જગતને જમીનદોસ્ત કરવા માટેનું નવું આચરણ : ઉંદર આતંકવાદ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • જગતને જમીનદોસ્ત કરવા માટેનું નવું આચરણ : ઉંદર આતંકવાદ

જગતને જમીનદોસ્ત કરવા માટેનું નવું આચરણ : ઉંદર આતંકવાદ

 | 7:42 am IST

ટિન્ડરબોક્સઃ અભિમન્યુ મોદી

અમેરિકાની  એક બેન્કમાં લોરેન્સ જોહન રીપલ્સ નામના પુરુષે એક બેન્કમાં ધાડ મારી. લૂંટ મચાવી. બેન્કના કર્મચારીઓ ભયભીત હતા. કોઈ જાબાંઝ બેન્ક કર્મચારીએ આ લુંટારુને ખબર ન પડે એ રીતે ઈમરજન્સી અલાર્મ વગાડી દીધો હતો એટલે પોલીસ રસ્તામાં જ હતી. બેન્ક લૂંટયા પછી તે ધાડપાડુ લોબીમાં જ હતો ત્યાં પોલીસે તેને દબોચી લીધો. બેન્કની અંદર રહેલા ગ્રાહકો અને બીજા બેન્ક કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો અને પોલીસને બોલાવનાર બહાદુર બેન્ક ઓફ્સિરનો આભાર માન્યો. મીડિયા પણ ‘ઓન ધ વે’ હતું. પત્રકારોએ પણ બેન્કચોર માટે ‘ટેરર ઇન બેન્ક’ જેવી હેડલાઈન મનમાં વિચારી રાખી હતી. પોલીસે ત્યારે જ તેને બેન્ક લુંટવાનું કારણ પૂછયું. ચોર કહે, મારી પત્ની સાથે રહેવા કરતાં હું જેલમાં રહેવાનું પસંદ કરીશ. આ સમાચાર વાંચનાર બધા ખડખડાટ હસી રહ્યા. બેન્ક ચોરને આતંકવાદી કહેવાને બદલે તેની પત્ની માટે બધાને ઘૃણાની લાગણી ઉપજી હશે. પેલો જાબાંઝ બેન્ક કર્મચારી પણ વિચારતો હશે કે તે ચોર તો એના કરતાં પણ વધુ બહાદુર નીકળ્યો.

૨૦૧૬ના આ સાચુકલો કિસ્સામાં હાસ્યરસને બાદ કરીએ તો તાત્ત્વિક સવાલ એ નીકળે કે અસલી આતંકવાદી કોણ? તેની પત્ની કે આ ચોર? સવાલનો જવાબ મેળવવા માટે ગૂગલ કરી શકો છો. વિકિપિડીયાના આતંકવાદ ઉપર ત્રણ જુદા જુદા પાના ઉપર અને જેને દુનિયા આખી ઓથેન્ટિક માને છે તે બ્રિટાનિકા એન્સાયકલોપિડિયામાં આતંકવાદની વ્યાખ્યા જુવો. દરેક સ્ત્રોતમાં વ્યાખ્યા જુદી જોવા મળશે પણ તેનો લ.સા.અ. કંઇક આવો છેઃ ”પોતાની તાકાત કે બળ દ્વારા આર્થિક, રાજકીય, ધાર્મિક કે સૈદ્ધાંતિક ફયદો મેળવવા માટે હિંસા આચરીને કોઈપણ સરકારને બ્લેકમેઈલ કરવા માટે અથવા પ્રજામાં ભયનો માહોલ ફેલાવવા માટે કે નિર્દોષ લોકોને જાનહાનિ અથવા તેની સંપત્તિને નુકસાન કરીને આચરવામાં આવતા કૃત્યને આતંકવાદ કહે છે.” આ આખી વ્યાખ્યામાં ‘હિંસા’ શબ્દ કેન્દ્રમાં છે. હિંસા એટલે શું તેની સરકારી વ્યાખ્યા શારીરિક સંદર્ભમાં જ છે. જયારે આખી દુનિયામાં મનોરોગીઓની સંખ્યા વધી રહી છે અને થોડા સમયમાં ડિપ્રેશન વિશ્વની સૌથી મોટી બીમારી થવા જઈ રહી છે તેવા સમયમાં લોહી કાઢે તેને જ હિંસા કહેવાય, પણ માનસિક ત્રાસ આપે તેને હિંસા ન કહેવાય એવી સમજ વિશ્વના દેશોના બંધારણ અને કાયદા-કાનુનની કૂપમંડૂકતા બતાવે છે. ગાંધીજી વોઝ નોટ ફ્લિોસોફ્કિલ. હી વોઝ રિયાલિસ્ટ. તેમની અહિંસા-હિંસાની સમજણને કાયદેસર કરવી પડે. તો જ આતંકવાદની વ્યાખ્યા બદલાશે. બ્રિટાનિકાથી લઇને બધા જ્ઞાાનસત્તાધારીઓએ તેની વ્યાખ્યા બદલવી પડશે.

