસ ૨૯ ડિગ્રી સે. જેટલું તાપમાન નોંધાયું છે. શિકાગોમાં તો આખી નદી થીજી ગઈ છે અને ઠંડા પવનોને કારણે શિકાગોમાં હવામાનની અનુભૂતિ માઈનસ ૪ ડિગ્રી જેટલી થવાની આગાહી પણ કરી દેવાઈ છે. ભારતની સ્થિતિ પણ ગંભીર છે. સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટના એક રિપોર્ટ મુજબ દિલ્હીમાં છેલ્લા ૪૫ દિવસમાં ઠંડીને કારણે ૩૪૧ બેઘર લોકોના મોત નોંધાયા છે. જાન્યુઆરીની ૧ થી ૧૪ તારીખમાં જ ઠંડીને કારણે ૯૬ લોકોનાં મોત નિપજ્યાં છે. ભારતના ઉત્તરીય રાજ્યો કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં જાન્યુઆરીમાં બરફ પડવો એ સામાન્ય બાબત છે, પરંતુ દક્ષિણ ભારતના કેરલનું હિલસ્ટેશન મુન્નારમાં જો પહેલી જાન્યુઆરીએ ૦ ડિગ્રી તાપમાન હોય, તો બે દિવસ બાદ માઈનસ ૩ ડિગ્રી તાપમાન થઈ જાય અને બરફ પડવાથી ચાના બગીચાઓ, રસ્તાઓ ઢંકાઈ જાય આ વાત થોડી આશ્ચર્યજનક છે. કેરલના કેટલાક શહેરોમાં અત્યારે તાપમાન ૧૭થી ૨૦ ડિગ્રી જેટલું થઈ ગયું છે. આવું અગાઉ કયારેય નથી થયું. દેશના અન્ય રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે ઠંડીનો કેર વર્તાઈ રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી સતત ઘટતા જતાં તાપમાનનો ક્રમ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં પણ ચાલુ રહ્યો હતો. દિલ્હીમાં ૫ ડિગ્રી તાપમાન ૧૦ જાન્યુઆરીએ નોંધાયું હતું જે સામાન્યથી ૩ ડિગ્રી ઓછું હતું. હિમાચલ પ્રદેશમાં તો શીતલહેરનો એટલો પ્રકોપ ફેલાયો કે કેલાનમાં તાપમાન માઈનસ ૯.૪ ડિગ્રી સે. પર પહોંચી ગયું અને પર્યટકોનું પસંદગીનું સ્થળ મનાલીમાં તાપમાન માઈનસ ૩.૨ ડિગ્રી રહ્યું. હિમાચલની રાજધાની સિમલામાં પણ તાપમાન ૧.૭ ડિગ્રી નોંધાયું છે. આ સ્થિતિ પંજાબના અમૃતસર અને આદમપુરમાં હતી ત્યાં તાપમાન ૦.૪ ડિગ્રી નોંધાયું. અમૃતસરમાં આ સીઝનનો સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ છે. હજુ હવામાન ખાતાની આગાહી છે કે ફેબ્રુઆરીના પહેલા વીકમાં પણ આ શીતલહેર ચાલુ રહેશે. હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી, પંજાબ, વેસ્ટર્ન યુપી અને રાજસ્થાનમાં કાતિલ ઠંડી પડવાની છે.

દુનિયા જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતું હતું ત્યારે એકાએક દુનિયાભરમાં શીતલહેર ફરી વળતાં ભલભલાના દિમાગ કામ કરતાં બંધ થઈ ગયાં છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે તો ટ્વિટ કરી નાખ્યું કે, ઠંડી લહેરોને કારણે તાપમાન માઈનસ ૬૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રેકોર્ડેડ ઠંડી નોંધાઈ છે, આવનારા દિવસોમાં હજુ વધારે ઠંડી પડે તેવું કહેવાય છે, લોકો ૧ મિનિટ માટે પણ બહાર નિકળી શકતા નથી. What the hell is going on with Global Warming ? Please Come Back Fast, We Need you.

