જગતના તાતે ફડણવીસના ઉજાગરા વધારી મૂક્યા છે - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • જગતના તાતે ફડણવીસના ઉજાગરા વધારી મૂક્યા છે

જગતના તાતે ફડણવીસના ઉજાગરા વધારી મૂક્યા છે

 | 1:43 am IST

ફોર્થ ડાઇમેન્શન :- વિનોદ પંડયા

વર્ષ ૧૯૮૫માં બ્રિટનની સંસદમાં સાંસદ જ્હોન એટકિન્સ બોલ્યા હતા કે આપણો ખોરાક તૈયાર થાય તે માટે જે સામગ્રી અને મહેનતની જરૂર પડે છે તેની આપણને ખબર નથી પણ પગનાં મોજાંની જોડી માટે શેની જરૂર પડે તે ખબર છે, ભારતમાં આજે એવી સ્થિતિ જ પ્રવર્તી રહી છે.

હમણાનાં વર્ષોમાં એક ઉનાળામાં મહારાષ્ટ્રના વિધાનસભ્યોએ ખેડૂતોની સ્થિતિનો અભ્યાસ કરવા એક પ્રવાસ યોજ્યો હતો. તેઓએ કાળા કાચની વિન્ડો, શીતળ જળ અને હવાની વ્યવસ્થા ધરાવતી વોલ્વો પ્રકારની બસોની વ્યવસ્થા કરી હતી. નેતાઓએ ‘ગરમી’ના દિવસોમાં જે મહાકષ્ટ ઉઠાવ્યું હતું, મીડિયા સમક્ષ તેનો જાતે યશ લેવાનું ચૂક્યા ન હતા. શુભ્રાતિશુભ્ર વસ્ત્રો અને કાળા ગોગલ્સ, નોકરચાકર સરંજામ સાથે તેઓ ખેડૂતોની તકલીફોનો કેટલો અભ્યાસ કરી શક્યા તે વર્તમાનથી સમજાય છે.

મહારાષ્ટ્ર સરકારમાં ભાજપ સાથે શિવસેનાની ભાગીદારી છે. શિવસેનાએ નક્કી કર્યું છે કે, સરકારમાં રહીને જ સરકારની ટીકા કરવી અને નક્કર કશું કરવું નહીં. શિવસેનાના સંજય રાઉત કહે છે કે, સરકારો માત્ર બોલતી રહે છે, ખેડૂતોનું સાંભળતી નથી.

સાવ એવું નથી કે સરકારો સાંભળતી નથી પણ સરકારો સાંભળે તે માટે થોડાઘણાં જનોએ શહીદ થવાની તૈયારી રાખવી પડે છે. મંદસૌરમાંપાંચ ખેડૂતો ગોળીબારમાં માર્યા ગયા હતા તે મુજબ. અન્યથા સરકાર બહેરી જ રહે છે. માક્ર્સવાદી સામ્યવાદી પક્ષની એક પાંખ અખિલ ભારતીય કિસાનસભાના લાલ નેજા હેઠળ લગભગ ૩૫ હજાર ખેડૂતોએ માર્ચના બળબળતા તાપમાં નાશિકથી મુંબઈ વિધાનસભા સુધી છ દિવસ સતત ચાલીને કૂચ યોજી તે ખેડૂતોનો અવાજ સરકાર સાંભળે તે માટેનો હમણાનો બીજો પ્રસંગ છે. મહારાષ્ટ્રમાં સામ્યવાદી પક્ષોનો જનાધાર નહિવત્ છે, છતાં ખેડૂતો આટલી સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે એકઠા થયા તે દેવન્દ્ર ફડણવીસ સરકાર માટે અને દેશભરમાં ભાજપ માટે ચિંતાજનક પડકાર છે. ખાસ એટલા માટે કે, કર્ણાટક, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવાં મહત્ત્વનાં રાજ્યોની ચૂંટણીનાં નગારાં વાગી રહ્યાં છે અને તે પછી રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાવાની છે.

ગ્રામીણ અર્થતંત્રમાં ખેડૂતોની મહત્ત્વની ભૂમિકા છે તે હકીકત વિધાયકો કાળા કાચની આરપાર જોઈ નથી શક્યા પણ સામાન્ય જનતા, ભલે તે પછી શહેરી હોય તે જોઈ શકી છે. શહેરની રેસ્ટોરાંઓમાં જે પકવાનો રંધાય છે તેની પાછળ આ ખેડૂતોની મહેનત છુપાયેલી છે. જનતા એ પણ સમજે છે કે, મુઠ્ઠીભર લેણદારો આખી અને આખી બેન્કો લૂંટી જાય છે. જે રકમ વડે કરોડો કિસાનોનાં દારિદ્ર્યનો અંત આણી શકાય. કિસાનોની રેલી રવિવારે મુંબઈ નજીકનાં થાણે ઉપનગર પહોંચી ત્યારે લોકોએ જમવાની સામગ્રી, પાણી અને બૂટ-ચંપલો ભેટ આપીને કિસાનોનું સ્વાગત કર્યું. મહારાષ્ટ્રભરમાંથી કેટલાક કિસાનો ખુલ્લા પગે કૂચમાં જોડાયા હતા.

મહારાષ્ટ્રનાં આઝાદ મેદાનમાં રેલીઓ યોજાય તેની સરકારને કે મુંબઈની પ્રજાને કોઈ પરવા હોતી નથી પણ ખેડૂતોની આ રેલીની ફડણવીસે ઇચ્છા ન હોવા છતાં એટલા માટે નોંધ લેવી પડે છે કે તે સ્વયંભૂ છે અને જો કામ નહીં અપાય તો રાજ્યમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ખેડૂતોએ નક્કી કર્યું છે કે, તેઓની સમસ્યાઓનો નિકાલ નહીં આવે ત્યાં સુધી તેઓ મેદાનમાંથી હટશે નહીં. હજી બેન્ક કૌભાંડના પડઘા શમ્યા નથી અને મહારાષ્ટ્ર તેમજ અન્યત્ર પાણીની કારમી તંગી ઝળૂંબી રહી છે, ત્રીજી તરફ, અણ્ણા હઝારે જૂની ચળવળોને ફરીથી તાજી કરવાના પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. આ નાજુક પરિસ્થિતિઓ સાથે કુનેહથી કામ ન લેવાય તો બાજી પલટાઈ શકે છે.

ખેડૂતોની માગણી છે કે, કોઈ પણ પૂર્વશરત વગર ખેડૂતોનાં દેવાં માફ કરવાં, જોકે આ માગણી સંતોષવાથી મોટા અને સમૃદ્ધ ખેડૂતોને જ વધુ ફાયદો છે, છતાં વાડની સાથે એરંડા પાણી પીએ તો તેને રોકી શકાય નહીં. ફડણવીસ સરકારે ખેડૂતોનાં કુલ ૩૪ હજાર કરોડનાં કરજ માફ કર્યાં છે પણ ખેડૂતોની ફરિયાદ છે કે, અમુક કિસાનોનાં આંશિક દેવાં, ક્ષુલ્લકપણે માફ કરવા સિવાય સરકારે ખાસ કોઈ રાહત આપી નથી. એક અહેવાલ મુજબ સરકારે જે કરજમાફીની રાહત આપી છે તે કુલ રકમ દસ હજાર કરોડ રૂપિયાથી પણ નીચી છે. માફીયોજનાનો કાર્યક્ષમ વહીવટ થયો નથી.

