ગુજરાતમાં બે દિવસ વરસાદ થયા બાદ ચોમાસુ નબળુ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગરમી અને બફારાને કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી સપ્તાહમાં ઓછા વરસાદની સંભાવના છે. ગરમી અને ઉકળાટનું જોર વધશે. હવામાન વિભાગે હાલમાં રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. ભેજનું પ્રમાણ વધતાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં 20 ટકાથી વધારે વરસાદની ઘટ ગુજરાતમાં 20 ટકાથી વધારે વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. અલનીનોની અસરને કારણે ગુજરાતમાં ઓછા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી ત્રણથી ચાર દિવસ ઉત્તર અને પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળ અને બિહારમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આજે મેઘાલયમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે સિક્કિમમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે વરસાદની ચેતવણી હવામાન વિભાગે પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર,લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, રસ્તા બંધ થવા અને પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે.બીજી તરફ પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ સાથે તોફાની પવન અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં પણ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે.છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આગામી ચાર દિવસ સુધી વરસાદના સંકેત છે.આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ,નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશા માટે ખાસ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Weather Update: 18 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, દિલ્હી-યુપીમા આંધી તોફાનની શક્યતા