પ્રેસિડેન્ટ ટ્રમ્પના આ ટ્વિટની ખાસ કરીને સાયન્ટિસ્ટોએ બહુ ટીકા કરી અને કહ્યું કે અણસમજુ પ્રેસિડેન્ટને વેધર (હવામાન) અને ક્લાયમેટ (આબોહવા) વચ્ચેના તફાવતની ખબર નથી. નાસા તરફથી કહેવાયું કે, વેધર એ છે કે જે વાતાવરણનો થોડા સમય માટેનો મિજાજ બતાવે છે અને ક્લાયમેટ એ છે કે જે વાતાવરણ લાંબા સમય સુધી કેવું રહેશે તે કહે છે. યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના એટ્મોસ્ફિઅરિક સાયન્સ પ્રોગ્રામના ડિરેક્ટર ડો. માર્શલ શેફર્ડે તો કહ્યું કે, વેધર ઈઝ યોર મુડ એન્ડ ક્લાયમેટ ઈઝ યોર પર્સનાલિટી. ડેમોક્રેટ કોંગ્રેસમેન માર્ક પોકને તો પ્રેસિડેન્ટ ટ્રમ્પના ટ્વિટને મુર્ખામી ભર્યું ગણાવીને કહ્યું કે, પ્રેસિડેન્ટને એક સિંગલ વેધર ઈવેન્ટ અને ગ્લોબલ વોર્મિંગ વચ્ચેના તફાવતની સમજ નથી.

અમેરિકાના પ્રેસિડેન્ટ જો કે આ વખતે સાચા છે. ભલે હવામાન શાસ્ત્રીઓ તેમની મજાક ઉડાવે અને પોતાના જ્ઞાનની વાતો કરે, પરંતુ જ્યારે અમેરિકાના લોકો ઠંડીના કારણે બહાર પણ ના નીકળી શકે, શિકાગોમાં નદી થીજી જાય અને માઈનસ ૪૦ ડિગ્રી સે. સુધી તાપમાન જતું રહે ત્યારે ગ્લોબલ વોર્મિંગની બૂમો પાડનારા કયાં છે તેવું પ્રેસિડેન્ટ ટ્રમ્પ કહે તે સ્વાભાવિક વાત છે. હકીકતમાં દુનિયા અત્યારે એક ભયંકર ઋતુ પરિવર્તનના માહોલમાંથી પસાર થઈ રહી છે. લખનૌમાં આવેલ વૈદિક વિજ્ઞાન કેન્દ્રના અધ્યક્ષ ડો. ભારત રાજસિંઘનું કહેવું છે કે દુનિયામાં અત્યારે શીતલહેરના આ કહેરનું કારણ લા- નીનો ચક્રવાતી તોફાન સાથે જોડાયેલું છે. ૨૦૦૭થી શરૂ થયેલું આ ઋતુ પરિવર્તન આગામી ૩૦ વર્ષ સુધી ચાલુ રહી શકે છે. આ સમય દરમિયાન વરસાદ પણ ૨૦૦ ટકા વધારે ઝડપથી પડવાની સંભાવના છે.

દુનિયાના હવામાન શાસ્ત્રીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓને અત્યારે પડતી કાતિલ ઠંડીને કારણે હિમયુગની (ICE AGE) યાદો તાજી થઈ રહી છે. હિમયુગમાં પૃથ્વીની સપાટીથી વાયુ મંડળ સુધીનું તાપમાન લાંબા સમય સુધી ઓછું થઈ જાય છે અને દુનિયાના ખંડોના મોટા ભાગની જમીનો પર બરફની ચાદર ફેલાઈ જાય છે. આવા હિમયુગ પૃથ્વી પર વારંવાર આવ્યાં છે અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે હજુ ફરી એકવાર પૃથ્વી પર હિમયુગ આવી શકે છે. પૃથ્વી પર છેલ્લો હિમયુગ આજથી લગભગ ૨૦ હજાર વર્ષ પૂર્વે આવ્યો હતો અને અંદાજે ૧૨ હજાર વર્ષ પૂર્વે સમાપ્ત થયો હતો. જો કે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકા પર હજુ પણ બરફની ચાદરો છે તેનો અર્થ એ થઈ શકે છે કે હિમયુગ હજુ સમાપ્ત થયો નથી તે એના છેલ્લા ચરણ પર છે. પૃથ્વી પર અત્યાર સુધી ૫ હિમયુગ આવ્યાં હતાં. પહેલો હિમયુગ હ્યુરોનાઈ હિમયુગ તરીકે ઓળખાય છે જે આજથી લગભગ ૨.૪થી ૨.૧ અબજ વર્ષ પહેલાં આવ્યો હતો ત્યાર પછી ચાર હિમયુગ આ પૃથ્વી પર આવી ગયાં. છેલ્લો હિમયુગ આજથી અંદાજે ૨૫ લાખ વર્ષ પૂર્વે આવ્યો હતો જે ક્વાટર્નરી હિમયુગ તરીકે ઓળખાયો. આ હિમયુગમાં તાપમાન ઉપર નીચે થતું રહે છે. અને કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ હિમયુગ હજુ આજે પણ ચાલી રહ્યો છે.

