દુનિયાની સૌથી લાંબી ઝીપલાઇન - Sandesh

દુનિયાની સૌથી લાંબી ઝીપલાઇન

 | 1:30 am IST

આ દુનિયામા કુદરત સર્જીત અનેક વસ્તુઓ એવી છે જેને જાઇને આપણે દંગ રહી જઇએ, તો સાથે સાથે માનવસર્જીત પણ એવી કેટલીયે વસ્તુઓ છે જેને જોઇને દંગ રહી જવાય. ખાસ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં તો આપણને એવી કેટલીયે વસ્તુ જોવા મળે છે જેની વિશેષતા આપણને અચંબીત કરી મુકે. અલબત્ત માત્ર માનવ આવડત સિવાય કુદરતી અલૌકીક વસ્તુઓના નામ પણ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય જ છે. પરંતુ આજે આપણે જે રેકોર્ડ વિશે વાત કરવાની છે તે માનવ સર્જીત વસ્તુ છે.

આ વર્ષના બીજા મહિનાની શરુઆતમાં એટલે કે ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે યુએઇમાં દુનિયાની સૌથી મોટી ઝીપલાઇનનું ઉદ્ઘાટન થયું હતંુ, અને ઉદ્ઘાટન થતાં જ આ ઝીપલાઇનના નામે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાઇ ગયો છે. યુએઇના જ રહેવાસી રાસ અલ ખૈમાહે યુએઇમાં જ એક મસ મોટી ઝીપલાઇન બનાવી છે. ઝીપલાઇન મતલબ કે રોપવે જેવું જ દોરડું કે જેની ઉપર બે હૂક વડે માણસ લટકીને એક છેડેથી બીજે છેડે જાય. આ એક એડવેન્ચરલ રાઇડ કહી શકાય, જે કરવાની ખૂબ મજા આવે પરંતુ ઘણા લોકોને ડર પણ લાગતો હોય છે, હવામાં તમે કેટલાય ફૂટ ઉપર લટકીને એક છેડેથી બીજે છેડે જતા હોવ ત્યારે સેફ્ટી માટે તમારા શરીરે અનેક બેલ્ટ લાગવવામાં આવ્યા હોય છે, પરંતુ જો તેમાં કોઇ ગડબડ થઇ તો તમે સીધા નીચે પડી શકો છો.

વાત યુએઇની ઝીપલાઇનની કરીએ તો લગભગ ત્રણ વર્ષની મહેનત બાદ રાસ અલ ખૈમાહે આ ઝીપલાઇન તૈયાર કરી હતી. ઝીપલાઇન દરીયાથી ૧૬૮૦ મીટર ઉપર બનાવવામાં આવી છે, જેની લંબાઇ દુનિયાની દરેક ઔઝીપલાઇનમાં સૌથી લાંબી છે. તેની લંબાઇ ૨.૮૩ કિલોમીટરની છે. મતલબ કે આ ઝીપલાઇનમાં બેસનાર વ્યક્તિને હવામાં જમીનથી ૧૬૮૦ મીટર ઉપર સળંગ ૨.૮૩ કિલોમીટર સુધી દોરડા સાથે બંધાઇને તરવું પડશે.

રાસ અલ ખૈમાહએ બનાવેલી ઝીપલાઇનને દુનિયાની સૌથી લાંબી ઝીપલાઇનનો ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ખૈમાહ આ અંગે ઘણો જ ખુશ છે, તેણે જણાવ્યું હતું કે હવે જ્યારે લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ આ ઝીપલાઇન માટે નોંધાઇ ચુક્યો છે એ મારા માટે ખુશીની વાત છે.