વરલીના ૭૮ માળના ટ્રમ્પ ટાવરમાં પ્રાઇવેટ જેટની સર્વિસ અપાશે - Sandesh
  • Home
  • Mumbai
  • વરલીના ૭૮ માળના ટ્રમ્પ ટાવરમાં પ્રાઇવેટ જેટની સર્વિસ અપાશે

વરલીના ૭૮ માળના ટ્રમ્પ ટાવરમાં પ્રાઇવેટ જેટની સર્વિસ અપાશે

 | 12:04 am IST

મુંબઇ, તા.૨૩

વરલીમાં આવેલાં અતિ વૈભવી ૭૮ માળના ટ્રમ્પ ટાવરનું બાંધકામ પૂરું થયું તે નિમિત્તે રિબન કાપી તેનું ઉદ્ઘાટન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે કર્યું હતું. મુંબઇમાં અને કદાચ ભારતમાં આ પહેલો એવો ટાવર છે જ્યાં તેના રહેવાસીઓને પ્રાઇવેટ જેટની સુવિધા આપવામાં આવશે.   લોઢા ગ્રુપ દ્વારા બાંધવામાં આવેલા ટ્રમ્પ ટાવરની ઉંચાઇ ૮૦૦ ફૂટ છે. ૪૦ વર્ષના ટ્રમ્પ જુનિયરે વિખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર હર્શ બેડનેર એસોસિએટ (એચબીએ) દ્વારા ડિઝાઇન કરવામાં આવેલાં શો રેસિડેન્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે જણાવ્યું હતું કે લક્ઝરી રિઅલ એસ્ટેટમાં સૌથી વધારે પસંદગી પામેલાં સ્થળ તરીકે મુંબઇ ઉભરી રહ્યું છે અને અમને આ શહેરમાં અમારી હાજરી બદલ ગર્વ છે.

લોઢા ગ્રુપના મેનેજિંગ ડાયરેકટર અભિષેક લોઢાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ટ્રમ્પ ટાવરનું બાંધકામ પૂરું થયું તે લકઝરી હાઉસિંગ માર્કેટમાં મહત્ત્વનો માઇલસ્ટોન છે. બહુ થોડા આંતરરાષ્ટ્રીય સ્તરના લકઝરી પ્રોજેક્ટમાંનો એક આ હવે પૂર્ણતાને આરે છે.

ટ્રમ્પ ટાવરની વિશેષતાઓ

સાત એકરની પ્રોપર્ટી ધ પાર્કમાં આવેલાં આ સોનેરી ઝાંય ધરાવતા આ ટાવરમાં કુલ ૪૦૦ ફલેટ છે. જેમાં ત્રણ બેડરૂમના ફલેટનો ભાવ ૯ કરોડ રૂપિયાથી અને ૪ બેડરૂમના ફલેટનો ભાવ ૧૨ કરોડ રૂપિયાથી શરૂ થાય છે. ૨૦૧૪માં આ ટાવરનું બાંધકામ શરૂ થયું હતું. એકાદ વર્ષમાં તે રહેવા માટે તૈયાર થઇ જશે.

ટ્રમ્પ ટાવરમાં કેવી સુવિધાઓ અપાશે ?

ખાનગી જેટ સર્વિસ ઉપરાંત આ ટાવરમાં વ્હાઇટ ગ્લોવ્ઝ સર્વિસ, સ્પા, પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ, લાઉન્જ, જિમ્નેશિયમ અને સેન્ટ્રલ એર કન્ડિશનિંગની સુવિધા અપાશે. આ ઉપરાંત સાત સ્તરની સુરક્ષા વ્યવસ્થા અને ટ્રમ્પ કાર્ડ પ્રિવિલેજ પ્રોગ્રામની સુવિધા મળશે.

અમેરિકન કરતાં ભારતીય મીડિયાબહેતર છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર

અમેરિકાના અખબારોને ચિંતા છે કે ટ્રમ્પ પરિવાર તેમના પ્રમુખનો દરજ્જો વટાવીને તેની પ્રોપર્ટીનું વેચાણ વધારે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે અમેરિકન અખબારો કેવી રીતે કાગનો વાઘ કરે છે તેનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે મેં એક મુલાકાતમાં જણાવ્યું કે મને ભારતમાં રહેલી ગરીબીની સમજ છે પણ તેમનો જુસ્સો ગમે છે. તો વોશિંગ્ટન પોસ્ટે મથાળું ફટકાર્યું કે ટ્રમ્પને ગરીબ લોકો ગમે છે કેમ કે તેઓ સ્મિત આપે છે. મારો આ મતલબ નહોતો. મેં જ્યારે અહીં આવીને લોકોના ચહેરા પર જો ઓજસ જોયું તેના હું પ્રેમમાં પડી ગયો છું. કેમ કે આવું ઓજસ દુનિયાના બીજા કોઇ હિસ્સામાં જોવા મળતું નથી. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય પત્રકારો બરછટ છે પણ અમેરિકન પત્રકારો કરતાં તો તેઓ બહેતર છે. અમેરિકન પત્રકારત્વ તો સાવ ખાડે ગયું છે. હું કાંઇ પણ કહું પણ તેમને જે ફાવતું હોય તે જ તે છાપે છે. જો કે હું મારા નિવેદનને વળગી રહું છું.  આ પ્રસંગે મંજુ લોઢાએ જુનિયર ટ્રમ્પને તેમની બુક અર્પણ કરી હતી.

;