હિમયુગનો સમય સામાન્ય રીતે ૩૦ મિલિયન વર્ષનો હોય છે, પરંતુ કોઈ વખત ૩૦૦ મિલિયન વર્ષ પણ તેનો સમયગાળો થઈ જાય છે. હિમયુગનો લઘુ હિમયુગ પણ હોય છે જેનું કાળચક્ર ૪૦ હજારથી એક લાખ વર્ષનું હોય છે. વૈજ્ઞાનિકોના એક મોટા જૂથનું માનવું છે કે આગામી ૨૦૩૦થી દુનિયામાં હિમયુગની શરૂઆત થવાની છે. આ સમય દરમિયાન સૂર્યનો અગ્નિશાંત થઈ શકે છે અને દુનિયામાં ફરી એકવાર કાતિલ હિમયુગની શરૂઆત થઈ જશે. આ વાત કોઈના મગજના કાલ્પનિક તુક્કાની વાત નથી, પરંતુ અમેરિકા સ્થિત કેલિફોર્નિયામાં આવેલ વિલ્કાક્સ સોલર ઓબ્ઝર્વેટરીમાં રિસર્ચ કરનાર ગ્રૂપના પ્રોફેસર વેલેન્ટિના જારકોવાએ પોતાની આ રિસર્ચ નેશનલ એસ્ટ્રોનોમી મીટિંગમાં રજૂ કરેલી છે. પ્રોફેસર વેલેન્ટિના એ પોતાના રિસર્ચમાં કહ્યું છે કે ૨૦૩૦ સુધીમાં સૂર્યની ગતિવિધિઓમાં લગભગ ૬૦ ટકાની કમી આવશે. આ પરિસ્થિતિ દુનિયામાં ૧૬૪૫ના વર્ષમાં દેખાઈ હતી અને ત્યારે પૃથ્વી પર લઘુ હિમયુગની શરૂઆત થઈ હતી. પ્રોફેસર વેલેન્ટિનાએ પુરાવા સાથે જણાવ્યું હતું કે ૨૦૩૦થી ૨૦૪૦ દરમિયાન સૂર્યના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં એક જ સમયમાં તરંગો ઊઠશે અને આ તરંગો એકબીજાને ખતમ કરશે. જેનાથી સૂર્યની તાકાત ઘટશે અને ધરતી પર હિમયુગની શરૂઆત થશે. આવી ઘટના ૧૬૪૫થી ૧૭૧૫ ના વર્ષ દરમિયાન અગાઉ ઘટી હતી. આ દરમિયાન જ લંડનની થેમ્સ નદી સંપૂર્ણ થીજી ગઈ હતી.

વૈજ્ઞાનિકોના માનવા મુજબ સૂર્ય ઠંડો પડવાની શરૂઆત ૨૦૩૦માં થવાની છે એટલે કે આજથી ૧૧ વર્ષ બાદ હિમયુગની શરૂઆત થશે તેવું વૈજ્ઞાનિકો માની રહ્યાં છે આ એક ખૂબ જ ભયંકર વાત છે. પરંતુ આ વાત જ્યારે વૈજ્ઞાનિકો કહે છે ત્યારે તેમાં કંઈક વજૂદ હોય તેવું આપણે માનવું રહ્યું. આજે જ્યારે અગાઉ કયારેય પણ નથી પડી તેવી ઠંડી પડી રહી છે અને પેરિસ શિકાગોથી લઈને આબુ સુધી નદીઓ અને તળાવો ઠંડીમાં થીજી ગયા છે. ત્યારે આવનારા વર્ષોમાં પૃથ્વી પર આવનારા હિમયુગના આ એંધાણ તો નથી ને?

શોર્ટ સરકિટ  

બ્રિટનની નિડ્સ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર ક્રોનિસ ત્જેદાકિસે પોર્ટુગલના દરિયા કિનારે તાગુસ નદીના મુખ પાસે વૃક્ષો અને જળચર જીવોના જીવાશ્મોનો અભ્યાસ કરીને કહ્યું છે કે, અત્યારે પૃથ્વી પર જે રીતે કાર્બન ડાયોક્સાઈડ ગેસ છૂટી રહ્યો છે તેના કારણે બહુ મોટા પરિવર્તન આવી શકે છે અને કદાચ આ પરિવર્તનો જ પૃથ્વી પર હિમયુગ લઈ આવશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન