દુનિયાનાં શેરબજારો શા માટે ભૂસકા મારે છે?   - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દુનિયાનાં શેરબજારો શા માટે ભૂસકા મારે છે?  

દુનિયાનાં શેરબજારો શા માટે ભૂસકા મારે છે?  

 | 3:43 am IST

ફોર્થ ડાઇમેન્શન :-  વિનોદ પંડયા

ભારતનું બજેટ રજૂ થયા પછી શેરબજાર રોજ ભૂસકા મારી રહ્યું છે. ભારતમાં કોર્પોરેટ સેક્ટરને બજેટની જોગવાઈઓ ફુગાવાજનક લાગી રહી છે અને બરાબર એ જ સમયમાં આંતરરાષ્ટ્રીય શેરબજારોમાં હવા ફેલાઈ છે કે દુનિયાની નામી કંપનીઓના સ્ટોક્સની કિંમત અસાધારણપણે ઊંચી છે અને તે પ્રમાણે શેરહોલ્ડરોને વળતર મળવાનું નથી. આ કારણથી વોલ સ્ટ્રીટમાં જબરી પછડાટ જોવા મળી રહી છે. ઘરઆંગણાના ભારતીય નિવેશકો હતાશ હતા અને તેની સાથે આંતરરાષ્ટ્રીય પરિબળો પણ જોડાયાં છે. દલાલ સ્ટ્રીટ પોતાનાં કારણોથી પડી રહ્યું હતું અને વોલ સ્ટ્રીટ પોતાનાં કારણોથી પણ વોલ સ્ટ્રીટ પડે છે એટલે દલાલ સ્ટ્રીટ વધુ જોરથી નીચે ખાબકે છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે ભારતનું શેરબજાર બજેટને કારણે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊથલપાથલને કારણે પડી રહ્યું છે. તેમની આ વાત સાચી છે પણ સાવ સાચી નથી. બજેટની નવી નીતિઓએ પણ શેરબજારને ચિંતામાં મૂકી દીધું છે.

છેલ્લા કેટલાક મહિનાથી બજારમાં એક અભિપ્રાય બંધાઈ રહ્યો હતો કે દુનિયાનાં શેરબજારોમાં શેરની કિંમતો હોવી જોઈએ તેના કરતાં ખૂબ વધારે છે. માર્કેટ ઓવરવેલ્યૂડ છે. છેલ્લાં દસ વરસના આંકડા બતાવે છે કે મોટાભાગની કંપનીઓના પીઈ રેશિયો(પ્રાઇસ-ટુ-અર્નિંગ રેશિયો) અગાઉ ક્યારેય ન હતા એટલા ઊંચા ગયા છે.  આ અપેક્ષાએ શેરની કિંમતો વધારી દીધી હતી. હવે એ અપેક્ષાઓ ફળીભૂત થશે તેમ જણાઈ રહ્યું નથી, તેથી દુનિયાનાં બજારો વોલ સ્ટ્રીટની આગેવાનીમાં નીચે જઈ રહ્યાં છે.

અમેરિકામાં નોકરીઓની સંખ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. ગયા જાન્યુઆરીમાં નવી બે લાખ નોકરીઓ વધી હતી. પ્રાઇવેટ સેક્ટરમાં અપેક્ષા કરતાં વધારે પગારવધારો નોંધાયો હતો. તેનાં પરિણામે એવી ધારણા બંધાઈ હતી કે અમેરિકાનું અર્થતંત્ર વધુ ઝડપથી આગળ વધશે. આ ધારણાને અનુસંધાને બીજી ધારણા બંધાઈ કે આર્થિક પ્રવૃત્તિઓમાં અચાનક ઉછાળ આવ્યો છે અને પગાર વધ્યો છે તેથી ફુગાવો સર્જાશે અને તેને કાબૂમાં રાખવા માટે અમેરિકાની રિઝર્વ બેન્ક વ્યાજનો દર નજીકનાં ભવિષ્યમાં જ વધારી શકે છે. જો તેમ થાય તો ઉદ્યોગોની આવકમાં ઘટાડો થાય. એક તો ઊંચો પીઈ રેશિયો હતો અને તેમાં આ ડર આવી પડયો તેથી વોલ સ્ટ્રીટ અસાધારણપણે તૂટી પડયું. નિવેશકોએ અબજોના અબજો રૂપિયા ગુમાવ્યા.

અમેરિકાના નિવેશકોને જે ડર લાગ્યો છે તેવો ભારતીય રોકાણકારોને પણ લાગ્યો છે. તેમને ડરે છે કે ભારતીય રિઝર્વ બેન્ક ભવિષ્યમાં વ્યાજદર વધારી શકે છે. ગયા બુધવારે રિઝર્વ બેન્કે વ્યાજનો રેપો રેટ જૈસે થે તેમ છ ટકા પર રાખ્યો. બજેટમાં ફુગાવાના દરનો લક્ષ્યાંક ચાર ટકા પર રાખવામાં આવ્યો છે પણ આ ચૂંટણીનાં વરસમાં સરકારના ખર્ચ વધવાના છે. સરકારે અનેક મોટી યોજનાઓની જાહેરાતો કરી છે, જેમ કે ખરીફ પાકની સરકાર દ્વારા પડતર કિંમત પર પચાસ ટકા વધુ રકમ ચૂકવીને ખરીદી, આયુષ્યમાન ભારત, ભારતમાલા વગેરે. એ ખર્ચને કારણે બજારમાં પૈસો આવશે અને તેથી ફુગાવો વધુ ઊંચે જશે. સરકારે ફુગાવાનો ચાર ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે પણ તે પ્રાપ્ત થવાનો નથી. ફુગાવાને કાબૂમાં રાખવા રિઝર્વ બેન્કે વ્યાજના દર વધારવા પડશે. બજારની આ ધારણા છે પણ તે ત્યારે સાચી પડે જ્યારે સરકાર જાહેર કરેલી યોજનાઓ મુજબ ખર્ચ કરે. જો વ્યાજના દર વધે તો કંપનીઓની આવક ઘટે. નાણાકીય નીતિ સમિતિ(મોનિટરી પોલિસી કમિટી)ની બુધવારે બેઠક મળી હતી તેણે સ્થિતિને યથાવત્ રાખવાનું નક્કી કર્યું હતું. દુનિયામાં તેલની ઊંચે જઈ રહેલી કિંમતો, રાજ્ય સરકારો દ્વારા મકાનભાડાં એલાવન્સમાં વધારો, ઊંચી કસ્ટમ્સ ડયૂટીની બજેટમાં જાહેરાત, સરકાર દ્વારા સબસિડીમાં વધારો, ઉપરાંત આયુષ્યમાન ભારત અને ખરીફ પાકની ખરીદીને કારણે ફુગાવો ઊંચે જવાનો જ છે તેથી કમિટીએ હાલમાં વ્યાજદર યથાવત્ રાખ્યો છે પણ ભવિષ્યમાં તે વધારવાની નોબત આવી શકે છે. કમિટીનો અંદાજ છે કે ચાલુ વરસના માર્ચ સુધીમાં ગ્રાહકો માટેની ચીજવસ્તુની કિંમતોનો ફુગાવો વધીને ૫.૧ ટકા સુધી અને સપ્ટેમ્બર સુધીમાં ૫.૬ ટકા થઈ જશે. નાણામંત્રી જેટલી સંસદમાં કહી ચૂક્યા છે કે મોંઘવારી હજી વધશે. મોંઘવારી માટે લોકોને એ તૈયાર કરી રહ્યા છે પણ ચૂંટણીના વરસમાં સરકારે એવી તૈયારીઓ કરવી પડશે કે જેમાં મોંઘવારી વધે નહીં, તે માટે વ્યાજનો દર વધારીને લોકોને નાણાંની બચત કરવા પ્રોત્સાહન અપાશે, પરિણામે ઉદ્યોગોને મળતાં નાણાં મોંઘાં થાય, જે આર્થિક વિકાસની ઝડપને મંદ બનાવે. મંદી આવે તો રોજગારીનું પ્રમાણ ઘટે. રોજગારી વધારવાનું સરકાર પર દબાણ છે તે માટે થોડો ફુગાવો(મોંઘવારી) પણ થવા દેવો પડે. સરકારે તંગ દોરી પર ચાલવાનું છે. ૨૦૧૮-૧૯નાં નાણાકીય વરસમાં આર્થિક વિકાસનો દર ૬.૬ ટકા ધારવામાં આવ્યો છે. આ કોઈ એવો ઉત્સાહજનક ફિગર નથી જે ભારતે નજીકના ભૂતકાળમાં અનુભવ્યો છે. યોગ્ય નીતિનિર્ધારણ દ્વારા સરકાર તેને નિવારી શકે. તેલની કિંમતો વધી ગયા પછી ફરી પાછી ઘટી રહી છે. જો તેલની કિંમતો વધશે તો મોંઘવારીને કાબૂમાં રાખવાનું મુશ્કેલ પડશે. તેલની કિંમતો વધશે તો સરકાર દ્વારા અપાતી ગેસ વગેરે સબસિડીનો આંકડો ઊંચે જશે. એક્સાઇઝ ડયૂટી પણ સરકારને તંગ દોરી પર નચાવશે. તેલની કિંમતો ઓછી હતી તેનો ફાયદો, ડયૂટી ઘટાડીને, ગ્રાહકોને અપાયો નથી, હવે ચૂંટણીનાં વરસમાં સરકાર ડયૂટી ઘટાડે તો સરકારની આવક ઘટી જાય અને સરકારની નાણાકીય ખાધ વધે. જો ન ઘટાડે તો તેલની ઊંચી કિંમતોને કારણે ફુગાવો વધે. આ સરકારનાં સારાં નસીબે તેલની આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટેલી રહે અથવા વધુ ઘટે તો આ પરિબળોનો સરકારે સામનો નહીં કરવો પડે પણ જે પરિબળનો સરકારે ચોક્કસપણે સામનો કરવો પડશે તે ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવ હશે. અગાઉ માત્ર ઘઉં અને ચોખાની કિંમતો મોંઘવારી વધારતી હતી પણ હવે સરકાર લગભગ તમામ ખરીફ પાકોની લઘુતમ કિંમતો નક્કી કરવાની છે તેથી મોંઘવારી વધારે પ્રમાણમાં વધશે. જો સરકાર તે ચીજોનું જાહેર વિતરણવ્યવસ્થા દ્વારા વેચાણ કરશે તો સબસિડીનું પ્રમાણ વધશે. કોર્પોરેટજગતને આ બધી ચિંતા છે તેથી શેરબજારમાં ગ લાબી રંગ ગાયબ છે.