ખેડૂતોની બીજી ડિમાન્ડ છે કે, ‘સમૃદ્ધિ હાઈવે’ અને બુલેટ ટ્રેન જેવી યોજનાઓ માટે થતું જમીનસંપાદન અટકાવી દેવામાં આવે. હાલની વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં આ માગણી વાજબી નથી. જાગતીકરણના દોરમાં ચીન જેવી સત્તાઓ સાથે સ્પર્ધામાં ટકી રહેવા દેશમાં પાયાનાં માળખાં ઊભાં કરવાં પડે. આર્થિક વિકાસ માટે અને તંદુરસ્ત ગ્રામીણ અર્થતંત્ર માટે તે જરૂરી છે, છતાં સરકાર જરૂરી યોજનાઓનો યોગ્ય અગ્રતાક્રમ તૈયાર કરે તો બહુજન હિતાય તેનો વિકાસ થઈ શકે. બુલેટ ટ્રેન તે દિશામાં પ્રમાણમાં નિષ્ફળ જશે. યોગ્ય યોજનાઓ અને દરેક ક્ષેત્રમાં સરકારો ચુસ્ત અને કાર્યક્ષમ તંત્ર અજમાવે તો લોકો પણ સાથ આપે. જોકે બુલેટ ટ્રેન જેવી યોજનામાં સંપાદિત જમીનના બદલામાં યોગ્ય વળતર અને નોકરી અપાય છે. આ મુદ્દા પર ખેડૂતોએ ખાસ આગ્રહ રાખવો ના જોઈએ.

કિસાનોની સૌથી વાજબી માગણી છે તે મિનિમમ સપોર્ટપ્રાઇસ(એમએસપી) અર્થાત્ ખેતીઉત્પાદનોનાં લઘુતમ સમર્થનમૂલ્ય અંગેની છે. સ્વામીનાથન સમિતિએ એમએસપી બાબતમાં જે ભલામણો કરી હતી તે ખેડૂતોને માન્ય છે પણ સરકારો, પછી તે કોંગ્રેસની હોય કે ભાજપની હોય, તેને લાગુ પાડવામાં ઠાગાઠૈયા કરી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, જ્યારે કાંદાના કે દાળના ભાવ વધી જાય ત્યારે સરકાર હસ્તક્ષેપ કરે છે પણ ખૂબ ઘટી જાય ત્યારે ખેડૂતોની તરફેણમાં હસ્તક્ષેપ કરતી નથી. ખેડૂતોની આ વ્યથા સાચી છે, જે સૌકોઈ જાણે છે. એક તરફ સરકાર કૃષિઉત્પાદનો વધારવા માટેની યોજનાઓ લાવે છે. ખાતરો અને દવાઓનું નિર્માણ કરે છે, કરાવે છે પણ મબલક પાક ઊતરે તો ખેડૂતોએ તે રસ્તા પર ફેંકી દેવો પડે છે. આ જૂની સમસ્યાનો કોઈ ઉકેલ હજી આવ્યો નથી. નેશનલ સેમ્પલ સરવે ઓફિસના આંકડા પ્રમાણે ભારતના કિસાનની સરેરાશ આવક મહિને સાડા છ હજાર રૂપિયા છે. ખેડૂતોની ૪૮ ટકા આવક ઘઉં અને ચોખાની ખેતી દ્વારા આવે છે. જો અન્ય ચીજોની પેદાશોનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તો ખેડૂતો તેની ખેતીમાં જોડાશે અને તેઓની આવક વધશે. માત્ર બટેટાના ઠંડા ગોદામો ઊભાં કરવાથી ખાસ ફાયદો નથી.

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીના મતે સરકાર દૂધ અને બીજી ર્હોિટકલ્ચર પેદાશોની જાળવણી માટે યોગ્ય માળખાં ઊભાં કરે તો તે કાર્ય એમએસપી પાછળ ખર્ચાતી સબસિડીની રકમના દસમા ભાગના ખર્ચથી થઈ શકશે અને દેશમાં કાયમી સવલતો પણ ઊભી થશે. રાજ્ય સરકારોની કુલ આવકના ૫૭ ટકા જેટલી રકમ માત્ર પગારો, પેન્શનો અને વ્યાજ ચૂકવવામાં જ ખર્ચાઈ જતી હોય અને એ કર્મચારીઓમાંથી મોટાભાગના કરપ્શન સિવાય કશું કામ ન કરતા હોય ત્યારે ખેડૂતસમાજ અને આમ નાગરિકનાં કપાળે બેહાલી જ લખાતી હોય છે. મુખ્યમંત્રી ફડણવીસ કહે છે કે, ખેડૂતોની માગણી સંતોષવા માટે સરકાર પાસે નાણાં નથી.

;