શું પ્રજામાં ભયનો માહોલ ફેલાવવો હિંસા નથી? પાઈ-પાઈનો હિસાબ જોડીને પોતાનો જીવનગુજારો કરી રહેલા સતત નબળા પડતા જતાં અર્થતંત્રમાં પોતાના ખિસ્સામાં રહેલા રૂપિયાનું મૂલ્ય સતત જાળવી રાખવા મથતા આમઆદમીને પોતાના પૈસાની સંપૂર્ણ સુરક્ષા ક્યાંય મહેસૂસ ન થાય એવો માહોલ ઊભો કરવો તે હિંસા નથી? અભણ હોય કે ભણેલ ગણેલ, આડકતરી રીતે અચાનક ક્યારે ને ક્યાં તેણે પચાસ પૈસા પણ વધુ ચુકવવાના થઇ ગયા એ તેને ખબર જ ન પડે એવી વ્યવસ્થાની ગોઠવણી હિંસા ન કહેવાય? એક રૂપિયાની પડતર કિંમત ધરાવતી વસ્તુના ક્યારેક દસ અને ક્યારેક પંદર રૂપિયા કેમ તે ચુકવે છે તેની કશી ગતાગમ જ ન પડે એવું સંકીર્ણ માળખું ઉપરથી નીચે સુધી ગોઠવવામાં આવે તો તે હિંસા નથી? પૂરી ઈમાનદારીથી નોકરી કરતા અનેક સરકારી કર્મચારીઓની અચાનક જ અકારણ બદલી કરીને એક જ અઠવાડિયામાં હજારો પરિવારોમાં અસ્થિરતા પેદા કરવાની જરૂર ઊભી થાય તે હિંસા નથી?

જો આ બધી હિંસા હોય તો આ બધી કુવૃત્તિઓને આતંકવાદ કેમ ન કહેવાય? આતંકવાદનો મૂળ આશય નિર્દોષ હોય કે દોષિત, સામે વાળી પાર્ટીને નુકસાન પહાંેચાડીને પોતાનો ફયદો મેળવવાનો હોય છે. તો આ આશય સામે બંદૂક કે બોમ્બ તો સદીઓ જૂના સાધનો થયા. શું એવું જરૂરી જ છે કે ફ્ક્ત ટ્રીગર દાબીને જ જે તે વ્યક્તિનું કાસળ નીકળી શકે? બિલ્ડિંગમાં પ્લેન ભટકાડીને ત્રાસ ફેલાવવો એવો આતંકવાદનો કન્સેપ્ટ તો જૂનો થયો હવે. સામે ન હોય એવા હથિયારથી વાર કરો તો એ સરપ્રાઈઝ એટેકમાં પરાસ્ત થાય અને શિકારીની જીત થાય.

આ જ મોડસ ઓપરેન્ડીથી એકવીસમી સદી હેન્ડલ થઇ રહી છે. અચાનક જ રાતોરાત મેડિકલેઈમની ફેશન શરૂ થઇ ગઈ. સાર્સથી માંડીને ફ્લુ જેવા અનેક રોગો કોઈ ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમય માટે દેખાય, અને પછી થોડા સમયમાં ગાયબ પણ થઇ જાય. દરેકેદરેક દેશ દિન-પ્રતિદિન દેવામાં ડૂબતો જાય છે. અમેરિકા જેવા દેશમાં તો સરકારી અધિકારીઓ ફ્રોડ કરીને  બેન્કોને ડુબાડી દે અને વિશ્વમાં મંદી આવે. ટ્રમ્પ લોકશાહીથી આવેલા દેખાય, ચાઈનાના જિનપિંગ લોકપસંદગી લાગે. પણ શું જે આપણને બતાડવામાં આવે છે એ જ સત્ય છે? આપણને લાગે છે કે પ્રજા માટે, પ્રજા દ્વારા, પ્રજા થકી સંસાર ચાલે છે. પણ જે દેખાય અને જે વાસ્તવમાં હોય તેમાં ફ્રક ગોતી શકવા માટેની આપણી સૌની બુદ્ધિ તો છે, પણ હિંમત છે ખરી?

ફયનાન્શિયલ ટેરરીઝમ. જગત ઉપર અધિપત્ય અજમાવવા માટે હવે તાજપોશીની જરૂર નથી, આર્થિક આતંકવાદ પૂરતો છે. સોશિયલ મીડિયા ઉપરની મોનોપોલીથી લઇને  બેન્કોના ફ્રોડ સુધી સર્વત્ર આર્થિક આતંકવાદ પ્રસરેલો છે. તે આતંકવાદને આપણે પણ પરોક્ષ કે પ્રતિપરોક્ષ રીતે પોષીએ છીએ અથવા તો પોષવું પડે છે. આ પોષણપ્રક્રિયામાં ‘જે પોષતું તે મારતું તે ક્રમ દીસે છે કુદરતી’ના માનવર્સિજત સિદ્ધાંતને આપણે ભૂલી રહ્યા છીએ. નીરવ ભાઈ, મેહુલ ભાઈ, માલ્યા કે રોટોમેક – આ બધા તો એ છે જે આપણને દેખાય છે અથવા તો બતાવવામાં આવ્યા છે. ટાઈટેનિક સ્ટીમર સાવ નજીક પહોંચી પછી જ તેને મહાકાય હિમશીલાનો અનુભવ થયો. એ અનુભવ માટે પોતાની જાતની આહુતિ આપવી પડી. આપણી પાસે ભલે ટાઈટેનિક ન હોય અને પેડલ બોટ હોય, આપણને ભલે સ્નોફેલ ન દેખાય, હિમશીલા જોવા માટે દૂરબીન તો લગાવી શકીએ ને. આપણે સૂતા હોઈએ ત્યારે ઉંદર આપનો પગ કરડી જાય એ સવારે જ ખબર પડે. ઉંદર ફ્ૂંક મારતું જાય અને ખોતરતું જાય. આપણે આવા ફ્ૂંકને ઓળખવાના છે. બાય ધ વે, ફસ્ટ એન્ડ ફ્યુરીયસ ફ્લ્મિમાં બધા બોડી બિલ્ડરોની ટીમને  બેન્ક લુંટવા માટે આખું શહેર રગદોળતા જોઈને અને પોતાના જાનની બાજી લગાવતા જોઈને અમુક મોટા માથાઓ કેવું અટ્ટહાસ્ય કરતાં હશે? (જેલમાં છાપા વાંચીને કે વિદેશી હોટેલના રૂમના ટીવીમાં જોઈને પણ હસવું બંધ નહિ થતું હોય ને?)

facebook.com/abhimanyu.modi.7